નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 7 સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ નવી દિલ્હી તથા પંજાબની આમ આદમી પાર્ટીમાં નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. બીજીતરફ ભારતીય જનતા પાર્ટીને એક તીરથી અનેક નિશાન પાર પાડવામાં સફળતા મળી છે. હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે નવા પડકારો ઊભા થયા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે રજૂ કર્યા બાદ કેજરીવાલના દાવાઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
NDAના સભ્યોની સંખ્યા વધી
સાત સાંસદ આવતા રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 113 થઈ જશે. NDA પણ 150 ના આંકડા સુધી પહોંચી જશે. આમ આદમી પાર્ટી માટે હવે પંજાબમાં સત્તા બચાવવી સૌથી મોટો પડકાર છે. ગુજરાત અને ગોવા કરતા પંજાબ રાજ્યને પ્રાધાન્ય આપવું પડશે. ડેટા એક્શન લેબ ફોર ઈમર્જિંગ સોસાયટીના સ્થાપક અને રાજકીય વિશ્લેષક આશિષ રંજનનું એવું કહેવું છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સાત સાંસદે ભાજપમાં જોડાઈ ગયા. આ મેસેજને સમજવા જેવો છે. ભારતીય જનતા પાર્ટી હવે પશ્ચિમ બંગાળ બાદ પંજાબ પર ફોક્સ કરશે. જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાનો વિસ્તાર ગુજરાતમાં વધારવાના દાવા કર્યા છે એ તૈયારીમાં હવે બ્રેક લાગી ગઈ છે.
વિધાનસભાની ચૂંટણી થવાની છે
આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી છે. પંજાબમાં સફળતા ન મળી તો ગુજરાતમાં થોડી મુશ્કેલી વધશે. આમ આદમી પાર્ટીના સાંસદોએ પાર્ટી બદલતા હવે તેની રાષ્ટ્રીય અસર ઊભી થઈ રહી છે. પંજાબમાં માન સરકારમાંથી કેટલાક ધારાસભ્યો પાર્ટીને અલવિદા કહે એવી આશંકા છે. આમ આદમી પાર્ટીના મુખ્ય રણનીતિકાર એવા સંદીપ પાઠકને પક્ષની નબળાઈ અને મજબૂતી અંગે પૂરેપૂરી જાણકારી છે. આશિષ રંજન ઉમેરે છે કે, આમ આદમી પાર્ટીમાં હુજ પણ જાણીતા ચહેરાઓ છે. રાઘવ અે સંદીપ સંગઠનના કામમાં ભલે માહિર હોય પણ અરવિંદ કેજરીવાલ જેવા માસ લીડર નથી.
રાધવ ચઢ્ઢાની વાત
એવામાં આમ આદમી પાર્ટી પાસે ડેમેજ કંટ્રોલ કરવાનો ચાન્સ છે અને આ માટે પાર્ટીએ ખૂબ જ મહેનત કરવી પડશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાર્ટીનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, અમે ડરથી નહીં પણ હતાશ થઈને આમ આદમી પાર્ટી છોડી રહ્યા છીએ. જે વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો એ પાર્ટી છોડી રહ્યો છે અથવા છોડી ચૂક્યો છે. દરેક ઈમાનદાર અને મહેનત કરનારાને એવું થાય છે કે, હવે આમ આદમી પાર્ટીમાં કંઈ બચ્યું નથી.