Tue Jul 28 2026

Logo

તસવીરની આરપારઃ ઉનાળામાં વસંત લાગતો ગરમાળો છે ગોલ્ડન ટ્રી

2026-05-20 10:26:00
Author: Bhatti N
Article Image

ભાટી એન.

ગરમાળો ઉનાળાની ઋતુનું વસંતી વૃક્ષ છે, તે વૃક્ષની શોભા અપાર છે તેનાં ફૂલોનું ઝૂમખું. ઝૂમખું મળી આખું વૃક્ષ ગોલ્ડન ટ્રી બની જાય છે. આવું બીજું વૃક્ષ છે કેશુડો જેને ખાખરો કહે છે, તેમાં કેશુડા કેસરી રંગથી વૃક્ષ ભરાય જાય છે, પણ ગરમાળો તો ભર ઉનાળે બધાં ઝાડ, પાનમાં પાનખર હોય ત્યારે આ ગરમાળામાં વસંત સોળે કળાએ ખીલેલ હોય છે. વાંકાનેરની સરકારી હૉસ્પિટલ રોડ પર આવેલ આ વૃક્ષને જોઈ તનમનમાં વસંત ખીલી જાય છે. તો ગરમાળા વિશે અવગત થઈએ...

ગરમાળો (વૃક્ષ): દ્વિદળી વર્ગમાં આવેલ છે. એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે. જે ઔષધીય ઉપયોગ માટે પણ જાણીતું છે. ગરમાળાને સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ, બંગાળીમાં સોનાલૂ તેમ જ લેટિનમાં કૈસિયા ફિસ્ચલા કહેવાય છે.

ગરમાળાનું વૈજ્ઞાનિક નામ Cassia fistula Linn. છે. તે પર્ણપાતી (deciduous), મધ્યમ કદનું, 24.0 મી. સુધીની ઊંચાઈ અને 1.8 મી.નો ઘેરાવો ધરાવતું અને 15.0 મી. સુધીના મુખ્ય થડવાળું વૃક્ષ છે; તથા વન્ય સ્થિતિમાં કે શોભન વનસ્પતિ તરીકે સમગ્ર ભારતમાં થાય છે. છાલ ભૂખરી, લીસી અને 1.5 સેમી. જાડાઈવાળા, નાના, કાષ્ઠમય શલ્કો સ્વરૂપે ખરી પડે છે અને પર્ણદંડ ગ્રંથિવિહીન હોય છે. પર્ણિકાઓ જોડીમાં, સ્પષ્ટપણે દંડવાળી, 5-15 સેમી. લાંબી, લંબચોરસ કે અંડાકાર અને રૂપેરી, ખરી પડતા કોમળ રોમો વડે આચ્છાદિત હોય છે. 

પુષ્પો ચળકતાં પીળાં સુવાસિત અને લટકતી શિથિલ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ માર્ચ-જુલાઈમાં થાય છે. ફળ અસ્ફોટનશીલ (indehiscent) શિંબી પ્રકારનાં, નળાકાર, લટકતાં, સખત, ઘેરા બદામીથી માંડી કાળા રંગનાં અને 60 સેમી. સુધી લાંબાં અને 25-3.0 સેમી. વ્યાસવાળાં અને અનુપ્રસ્થ પડદાઓ વડે વિભાજિત થયેલાં હોય છે. આવા ગરમાળાની સિંગમાંથી બનતા ગોળને તેનાં અનેકાનેક ફાયદા છે.