Sun Apr 26 2026

Logo

સંજય સિંહે બળવાખોર સાંસદોને આપ્યું અલ્ટીમેટમ: સભ્યપદ રદ કરવા ઉપરાષ્ટ્રપતિને કરી પિટિશન

2026-04-26 19:53:57
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભા સાંસદોએ ભાજપમાં જોડાયા તેના કારણે ખળભળાટ મચી ગયો છે. તે મામલે હવે AAP ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સાત સાંસદોને કડક સંદેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, છાશવારે ‘આપ’ કોઈને કોઈ ખટપટના સમાચાર આવતા હોય છે. 

સાત સાંસદોને સંજય સિંહનું અલ્ટીમેટમ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય સિંહે બળવાખોર સાંસદોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો તેમને પાર્ટીથી મતોભેદ છે, તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. વધુમાં સંજય સિંહે દાવો કર્યો છે કે બંધારણના જાણકારોની સલાહ લીધા બાદ તેમણે દેશના ઉપરાષ્ટ્રપતિને પિટિશન મોકલી છે. જેમાં આ તમામ 7 સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.

પંજાબના લોકો સાથે પણ દગો કર્યો હોવાનો આક્ષેપ

વધુમાં સંજય સિંહે કહ્યું કે, આ દરેકે આમ આદમી પાર્ટી સાથે તો વિશ્વાસધાત કર્યો જ છે, પરંતુ સાથે સાથે પંજાબના લોકો સાથે પણ દગો કર્યો છે. જે પાર્ટીમાંથી તમે ચૂંટાઈને આવ્યાં છો તે પાર્ટી સાથે કોઈ મનભેદ હોય તો પહેલા તમારે રાજીનામું આપવું જોઈએ અને પછી જવું જોઈએ. મૂળ વાત એ છે કે, આમ આદમી પાર્ટીના સાત સાંસદો ભાજપમાં આવ્યાં તેના કારણે ‘આપ’ના નેતાઓ આક્ષોપ કરી રહ્યાં છે. 

ભાજપમાં જોડાનારા સાંસદોની વાત કરવામાં આવે તો, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ અને અશોક મિત્તલનું નામ આવે છે.  રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેઓ અને પાર્ટીના અન્ય 5 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના કુલ સાંસદોના બે-તૃતીયાંશ (2/3) બહુમતી સાથે ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા છે, જે બંધારણીય રીતે માન્ય છે. પરંતુ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ આને વિલીનીકરણ નહીં પણ પક્ષપલટો અને વિશ્વાસઘાત માની રહ્યું છે.