અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હાલ પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં લાફાકાંડની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના રખિયાલ-સરસપુર વોર્ડમાં બની હતી. વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલને રખિયાલ-સરસપુર વોર્ડ પ્રમુખ ભાવના ગુપ્તાએ લાફા ઝીંકી દેતા સનસનાટી મચી ગઈ હતી. વોર્ડ પ્રમુખે આક્ષેપ કર્યો કે, શહેર પ્રમુખ સોનલબેને મહાપાલિકાની ટિકિટ અપાવવાના પાર્ટી ફંડના નામે એક લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ટિકિટ બીજાને ફાળવવામાં આવી હતી.
શું છે મામલો
રખિયાલ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયે શહેર પ્રમુખ સોનલબેન પટેલ આવવાની જાણકારી મળતા વોર્ડ પ્રમુખ ભાવનાબેન ગુપ્તા કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રમુખ સોનલબેન સાથે ટિકિટ અપાવવા બાબતે વાતચીત કરી ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને મહિલા આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા હાજર કાર્યકરો અને આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા જ બધાની હાજરીમાં ઉશ્કેરાયેલા ભાવનાબેને સોનલબેનને બે તમાચા ઝીંકી દીધા હતા. જોકે, હાજર કાર્યકરો-આગેવાનોએ દરમિયાનગીરી કરવાને બદલે આશ્ચર્યજનક રીતે આ તમાશાના મૂકસાક્ષી બની રહ્યા હતા.
ભાવનાબેને કરેલા આક્ષેપો મુજબ, તેમનું નામ વોર્ડના ત્રણ ઉમેદવારોની પેનલમાં મૂકવામાં આવ્યું હતું. તેમાંથી આખરી પસંદગી માટે પ્રદેશ સમિતિને યાદી મોકલવાની હતી ત્યારે તેમણે અમદાવાદ શહેરના કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યને તેમની ભલામણ કરવા રજૂઆત કરી હતી. જોકે, આ નેતાએ તેમને શહેર મહિલા પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. દરમિયાન વોર્ડ પ્રમુખે સોનલબેનને રજૂઆત કરતા તેમણે ચૂંટણી લડવા માટે જરૂરી ફંડ ઉપરાંત એક લાખ રૂપિયા પાર્ટી ફંડ આપવું પડે તેમ જણાવ્યું હતું. દરમિયાન ભાવનાબેન પાર્ટી ફંડ આપવા સંમત થયા હતા.
સોનલબેનને અમદાવાદના એક સ્થળે મળીને એક લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કરતા ભાવનાબેને કહ્યું કે, તેમનું નામ રખિયાલ વોર્ડની યાદીમાં ન આવતા તેમણે જ્યારે શહેર પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે તેમને ઈસનપુર વોર્ડમાં ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી. જોકે, તેમણે ઈનકાર કરતા કહ્યું હતું કે, હું રખિયાલમાં રહીને કામ કરું છું. વળી, મને એ વોર્ડની કંઈ ખબર પણ નથી તેથી ઈસનપુર વોર્ડમાં ચૂંટણી લડવાનો કોઈ મતલબ નથી.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે તેમના એકસ હેન્ડલ પર આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમની સામે કરવામાં આક્ષેપો ખોટા છે. તેમણે પાર્ટી ફંડ કે અન્ય કોઈ પૈસા લીધા નથી. મારા નામે ભાવનાબેન પાસેથી અન્ય કોઈએ પૈસા લઈને છેતરપિંડી કરી હોય તો તેઓ પોલીસ ફરિયાદ કરી શકે છે. પોલીસ તપાસ કરીને સત્ય બહાર લાવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આંતરિક વિવાદ પક્ષને ભારે પડી શકે છે.