Fri Jun 19 2026

Logo

આદિપુરઃ 'ફ્રી યાત્રા'ની જાહેરાત જોઈને ફસાયા 200 શ્રદ્ધાળુઓ, રાતોરાત રૂ.10 લાખ સેરવી ઓફિસ બંધ કરી ભાગ્યા ગઠિયા!

2026-05-23 12:37:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


 

ભુજઃ આદિપુર શહેરમાં 'હરિદ્વાર નિ:શુલ્ક સેવાયાત્રા' અને શ્રીમદ્ ભાગવત કથાના નામે ચોપાનિયા છપાવી આશરે ૨૦૦ જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ, પ્રવાસમાં ન લઈ જઈ છેતરપિંડી આચરવા બદલ ત્રણ શખ્સો સામે આદિપુર પોલીસ મથકે રૂ. ૧૦ લાખની ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ, ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ કાંતિભાઇ દેવજી ચૌહાણના ઘરે ગત દિવસોમાં અખબાર સાથે એક ચોપાનિયું આવ્યું હતું. આ પોસ્ટરમાં ‘ચાલો હરિદ્વાર ફ્રીમાં’ તથા ‘શ્રી આશાપુરા માતાની કૃપાથી હરિદ્વાર મુકામે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે’ તેવું લખાણ હતું. તેમાં યાત્રા પ્રસ્થાન તારીખ ૨૨-૫-૨૦૨૬ અને પરત આવવાની તારીખ ૩૦-૫-૨૦૨૬ દર્શાવવામાં આવી હતી. આ આયોજનના સૌજન્ય તરીકે નરેન્દ્રસિંહ રાજપૂતનું નામ લખેલું હતું. આ આકર્ષક પત્રિકામાં એવી પણ લાલચ આપવામાં આવી હતી કે, કથા શ્રવણનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન પેટે રૂ. ૫,૦૦૦ રાખવામાં આવ્યા છે, પરંતુ કથા સાંભળનાર ભક્તોને પ્રોત્સાહન તરીકે દૈનિક રૂ. ૭૦૧ લેખે સાત દિવસના કુલ રૂ. ૪,૯૦૭ પરત ચૂકવવામાં આવશે.

અધિક માસનો પવિત્ર સમય હોવાથી તેમજ રહેવા-જમવાની સગવડ સાથે આ યાત્રા તદ્દન સસ્તી પડતી હોવાથી, નિવૃત્ત જીવન જીવતા ફરિયાદી કાંતિભાઈને હરિદ્વાર જવાની ઈચ્છા થઈ હતી. આથી, ગત તારીખ ૨જી મેના રોજ કાંતિભાઈ અને તેમના મિત્ર મણિલાલ પ્રેમજી વાઢેર પોતાના ઓળખના દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ આદિપુરમાં મદનસિંહ સર્કલ પાસે નગરપાલિકા કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ નંબર-૧૧ ખાતે પહોંચ્યા હતા. ત્યાં કેતન પરમાર નામનો શખ્સ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો હતો અને એક મોટી ઉંમરના વડીલ ફોર્મ આપવાનું કામ કરતા હતા. કાંતિભાઈ અને તેમના મિત્રએ પણ ત્યાં રોકડા રૂપિયા આપી બુકિંગ કરાવી લીધું હતું.

દરમિયાન, ગત તારીખ ૮મી મેના રોજ ફરિયાદી અને તેમના મિત્ર મણિલાલ સાથે બેઠા હતા ત્યારે અખબારમાં છપાયેલા સમાચાર દ્વારા જાણવા મળ્યું હતું કે, પાલનપુર કેન્દ્રથી આ જ પ્રકારે હરિદ્વાર યાત્રાનું બુકિંગ કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ વાંચીને બંને મિત્રો તાત્કાલિક આદિપુર સ્થિત ઓફિસે દોડી ગયા હતા, પરંતુ ત્યાં ઓફિસને તાળાં લટકેલાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પત્રિકામાં આપેલા તમામ મોબાઈલ નંબરો પણ સ્વીચ ઓફ આવતા હતા.

કાંતિભાઈએ આસપાસ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, આ ગઠિયાઓએ આદિપુરની આ દુકાન પણ ભાડે રાખી હતી અને અંદાજે ૨૦૦ જેટલા સ્થાનિક લોકો પાસેથી બુકિંગના નામે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. આ પ્રકારે આયોજક નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ (રાજપૂત), કેતન પરમાર તથા અન્ય એક અજાણ્યા પ્રૌઢે સાથે મળીને શ્રદ્ધાળુઓ સાથે અંદાજે રૂ. ૧૦ લાખની છેતરપિંડી આચરી હોવાનું સપાટી પર આવ્યું છે. આદિપુર પોલીસે કાંતિભાઈ ચૌહાણની ફરિયાદના આધારે ત્રણેય ઠગબાજો વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


(ઉત્સવ વૈદ્ય)