Mon May 25 2026

Logo

અમદાવાદમાં હવે લાંબા સમય સુધી ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે, ગૂગલ મેપ્સથી ઉકેલાશે સમસ્યા

2026-05-21 08:11:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગૂગલ મેપ્સની મદદથી રોડ મેનેજમેન્ટ ઈનસાઈટ નામનો એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આનાથી ફાયદો એ થશે કે, અમદાવાદના ટ્રાફિક જંક્શન ગણાતા વિસ્તારમાંથી લાઈવ ટ્રાફિક ડેટા મળી રહેશે, એઆઈ ટેક્નોલોજીની મદદથી ટ્રાફિકને જાણીને ડાઈવર્ટ કરવામાં મોટી સરળતા રહેશે. ખાસ કરીને સતત અને સખત વ્યસ્ત રહેતા માર્ગોનો લાઈવ ડેટા મળી રહેશે. કલાકવાર વાહનોની સંખ્યા, ગતિ, ટાઈમ ટ્રાવેલ્સ, બ્રેકિંગ તથા અકસ્માત જેવી માહિતી મેળવવી સરળ થશે. આ સાથે જે તે વિસ્તારમાં મદદ પહોંચાડવી પણ વધુ સરળ બની રહેશે. 

ટેક્નનોલોજીના સહારે સમસ્યાનો ઉકેલ
આ ઉપરાંત ચોમાસું સીઝનમાં પાણીનો ભરાવો, ખાડા તથા રસ્તા પરના અવરોધને જાણવા સરળ બનશે. આ પ્રકારની પ્રાથમિક માહિતી દૈનિક ધોરણે અનેક નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાય છે, આના પરથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ માટે સમગ્ર અમદાવાદ શહેરમાં કેમેરા, સેન્સર તથા જે તે જરૂરી ડીવાઈસ શરૂ કરવા માટેની ખાસ કરી જરૂરિયાત રહેશે નહીં. આ ઉપરાંત ગૂગલ મેપ્સની મદદથી મળતી માહિતી ટ્રાફિકક્યોર (Trafficure) પ્લેટફોર્મની મદદથી શહેરના કંટ્રોલ રૂમ સુધી પહોંચશે. આ પાયલટ પ્રોકેજ્ટમાં એસ.જી. હાઈવે, તપોવન સર્કલથી આરટીઓ, એસ.પી. રીંગરોડ, પરિમલ અંડરપાસથી ગોલ્ડન ટ્રાયએંગલ, શાસ્ત્રીનગર, ડમરૂ સર્કલથી ગુજરાત હાઈકોર્ટ, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ, દધીચી બ્રિજથી દિલ્હી દરવાજા, કાલુપુરથી અમદુપુરા થઈ નરોડા, એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ, ગીતા મંદિરથી ઈસનપુર, ઘોડાસર કેનાલ, નારોલ નરોડા હાઈવે જેવા મોટા અને મહત્ત્વના રસ્તાનો સમાવેશ કરાયો છે.

જામ થવાનું કારણ જાણી શકાશે
નવા પાયલટ પ્રોજેક્ટને કારણે ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરી શકાશે, ટ્રાફિકજામ થવાનું કારણ જાણી શકાશે, સિગ્નલ ટાઈમિંગ, પાણીનો ભરાવો, દબાણ, અકસ્માત કે અન્ય કોઈ કારણ હશે તો એને પણ સરળતાથી જાણી શકાશે. માત્ર ટ્રાફિક પર વૉચ નહીં પણ રીયલ ટાઈમમાં તેનું નિરાકરણ થશે. ટ્રાફિક પોલીસને પણ આ સિસ્ટમથી મોટી મદદ મળી રહેશે. ટ્રાફિક્યોર ડેશબોર્ડની મદદથી લાઈવ એલર્ટ મળશે. ટ્રાફિક પોલીસની ટીમ જે તે સ્થળે આ માટે જવા રવાના થઈ શકશે. આ સિવાય અન્ય કોઈ ટીમને પણ મોકલી શકાશે.આ કારણે રસ્તા પર લાંબા સમય સુધી કોઈ ટ્રાફિકજામ નહીં રહે.ભવિષ્યના પ્લાનિંગ માટે એઆઈ અને મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોજેક્ટને વધારે સ્મૂથ બનાવાશે, નવા તૈયાર થનારા ફ્લાય ઓવર, રોડ, ક્લોઝર તથા સિગ્નલ ફેરફારથી શું અસર થશે એ પણ જાણી શકાશે. રસ્તા સુરક્ષાના ક્ષેત્રે આ પ્રોજેક્ટ ખરા અર્થમાં આશીર્વાદ રૂપ સાબિત થશે. 

ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.
પ્રાથમિક પરીક્ષણ બાદ પ્રોજેક્ટને સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે. પછી સમગ્રશહેરમાં આ પ્રોજેક્ટ અમલી બની રહેશે. ટ્રાફિક પોલીસ પરિસ્થિતિ જોઈને ગણતરીની મિનિટમાં નિર્ણય લઈ શકશે, ટ્રાફિક વિલંબ ઘટશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવું પણ સરળ બની રહેશે. ખાસ કરીને પીકઅવર્સમાં થતા ટ્રાફિક જામથી છોડો છૂટકારો મળી રહેશે. શહેરના એન્ટ્રી પોઈન્ટ સમાન એસ.જી. હાઈવે અને નરોડા-ઈન્દિરા સર્કલ જેવા વિસ્તારમાં લાંબા સમય માટે થતા ટ્રાફિક જામમાંથી પણ મુક્તિ મળી રહેશે.