Wed Jun 10 2026

Logo

અમદાવાદમાં હીટવેવ વચ્ચે ટ્રોમા કેસમાં 20% નો ઉછાળો, અકસ્માતોની સંખ્યા વધી

2026-04-14 09:53:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ: માવઠાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે  અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં તાપમાન વધવાની સાથે મેડિકલ ઈમરજન્સીના કેસમાં વધારો થઈ રહ્યો છે.   માર્ગ અકસ્માત અને ટ્રોમા (ઈજા) ના કેસોમાં મોટો વધારો થયો છે. EMRI 108 ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જ્યારે અન્ય મેડિકલ ઇમરજન્સીમાં ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલ 2025 અને 2026 ના પ્રથમ બે અઠવાડિયાના ઇમરજન્સી કોલ ડેટાની સરખામણી મુજબ કુલ મેડિકલ ઇમરજન્સી કોલ્સ લગભગ સમાન રહ્યા છે. 2025 માં 8,736 ની સામે 2026 માં 8,749 કોલ્સ આવ્યા હતા. જોકે, ઇમરજન્સીના પ્રકારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ટ્રોમાના કેસમાં 20% નો વધારો

સૌથી ચિંતાજનક બાબત ટ્રોમા સંબંધિત ઇમરજન્સીમાં થયેલો વધારો છે. એપ્રિલના પ્રથમ બે અઠવાડિયામાં વાહન અકસ્માતને કારણે થતી ઈજાના કેસ 2025 માં 742 હતા, જે 2026 માં વધીને 900 થયા છે. આ જ સમયગાળા દરમિયાન અન્ય પ્રકારની ઈજાના કેસો પણ 2025 માં 977 થી વધીને 2026 માં 1,213 થયા છે, જે લગભગ 15-20% નો વધારો દર્શાવે છે. નિષ્ણાતો આ વલણ પાછળ બેદરકારીભર્યું ડ્રાઇવિંગ, હેલ્મેટ અને સીટબેલ્ટનો અભાવ અને ટ્રાફિક નિયમોના નબળા પાલનને જવાબદાર માને છે.

ગત વર્ષની સરખામણીએ વર્ષે કેસમાં થયો ઘટાડો

આ ઉપરાંત ઉનાળા દરમિયાન થતી સામાન્ય મેડિકલ ઇમરજન્સીમાં ઘટાડો થયો છે, જે જાહેર આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સમયસર સારવાર સૂચવે છે. પેટમાં દુખાવાના કેસ 2025માં 1,904 હતા. જે 2026માં ઘટીને 1,751 થયા છે. આ ઉપરાંત શ્વાસ સંબંધિત તકલીફ 1,131 થી ઘટીને 875 થઈ છે. જ્યારે તાવના કેસ 483 થી ઘટીને 318 થયા છે. હૃદય સંબંધિત કેસ 821થી ઘટીને 752 થયા છે. ડાયાબિટીસ સંબંધિત કેસ પણ 154 થી ઘટીને 134 થયા છે. તેમજ ગંભીર માથાનો દુખાવાના કેસની સંખ્યા 116 થી ઘટીને 85 થઈ છે.