Thu Sep 03 2026

Logo

પ્રચાર-પ્રસારનો હિસાબ આપો: અમદાવાદ-ગાંધીનગરમાં થયેલા ખર્ચ પર AAP એ સરકારને ઘેરી

2026-03-13 14:29:00
Author: Mayur Patel
પ્રચાર-પ્રસારનો હિસાબ આપો: અમદાવાદ-ગાંધીનગરમાં થયેલા ખર્ચ પર AAP એ સરકારને ઘેરી

AI Generated


ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ અમદાવાદ-ગાંધીનગરમાં માહિતી વિભાગે સરકારી જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો તેવો સવાલ પૂછ્યો હતો. જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ હરદાસભાઈ આહિર (હેમંત ખવા)એ પૂછ્યું કે, તા. 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રાજ્ય સરકારના પ્રચાર-પ્રસાર માટે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો, આ માટે કેટલી એજન્સી નક્કી કરવામાં આવી છે અને છેલ્લા બે વર્ષમાં પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયાની કેટલી એજન્સીને કેટલી રકમ ચૂકવવામાં આવી?

તેમના આ પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ માટે રૂ. 43.09 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રચાર પ્રસાર માટે એક પણ એજન્સી નક્કી કરવામાં આવી નથી. ઉપરાંત છેલ્લા બે વર્ષમાં પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયાની એજન્સીને એક પણ રકમ ચૂકવવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજ્ય સરકારે બજેટ રજૂ કર્યું ત્યારે તેમાં ખેડૂતોને અન્યાય થયો હોવાનું કહીને તેઓ વિરોધ વ્યક્ત કરવા ટ્રેકટર લઈને પહોંચ્યા હતા. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, ખેડુતો અને ગામડાઓ ને બજેટ માં થતા અન્યાય ને ઉજાગર કરવા હું સચિવાલયમાં સત્રૉમાં ભાગ લેવા ટ્રેક્ટર લઈને ગયો, સરકારની ખેડૂત વિરોધી નીતીના કારણે આજે ગુજરાતના ખેડૂતો ની હાલત ખરાબ છે, બજેટમાં શહેરોના પ્રમાણમાં ગામડાઓ ને ૫૦% થી પણ ઓછું બજેટ ફાળવીને તેમની ખેડૂત વિરોધી નીતિ જાહેર કરી છે.