Fri Aug 28 2026

Logo

વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ પોલીસની લાલ આંખ:  લાઇસન્સ વિના ધમધમતા ગોડાઉનમાંથી 39 કરોડથી વધુના ફટાકડા ઝડપાયા

2026-07-21 18:04:14
Author: Devayat Khatana
વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ પોલીસની લાલ આંખ:  લાઇસન્સ વિના ધમધમતા ગોડાઉનમાંથી 39 કરોડથી વધુના ફટાકડા ઝડપાયા

અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10 જેટલા લોકોના જીવ ગયા છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને 10 દિવસમાં તપાસ અહેવાલ સોંપવાનો આદેશ આપ્યો છે. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને  અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ફટાકડાના બે ગોડાઉન પર મોટી કાર્યવાહી કરી છે. 

અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડસર ગામથી અમાથાપુર જતા રસ્તા પાસે આવેલા 'અંબિકા ટ્રેડ લિંક' નામના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સામસામે આવેલા બે ગોડાઉનમાંથી અલગ-અલગ પ્રકારના ફટાકડાના કુલ 65,954 બોક્સ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત 39.57  કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉનનું લાયસન્સ ગત માર્ચ મહિનામાં જ પૂરું થઈ ગયું હતું, છતાં તેને રિન્યૂ કરાવ્યા વિના ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. સુરક્ષાના નામે ગોડાઉનમાં માત્ર ફાયર એક્સટિંગ્વિશર, રેતી ભરેલી ડોલ અને પાણીની પાઇપ જેવી સામાન્ય વ્યવસ્થાઓ જ હતી, જે આટલા વિશાળ જથ્થાની સરખામણીમાં સાવ અપૂરતી હતી. આ ઉપરાંત, ગોડાઉનની બહાર ટીનના શેડ નીચે પણ ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી.

આ ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ચાંગોદર પોલીસે કડક પગલાં લીધા છે. પોલીસે ગોડાઉનના લાયસન્સ ધારક અમિત મોદી અને ગોડાઉન મેનેજર કિશન પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 અને 288 તેમજ વિસ્ફોટક અધિનિયમની કલમ 9B(1)(b) અને 12 હેઠળ FIR નોંધીને બંનેની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ જુઓ...