અમદાવાદઃ ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે. પરંતુ સ્થાનિક કક્ષાએ અનેક પ્રકારના આક્ષેપો પાર્ટી પર થતાં આવ્યાં છે. અત્યારે અમદાવાદમાં ભાજપના એક મહિલા કાર્યકર્તાએ પાર્ટીના સિનિયર નેતા પર ગંભીર આક્ષેપ કર્યો છે, જેના કારણે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સમગ્ર મામલે ભાજપના મહિલા કાર્યકર્તાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો છે. જેમાં ભાજપના એક સ્થાનિક હોદ્દેદાર પર સિનિયર મહિલા અગ્રણીએ જાતીય શોષણ અને અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો છે. ચાલો જાણીએ સમગ્ર વિગત...

ભાજપના સ્થાનિક હોદ્દેદાર પર જાતિય શોષણનો આરોપ
મૂળ વાત એ છે કે, બાપુનગર વિધાસભા વિસ્તારના એક સિનિયર મહિલા અગ્રણી અને પક્ષના કાર્યકર્તા પન્નાબેન ઝાએ ભાજપના સ્થાનિક હોદ્દેદાર જયેશ બારોટ પર ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યાં છે. બાપુનગર વિધાનસભાના સરસપુર-રખિયાલ વોર્ડના પ્રાદેશિક પ્રતિનિધિ જયેશ બારોટ દ્વારા મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પન્નાબેન ઝાએ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.
પન્નાબેન ઝાએ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો
જગદીશ વિશ્વકર્માને પત્ર લખતા પન્નાબેન ઝાએ લખ્યું કે, તેઓ ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ પક્ષમાં અત્યારે કેટલાક હોદ્દેદારો દ્વારા મહિલા કાર્યકર્તાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. પક્ષનું કોઈ કામ કરી આપવા માટે મહિલા કાર્યકર્તાઓ પાસે શારીરિક માંગણી કરવામાં આવે છે’. પન્નાબેને પત્રમાં નામ સાથે આરોપ લગાવ્યો છે. લખ્યું કે, જયેશ બારોટ દ્વારા વારંવાર ફોન પર અપશબ્દો બોલવામાં આવે છે, અશ્લીલ માંગણીઓ કરવામાં આવે છે અને બીભત્સ આચરણ કરવામાં આવતું હોય છે’. મહિલા કાર્યકર્તાઓ સાથે આવું વર્તન થતું હોવાથી આ હોદ્દેદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
પક્ષની મહિલા કાર્યકર્તાઓમાં ભયનો માહોલ
જયેશ બારોટ દ્વારા આવું વર્તન કરવામાં આવતું હોવાથી પક્ષની મહિલા કાર્યકર્તાઓમાં ભયનો માહોલ છે. હવે મહિલા કાર્યકર્તાઓ પક્ષમાં કામ કરતા ડરી રહી છે. પક્ષમાં આવા લોકોના કારણે કામ કરવું વધારે મુશ્કેલ બની ગયું છે. પહેલા ભાજપમાં મહિલાઓનું ખૂબ જ માન-સન્માન હતું, કાર્યકર્તાઓને માન આપવામાં આવતું હતું, પરંતુ હવે પક્ષના કેટલાક હોદ્દેદારો દ્વારા મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આ મામલે સત્વરે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી સમક્ષ તટસ્થ તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલા લેવામાં આવે તેવી રજૂઆત પત્રમાં કરવામાં આવી છે.
જયેશ બારોટ સામે પાર્ટીના નિયમો પ્રમાણે કાર્યવાહી કરવા માંગ
પક્ષમાં કરતી મહિલા કાર્યકર્તાઓ ભવિષ્યમાં અસુરક્ષિત ના અનુભવે તે માટે અત્યારે જયેશ બારોટ સામે પાર્ટીના નિયમો પ્રમાણે કાર્યવાહી થવી જરૂરી છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, પન્નાબેન ઝા દ્વારા લખવામાં આવેલો પત્ર અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આવા સવાલોના કારણે પાર્ટી પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કેવા પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે!