નિલેશ વાઘેલા
ભારતીય અર્થતંત્ર માટે રૂપિયો માત્ર ચલણ નથી,પરંતુ દેશની આર્થિક સ્થિરતા, વૈશ્વિક વિશ્વસનિયતા અને સામાન્ય નાગરિકની ખરીદ શક્તિનું પ્રતિક છે. પરંતુ આજે વૈશ્વિક પરિસ્થિતિ એવી વિષમ બની છે કે ડૉલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને 100ના મનોવૈજ્ઞાનિક આંકડા તરફ આગળ વધી રહ્યો છે. આવા સમયે દેશનાં 16મા નાણાં પંચના અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગરીયાએ આપેલું નિવેદન દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યું છે.
તેમણે કહ્યું કે 100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો. આ નિવેદન સામાન્ય જનતા માટે ચોંકાવનાં લાગી શકે, કારણ કે વર્ષોથી આપણને શીખવવામાં આવ્યું છે કે મજબૂત ચલણ એટલે મજબૂત અર્થતંત્ર. પરંતુ અર્થશાસ્ત્ર હંમેશાં ભાવનાઓથી નહીં, વાસ્તવિક પરિસ્થિતિને આધારે ચાલે છે. પ્રશ્ન એ છે કે, શું ખરેખર રૂપિયાના અવમૂલ્યનને કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારી લેવું જોઈએ? કે પછી સરકાર અને આરબીઆઈએ દરેક કિમતે રૂપિયાને બચાવવો જોઈએ?
હાલની પરિસ્થિતિને સમજવા માટે વૈશ્વિક સંજોગો પર નજર કરવી જરૂરી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ, ખાસ કરીને હોર્મુઝની ખાડી સંબંધિત અનિશ્ચતતા, વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ પુરવઠા અંગે ભય ઉત્પન્ન કરી રહી છે. આજે એનર્જી સિક્યુરિટી ખૂબ જ મહત્ત્વની છે. ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકાર દેશોમાંથી એક છે. દેશ પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડની આયાત કરે છે. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય એટલે ભારતનું આયાત બિલ વધી જાય છે અને ડૉલરની માગ ઊંચી જાય છે.
ડૉલરની માગ જ્યારે વધે ત્યારે સ્વાભાવિક રીતે રૂપિયો નબળો પડે છે. અર્થશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તો કરન્સીનું અવમૂલ્યન બજારની કુદરતી પ્રક્રિયા છે. પનગરીઆનો મૂળ તર્ક પણ આ જ છે. તેમના મત અનુસાર, જો વૈશ્વિક સંકટના કારણે આયાત મોંઘી થઈ રહી હોય, તો કરન્સીને થોડી નબળી થવા દેવી અર્થતંત્ર માટે એક શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે.
આનો અર્થ શું? દરેક સિક્કની બીજી બાજું હોય છે. જ્યારે રૂપિયો સસ્તો થાય છે, ત્યારે આયાત મોંઘી બને છે. પરિણામે લોકો અને ઉદ્યોગો બિનજરૂરી આયાતમાં ઘટાડો કરે છે. બીજી તરફ, ભારતીય નિકાસ સસ્તી બનવાથી વિદેશી બજારમાં તેની માગ વધી શકે છે. આ રીતે કરન્સીનું અવમૂલ્યન વેપાર ખાધ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન મોંઘવારીનો છે. ભારતમાં સામાન્ય નાગરિક માટે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ પહેલેથી જ ચિંતાનો વિષય છે. જો રૂપિયો વધુ નબળો પડશે, તો આયાત ખર્ચમાં વધારો થશે અને મોંઘવારી વધશે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં તેની અસર સીધી રીતે ઘરગથ્થુ બજેટ પર પડશે.
આથી જ વર્ષોથી ભારતીય રિઝર્વ બેંક ડૉલર વેચીને રૂપિયાને ટેકો આપતી આવી છે. આરબીઆઈ પાસે વિશાળ વિદેશી હૂંડિયામણ ભંડાર છે અને તેનો એક ઉપયોગ કરન્સીમાં અતિશય અસ્થિરતા અટકાવવાનો છે. પરંતુ સવાલ એ છે કે શું દેશની મધ્યસ્થ બેન્ક અનંત સમય સુધી બજારમાં ડોલર ઠાલવી શકે? પનગરીયાનો જવાબ સ્પષ્ટ છે - નહીં. તેમના અનુસાર, જો આ સંકટ લાંબા ગાળે ચાલશે, તો આરબીઆઈ ગમે તેટલા ડોલર વેચે, અંતે બજારની શક્તિઓ સામે ટકી શકશે નહીં. દેશનું ફોરેક્સ રિઝર્વ એક દિવસ ઘટી જશે અને પછી વધુ મોટું સંકટ ઊભું થઈ શકે છે.
અહીં 1991ની ઘટનાની યાદ તાજી થાય છે. તે સમયે ભારત પાસે માત્ર થોડા અઠવાડિયાની આયાત માટે પૂરતું વિદેશી ચલણ બચ્યું હતું. દેશને સોનું ગીરવે રાખીને વિદેશી સહાય લેવી પડી હતી. જોકે આજનું ભારત તે સમયથી અનેક ગણી મજબૂત સ્થિતિમાં છે. દેશ પાસે વિશાળ ફોરેક્સ રિઝર્વ છે, બેંકિગ સિસ્ટમ વધુ સ્થિર છે અને આર્થિક વૃદ્ધિનો આધાર પણ મજબૂત છે.
પનગરીયાએ 2013ની ટેપર ટેન્ટ્રમ કટોકટી સાથે પણ આજની સ્થિતિની સરખામણી કરી છે. 2013માં અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય સખ્તાઇના સંકેતો મળતા ભારત સહિતનાં ઊભરતાં બજારોમાંથી મૂડી બહાર નીકળી રહી હતી. તે સમયે ભારતની મોંઘવારી બે આંકડામાં હતી અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ ઊંચું હતું. પરિણામે રૂપિયો ભારે દબાણમાં આવ્યો હતો.
પરંતુ આજનું ભારત અલગ છે. મોંઘવારી તુલનાત્મક રીતે નિયંત્રણમાં છે, બેંકોની બેલેન્સ શીટ મજબૂત છે, ડિજિટલ અર્થતંત્રનો વ્યાપ વધ્યો છે અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચે વૃદ્ધિને ટેકો આપ્યો છે. આથી, અર્થતંત્ર થોડા પ્રમાણમાં કરન્સી અવમૂલ્યનનો આઘાત સહન કરી શકે છે.
પરંતુ આ ચર્ચાનો બીજું મહત્ત્વનું પાસું પણ છે. શું ખરેખર નબળો રૂપિયો અર્થતંત્ર માટે હંમેશાં સારો હોય છે? ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે સતત ઘટતો રૂપિયો વૈશ્વિક રોકાણકારોને નકારાત્મક સંકેત મોકલે છે. વિદેશી રોકાણકારો જ્યાં કરન્સી ઝડપથી મૂલ્ય ગુમાવી રહી હોય એવા દેશોમાં રોકાણ કરતા ગભરાય છે, કારણ કે તેઓ શેરબજાર કે બોન્ડમાં નફો કમાય તો પણ કરન્સી અવમૂલ્યન તેમના વાસ્તવિક વળતર ઘટાડે છે.
વળી, ભારત જેવા વિકાસશીલ દેશમાં અનેક ઉદ્યોગો આયાતી કાચા માલ અને ટેક્નોલોજી પર નિર્ભર છે. નબળો રૂપિયો તેમની ઉત્પાદન કિમત વધારી શકે છે. ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને એવિએશન જેવાં ક્ષેત્રોમાં તેનો સીધો પ્રભાવ પડી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિક માટે રૂપિયાનું મૂલ્ય માત્ર આંકડો નથી. તે માનસિક અસર પણ સર્જે છે. ચલણ જ્યારે સતત નબળું પડે, ત્યારે લોકોમાં અર્થતંત્ર અંગે અસુરક્ષા વધે છે. બજારમાં ગભરાટ ફેલાય છે અને ક્યારેક તે જ ગભરાટ કેપિટલ આઉટફ્લોની પ્રક્રિયાને વધુ વેગ આપે છે.
સરવાળે આરબીઆઈ માટે આ પડકાર ખૂબ જ મુશ્કેલ છે. એક તરફ બજારને સંપૂર્ણપણે એના હાલ પર છોડી દેવું જોખમી બની શકે છે, જ્યારે બીજી તરફ કૃત્રિમ રીતે રૂપિયાને ટેકો આપવો લાંબા ગાળે મોંઘો સાબિત થઈ શકે છે. આથી, કેન્દ્રિય બેંક સામાન્ય રીતે મધ્યમ માર્ગ અપનાવે છે. સરળ ભાષામાં, રૂપિયાને સંપૂર્ણપણે ફ્રી ફોલમાં જવા દેતી નથી, પણ બજારની કુદરતી દિશાને સંપૂર્ણપણે અટકાવતી પણ નથી.
આ પરિસ્થિતિમાં સરકાર માટે સૌથી મહત્ત્વનું મિશન દેશની ઊર્જા નિર્ભરતા ઘટાડવાનું રહે છે. ભારત ક્રૂડ ઓઇલ માટે આયાત પર જેટલું વધુ નિર્ભર રહેશે, એટલો જ રૂપિયો વૈશ્વિક ઓઇલ બજારના ઝટકાઓ સામે સંવેદનશીલ રહેશે. નવીનીકરણીય ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન અને સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવો હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ કરન્સી સ્થિરતાનો પ્રશ્ન પણ છે.
સાથે સાથે ભારતે નિકાસ ક્ષમતા વધારવાની જરૂર છે. ચીનની જેમ મોટા પાયે ઉત્પાદન અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી જ લાંબા ગાળે ચલણને સ્થિરતા આપી શકે. માત્ર આરબીઆઈના હસ્તક્ષેપથી કરન્સી મજબૂત રહેતી નથી; તેની પાછળ મજબૂત ઉત્પાદન, નિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જરૂરી છે. અંતે પ્રશ્ન એ નથી કે રૂપિયો 100 પાર જશે કે નહીં. કદાચ તે સમયની સાથે થશે પણ. સાચો મુદ્દો એ છે કે ભારતનું અર્થતંત્ર તે આઘાતને કેવી રીતે સંભાળે છે. જો અર્થતંત્ર મજબૂત હોય, મોંઘવારી નિયંત્રણમાં હોય અને વૃદ્ધિ ચાલુ રહે, તો કરન્સીનો કોઈ એક આંકડો વિનાશનું પ્રતિક નથી બનતો.
પનગરિયાની વાત કદાચ કડવી લાગે, પરંતુ તેમાં અર્થશાસ્ત્રીય વાસ્તવિકતા છુપાયેલી છે. કરન્સી બજારને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાની કોશિશ ઘણી વખત વધુ નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે સરકાર અને આરબીઆઈ નિષ્ક્રિય બની જાય.
ભારત માટે યોગ્ય રસ્તો એ છે કે ટૂંકા ગાળે અતિશય અસ્થિરતા અટકાવવામાં આવે અને લાંબા ગાળે અર્થતંત્રને એટલું મજબૂત બનાવવામાં આવે કે રૂપિયો માત્ર એક નંબર બની રહે - ભયનું કારણ નહીં.