Sun Sep 06 2026

Logo

અમદાવાદ-મુંબઈ સહિત છ એરપોર્ટ આસપાસ અદાણી બનાવશે મિની સિટી, હશે આવી સુવિધાઓ

2026-06-26 10:10:00
Author: Mayur Patel
અમદાવાદ-મુંબઈ સહિત છ એરપોર્ટ આસપાસ અદાણી બનાવશે મિની સિટી, હશે આવી સુવિધાઓ

અમદાવાદઃ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે એક મોટા કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોગ્રામના પ્રથમ તબક્કા હેઠળ અમદાવાદ સહિત છ એરપોર્ટ પર ઈન્ટિગ્રેટેડ એરપોર્ટ સિટી પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે રૂ. 20,000 કરોડની યોજનાની જાહેરાત કરી હતી. મળતી વિગત પ્રમાણે, અદાણી અમદાવાદ, મુંબઈ, નવી મુંબઈ, લખનઊ, જયપુર અને ગુવાહાટીના એરપોર્ટ પર આશરે 22 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં હૉસ્પિટાલિટી, રિટેલ ઑફિસ, મનોરંજન અને કન્વેન્શન સ્પેસ વિકસાવશે.

આ પ્રોજેક્ટ્સ છ એરપોર્ટની 655 એકરથી વધુ જમીન પર સાકાર થશે. જેમાંથી આશરે 440 એકર જમીન મુંબઈ અને નવી મુંબઈમાં આવેલી છે. જે પ્રથમ તબક્કાના કુલ રોકાણના આશરે 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.  આ એરપોર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હેઠળ હોટલ્સ, ઓફિસો, રિટેલ દુકાન, ફૂડ કોર્ટ અને મનોરંજનની સુવિધાઓને એરપોર્ટ ટર્મિનલ્સ તથા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં મેટ્રો કનેક્ટિવિટી સહિતના જાહેર પરિવહન સાથે સાંકળવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ હવે માત્ર વિમાનના સંચાલન પૂરતા મર્યાદિત ન રહેતા આર્થિક હબ તરીકે વિકસી રહ્યા છે, જે ઉડ્ડયન સેવાઓ ઉપરાંત રોકાણ, રોજગારી અને પ્રવાસનને પણ વેગ આપી શકે છે. આ પ્રોગ્રામના ભાગરૂપે, કંપનીએ પાંચ લક્ઝરી અને પ્રીમિયમ હોટેલ્સ માટે IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે હોટેલ મેનેજમેન્ટ કરાર કર્યા છે. જેમાં ભારતમાં પ્રથમ વખત કિમપ્ટન બ્રાન્ડની શરૂઆતનો પણ સમાવેશ થાય છે.  આ એરપોર્ટ સિટી પ્રોજેક્ટ્સને યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી 'LEED ગોલ્ડ' પ્રી-સર્ટિફિકેશન પણ મળી ચૂક્યું છે.