Sun Sep 06 2026

Logo

અદાણીએ 2026માં આઠમી વાર CNGના ભાવ વધાર્યા, આ વખતે સીધો 4 રૂપિયાનો વધારો

2026-08-01 10:04:00
Author: Mayur Patel
અદાણીએ 2026માં આઠમી વાર CNGના ભાવ વધાર્યા, આ વખતે સીધો 4 રૂપિયાનો વધારો

અમદાવાદઃ  અદાણી દ્વારા 2026માં આઠમી વાર CNGના ભાવ વધારવામાં આવ્યા છે. જે બાદ અમદાવાદમાં નવો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. CNGના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો કરી દેવાતા રોજ મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના બજેટ પર અસર પડશે. ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે .મળતી વિગત પ્રમાણે, અદાણી દ્વારા CNGના ભાવમાં કરાયેલા વધારાના પગલે રિક્ષાચાલકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે ભાડું વધારવાની માંગ કરી હતી. જો ભાડું નહીં વધારવામાં આવે તો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પહેલા 19 જુલાઈ, 2026ના રોજ  અદાણી દ્વારા 2026માં સાતમી વાર CNGના ભાવ વધારવામાં આવ્યો હતો જે બાદ અમદાવાદમાં CNG  ભાવ 90.02 રૂપિયા પર પહોંચ્યો હતો. આ પહેલા શહેરમાં છેલ્લે 27 મેના રોજ અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અદાણી દ્વારા CNGના ભાવમાં છેલ્લા કેટલાય વર્ષોથી સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. 2023માં CNGના ભાવમાં અનેક વખત વધારો કરવામાં આવ્યા બાદ 2024ના વર્ષમાં છેલ્લી વખત 3 ડિસેમ્બરે CNGના ભાવમાં વધારો કરાયો હતો.  ત્યારબાદ 2025ના વર્ષની શરૂઆત સાથે જ અદાણીએ  CNGના ભાવમાં વધારો કર્યો હતો. જાન્યુઆરીમાં અદાણી CNGના ભાવમાં રૂ. 1.50નો વધારો કરી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 80.48 જેટલો થયો હતો. 2025માં છેલ્લે 2 ઓગસ્ટના રોજ ફરી અદાણી CNG દ્વારા ભાવમાં રૂ. 1નો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં CNGનો ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂ. 82.38 જેટલો થયો હતો. 

આમ, 2025ના વર્ષમાં ચાર વખત CNGના ભાવમાં વધારો થયા બાદ 2026ના વર્ષની શરૂઆત સાથે જ રિક્ષાચાલકોને ભાવ ઘટાડાની ભેટ આપી હતી. 1 જાન્યુઆરી, 2026ના રોજ અદાણી CNGના ભાવમાં રૂ. 1.21નો ઘટાડો કર્યો હતો, જેના પગલે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.17 પર પહોંચ્યો હતો. જોકે, 23 જાન્યુઆરીના રોજ CNGના ભાવમાં 60 પૈસાનો વધારો કરી દેવાતા ભાવ રૂ. 81.77 પર પહોંચ્યા હતા. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી CNGના ભાવમાં કિ.ગ્રા. પર 50 પૈસા, 2 એપ્રિલના રોજ ફરી રૂ. 1.50નો તોતિંગ વધારો કરવામાં આવતા શહેરમાં CNGના ભાવ રૂ. 83.77 પર પહોંચ્યો હતો.  જે બાદ 16 મેના રોજ ફરી રૂ. 2.25,  27 મેના રોજ ફરી રૂ. 2 તેમજ 19 જુલાઈના રોજ પણ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો હતો.