Fri Apr 24 2026

Logo

AAPમાંથી રાજીનામું આપનારા સાતેય સાંસદો રાજનીતિ સિવાય પણ સક્રિય, જાણો કોનો કેવો વ્યવસાય

2026-04-24 19:26:21
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યા બાદ હવે વિક્રમજીતસિંહ સાહની, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક, હરભજનસિંહ અને અશોક મિત્તલે પણ પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે અને ભાજપને કેસરી ખેસ ધારણ કરવા માટે નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ આને ઑપરેશન લોટસ એવું નામ આપ્યું છે, જ્યારે ભાજપને એક ગદ્દાર પાર્ટી કહી દીધી છે. 

રાજકીય ઉથલપાથલની ચર્ચા શરૂ

રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ દિલ્હીમાં હવે રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આક્ષેપબાજીનું આખલા યુદ્ધ રાજકીય પાર્ટીઓ વચ્ચે શરૂ થઈ ગયું છે. રાઘવની ગણતરી આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતાઓના ક્રમમાં પહેલા ક્રમે થતી હતી. દિલ્હીમાં જન્મેલા અને વ્યવસાયે CA થયેલા રાઘવે રાજનીતિમાં પગ મૂકતા પગેલા દિલ્હીના કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું છે. દિલ્હીની સરકારમાં નાણામંત્રીના સલાહકાર તરીકે પણ રહી ચૂક્યા છે. આ સાથે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 2020માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાજેન્દ્રનગરમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.એ પછી વર્ષ 2022માં પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

વિક્રમજીતસિંહ સાહની

પંજાબ રાજ્યના કોટકપુરાના નિવાસી વિક્રમજીતસિંહ વર્ષ 2022માં રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા. પંજાબના આર્થિક મુદ્દા, કૃષિ, આંતરમાળખું, સુરક્ષા જેવા મુદ્દાઓને ઊઠાવીને સંસદમાં ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેઓ સન ગ્રૂપ-સન ઈન્ટરનેશનલના ચેરમેન છે. જે ખાતરનું અને ટ્રેડ સેક્ટરમાં કામ કરે છે. ઉત્તમ સમાજસેવા માટે તેમને 2008માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. આ સિવાય પણ ઈન્ટરનેશનલ પીસ એવોર્ડ અને અન્ય રાષ્ટ્રીય સન્માન મળ્યા છે. 

રાજેન્દ્ર ગુપ્તા

માર્ચ 2011થી ઑક્ટોબર 2025 સુધી રાજ્યની આર્થિક પોલિસી અને યોજના બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. ખાસ કરીને પંજાબમાં ચાલી રહેલા અનેક એવા મહત્ત્વના મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ પણ કરી ચૂક્યા છે. ઑક્ટોબર 2025માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા અને ડીસેમ્બર 2025માં શ્રમ, વસ્ત્ર અને કૌશલ્ય વિકાસ જેવી મહત્ત્વની સમિતીમાં મોટા પદ પર રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ એમનો અનુભવ કઈ દિશામાં કામ આવશે એ ચર્ચાનો વિષય છે.

સ્વાતિ માલીવાલ

સામાજિક કાર્યકર્તામાંથી એક રાજનેતા તરીકે કરિયર બનાવનાર સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા તરીકે હતા. એન્જિનીયર તરીકેનો અભ્યાસ કર્યા બાદ સામાજિક સેવામાં પ્રદાન આપ્યું, એ પછી સ્વાતિને દિલ્હી મહિલા આયોગ તરીકેની જવાબદારી મળી હતી. મહિલા સુરક્ષા, ડૉમેસ્ટિક વાયોલન્સ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા મુદ્દાઓ પર લડત ચાલાવી અને પરિણામલક્ષી કામગીરી કરી છે. વર્ષ 2024માં આમ આદમી પાર્ટી જોઈન કરી અને રાજ્યસભાના સાંસદ બન્યા. પોતાની બેબાક શૈલી અને આખાબોલા સ્વભાવને કારણે અનેકવાર વિવાદમાં પણ આવ્યા છે. 

સંદીપ પાઠક

આમ આદમી પાર્ટીના મોટા નેતાની યાદીમાં સંદીપ પાઠક ટોપ 5 માં આવે છે. સત્તા પર આવતા પહેલા શિક્ષણ અને રીસર્ચ સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે જ્યારે આમ આદમી પાર્ટીમાં જવાબદારી નિભાવી એ સમયે પબ્લિક સમક્ષ પહેલીવાર આવ્યા હતા. વર્ષ 2022માં પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. પોતાની રાજકીય પ્રોફાઈલની સાથે પાર્ટીની પોલિટિકલ પ્રોફાઈલ પણ અપગ્રેડ કરી. આમ આદમી પાર્ટીને પ્રાંત સ્તરે મજબૂત કરવામાં એમનો સિંહફાળો રહ્યો છે. 

હરભજનસિંહ

ક્રિકેટર તરીકે નિવૃત થયા બાદ રાજકીય ક્ષેત્રે એન્ટ્રી કરી. રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યા. હવે ક્રિકેટ સિવાય આમ આદમીના સાંસદ તરીકે ચર્ચામાં છે. હવે રાઘવ ચઢ્ઢાનું રાજીનામું ચર્ચામાં રહ્યા બાદ હરભજનસિંહનું નામ પણ ચર્ચામાં છે. અનેક મોટી ટુર્નામેન્ટમાં પોતાની બોલિંગ થકી ભારતીય ક્રિકેટ ટીમને જીત અપાવ્યા બાદ હવે રાજકીય ક્ષેત્રે ખેલાડી બન્યા અને પંજાબ રાજ્યસભાના સાંસદ તરીકે પણ નિયુક્ત થયા. રાજકીય લોબીમાં આવ્યા બાદ પણ તેઓ ખેલ જગત સાથે જોડાયેલા મુદ્દાઓ જ ઊઠાવતા રહ્યા છે. 

અશોક મિત્તલ

શિક્ષણ જગતથી રાજકીય લોબીમાં સક્રિય થયેલા અશોક મિત્તલને સૌ કોઈ ઓળખે છે. પંજાબમાં જન્મેલા અને દિલ્હી સુધી શિક્ષણના વ્યાપને વિસ્તારમાં એમનો પણ સિંહફાળો રહ્યો છે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક તથા ચાંસેલર તરીકે અશોક મિત્તલે વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ તરીક નિયુક્ત થયા. રાજકીય લોબીમાં આવ્યા બાદ પણ શિક્ષણ સુધારણા અને વિદ્યાર્થીઓના સ્કિલલક્ષી મુદ્દાઓ ઊઠાવતા રહયા છે.