ડૉ. બળવંત જાની
ચારણ આઈકથામૃતમાં આઈ સોનલમા ભારે મોટા સમૂહમાં પૂજય આદરણીયા છે. પોષ સુદ બીજ એમનો જન્મ દિવસ સોનલબીજ તરીકે ધામધૂમથી ઉજવાય છે. તા.8-1-1924 એમનો જન્મદિવસ અને કારતક સુદ તેરશ તા.27-11-1974 એમની નિર્વાણતિથિ. માતાનું મૂળનામ વાલબાઈ પણ શ્વસૂરગૃહે રાણબાઈમા. પિતાશ્રીનું નામ હમીર માણસૂર મોડ. પિતા સ્વભાવ, પ્રવૃત્તિ અને પ્રકૃતિએ ભક્ત હતા. કરાકરાડિયાવાળા સોનબાઈનું એમને વચન મળેલું કે તારે પાંચમી પુત્રી દિવ્ય ચેતના રૂપે અવતરશે અને એનું નામ મારા સ્મરણ નામ તરીકે સોનલ રાખશું.
હમીરજી ભક્તિ-અધ્યાત્મયાત્રા-પ્રવાસ છોડી માતાપના આશીર્વાદથી મઢડે પોતાના ઘેર-વતનમાં જ સ્થિર થયા. ધાનબાઈ, દેવબાઈ, લાડુબાઈ, પછી ચોથી પણ પુત્રીની અને પાંચમી પણ પુત્રી જન્મી એનું નામ સોનલ રાખેલું. પરમ ધાર્મિક હતા. એમના વ્રત ઉપાસનામાં બાલ્યાવસ્થાથી જ રત રહેતાં. મઢડા ખાતે ભીમનાથ મહાદેવના મંદિરે પિતાશ્રી હમીરબાપા સાથે જતાં. જલાભિષેક કરતાં અને બીલીપત્ર ચઢાવતા. ધ્યાનમાં બેસી જતાં. તેમનામાં શક્તિપાત થયાના વીજળી જેવા ઝબકારના અનેક પ્રસંગો બન્યા.
પોરબંદરના મહારાણા નટવરસિંહજી સોનલઆઈના દર્શને મઢડા પધારેલા. તેઓ જાણતા હતા કે સોનલઆઈના લગ્ન થયા પણ શક્તિરૂપા માતૃશક્તિની સિદ્ધિઓથી શ્વસૂર પક્ષને પરિચય થયો. લગ્નવિધિ પછીની કોઈ વિધિ થયેલી ન હતી. પિતાશ્રીએ અંતિમ શ્વાસ પણ સોનલઆઈની હાજરીમાં છોડેલા નનકુભાઈને બોલાવવાનો દુરાગ્રહ પણ ન રાખ્યો અને શક્તિ રૂપે સહજ સ્વીકૃતિ પામેલા.
વિ.સં. 2002માં હમીરબાપુ અને 2007માં રાણબાઈમા એ સંસારની વિદાય લીધી. સોનલઆઈએ એમની પાછળ ક્રિયા, વિધિ, યાત્રાઓ, પીંડદાન કરીને માતૃપિતૃ ૠણ અદા કરેલું. 2009થી તો મઢડા ખાતે જ સ્થાનકના વિકાસમાં અને સાધનામાં જ રત રહ્યાં. યજ્ઞ યાગાદિ, નવરાત્રી અનુષ્ઠાન, પિંગળશી પાયક, દુલા કાગ, વિશેષ ઉપસ્થિત રહેતા. તા. 5-5-1954ના રોજ અખિલ ભારતીય ચારણ અધિવેશન યોજેલું. ભારત ભરમાંથી અને ગુજરાતને ખૂણે ખૂણેથી ચારણ સમુદાય એકત્રિત થયેલો.
કવિકાગ, મેરુભા અને પિંગળશીબાપુ, વાજસૂરભાઈ આદિ મહાનુભાવોએ સંમેલનને સંબોધેલું. સોનલઆઈ ઉત્તમ ઉપદેશક હતા. ભારે પ્રભાવાત્મક, ઓખસભરી વાણીમાં ઉદ્બોધન કરતાં. તેઓ કવિતાઓ-છંદો પણ રચતા અને પ્રસ્તુત કરતાં. સોનલઆઈ ઉત્તમ ઉપદેશક હતા. ભારે પ્રભાવાત્મક, ઓજસ્વીભરી વાણીમાં ઉદ્બોધ કરતાં. તેઓ કવિતાઓ-છંદો પણ રચતા અને પ્રસ્તુત કરતાં. સોનલઆઈએ જગદંબાનો વિંઝણો રચના રચેલી. તે ખૂબ પ્રખ્યાત છે એને આસ્વાદીએ...
(માડી તારો કોણે રે વણ્યો રે આવી રૂડો ભેળિઓ -એ ઢાળ)
માડી તેં તો શેનો રે ગૂંથ્યો રે, આવો રૂડો વીંઝણો?
માડી તેં તો કેવો રે ગૂંથ્યો રે, અનુપમ વીંઝણો
માડી તારે વીંઝણલે, ઘૂમે છે બ્રહ્માંડ ચૌદ રે, જગદંબા (ધ્રુવ પંક્તિ)
માડી તારે વીંઝણલે, ત્રણે ગુણ, જોને રમી રહ્યા (2);
માડી એમાં ભરત ચીતર છે બહુ રંગ રે, જગદંબા તારો વીંઝણો-1
માડી તારે વીંઝણલે, જડ ચેતન કાપડ જળ હળે (2);
માડી એની જાતું ને, ભાતું છે, અપરંપાર રે, જગદંબા તારો વીંઝણો-2
માડી તારો વીંઝણલે, ફરકે ત્યાં જીવ ન જાગતાં (2);
માડી એમાં પ્રગટે, આતમના અંજવાસ રે, જગદંબા તારો વીંઝણો-3
માડી તારે વીંઝણલે, બ્રહ્માદિક જોને ભમી રહ્યા (2) ;
માડી એ તો કરે છે, સૃષ્ટિનાં રૂડાં સર્જન રે, જગદંબા તારો વીંઝણો-4
માડી તારા વીંઝણલે, ચાંદો ને સૂર જ ટાંકીઆ (2);
માડી એમાં ઝળકે, નક્ષત્ર મોતીડાંની માળ રે, જગદંબા તારો વીંઝણો-પ
માડી તારા વીંઝણલે, ગગન સાગર ગાજતા (2) ;
માડી તારા વીંઝણલે, મેઘરાજા મૂશળધાર રે, જગદંબા તારો વીંઝણો-6
માડી તારા વીંઝણલે, અમીની ફોરમે ફોરતો (2) ;
માડી તારે વીંઝણલે, અનોઘાં રસ ને રૂપ રે, જગદંબા તારો વીંઝણો-7
માડી તું તો અખંડ, ઘુમાવે માયા વીંઝણો (2) ;
માડી તારા રૂપનાં, દરશન કેમ નવ થાય રે, જગદંબા તારો વીંઝણો-8
માડી અમે અમૃત, છોડીને વિષ આરોગતાં (2) ;
માડી અમે ભૂલીએ, બેઠાં રે સોન ને ભાન રે, જગદંબા તારો વીંઝણો-9
માડી તારા વીંઝણલે,વશીકરણને કામણ ભર્યા (2);
માડી તને વીસરી, બેઠાં અમે મૂઢ બાળ રે, જગદંબા તારો વીંઝણો-10
માડી અમને ખોળલે, બેસાડી દયા દાખવો (2) ;
માડી અમને પીવરાવો, અમીરસનાં પાન રે, જગદંબા તારો વીંઝણો-11
માડી તારો વીંઝણલો, પારખે ને તને ઓળખે (2) ;
માડી એની આવણ જાવણ, મટી જાય રે, જગદંબા તારો વીંઝણો-12
માડી તારી બાળક સોનલે, ગાયો વીંઝણો (2) ;
માડી અમારા અળગા કરોને, ઉર અંઘકાર રે, જગદંબા તારો વીંઝણો-13
સોનલઆઈ ધર્મગ્રંથોનો ઊંડા અભ્યાસી હતાં. પ્રસ્તુત રચના એમના ભગવતી સ્વરૂપનો, એમની ભવ્ય છબીનાં અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. વીંઝણો તો રૂપક છે. અંબામાની-જગદંબાની કૃપાનું. એ અનુપમ વીંઝણો શેમાંથી, કેવી રીતે ગુંથેલ છે કે સમગ્ર બ્રહ્માંડને એ આવરી લે છે. જગતમાં વ્યાપ્ત ત્રિગુણાત્મક શક્તિ અને એની ભીતરે અંત:કરણમાં કેવા વિવિધ રંગો બીરાજે છે. જડ-ચેતન રૂપી કાપડ જળહળે છે, ચમકે છે એ અપરંપાર જાત-ભાતની શક્તિના એમાં દર્શન થાય છે. તારો વીંઝણો અનુપમ છે, રૂડો અને રૂપાળો છે.
તારી કૃપા રૂપ વીંઝણાનાં ફરફરાટથી જીવન ચૈતન્યવંતું બની જાય છે. આતમરામ જાગૃત થઈ જાય છે. એની ફરતા-આસપાસ બ્રહ્માદિક પણ ભ્રમણ-પરિભ્રમણ પરકમ્મા કરી રહ્યા છે. અને એને કારણે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું છે. હે જગદંબા તારા અનુપમ વીંઝણાની માયા, કૃપા અપરંપાર છે. તારા વીંઝણે ચંદ્ર-સૂરજ બીરાજે છે. અને મોભીડાની માળાએ નક્ષત્રમાળા ઝળકી રહી છે. તારા વીંઝણે આમ ગગનસાગર ગર્જી રહ્યો છે અને મૂશળધાર-અનરાધાર રીતે મેઘરાજા એની જળરાશિથી ધરતીને સંપન્ન અને સમૃદ્ધ કરી રહ્યા છે.
તારો કૃપારૂપ વીંઝણો અમૃતની ફોરમ ફરકાવી-મહેકાવી રહ્યો છે. અનોખા રૂપ અને રસ તારા વીંઝણામાં સભર રીતે ભરેલા છે. હે મા, તું માયારૂપી વીંઝણો અવિરતપણે અખંડ રીતે ધુમાવી-ફેરવી રહી છો. આ કારણે ગતિશીલતામાં તારા રૂપના દર્શન કઈ રીતે કરવા. મા તમે સ્થિર થઈ ભક્તોને દર્શન આપો. આમ આઠ કડી સુધી માતૃશક્તિના અપાર મહિમાનું ગાન ર્ક્યા પછી પાંચ કડી ચારણ-સમાજની વરવી અવસ્થિતિ પરત્વે અંગુલિનિર્દેશ કરીને જે માગણી કરી છે એ પણ ધ્યાનાર્હ છે.
હે મા અમે અમૃત છોડી વિષયને આરોગતા થયાં. અમે જ્ઞાન-ભાન ભૂલી બેઠા છીએ અમે મૂઢ અજ્ઞાની બધું ભૂલી બેઠા છીએ હવે તો તારો વીંઝણો(કૃપા) વશીકરણ કરે તો જ એ કામણ કરે તો જ અમારું કલ્યાણ થાય હે મા તારો અનુપમ વીંઝણો રૂડા-રૂપાળા ફળદાયી છે.
હે મા અમને તમારા ખોળે બેસાડીને અમારી ઉપર દયા કરો અને અમૃતનું પયપાન કરાવો. હે મા તારી કૃપા રૂપી વીંઝણાને કોઈ પરખે-ઓળખે-જાણે તેનું આ જગતમાં પુન:અવતરવાનું ફેરાનું દુ:ખ ટળી જાય. હે માતા તારી બાળકી સોનલે આ વીંઝણો ગાયો છે. અમારા અંધારા દૂર કરો. અમારી ઉપ2 કૃપા વરસાવો.
બ્રહ્માંડ ઉપર માતૃશક્તિનું સામ્રાજય, કૃપારૂપ વીંઝણાં દ્વારા સોનલમાએ ગાઈને આખું દેવી ભાગવત્ ખડું કરી દીધું છે. નવરાત્રીના અનુષ્ઠાન પછી મઢડેથી માતાજીની મુખેથી પ્રગટેલું આ પદ આખા વિશ્વમાં વિહરે છે. એક નવરાત્રીએ અમેરિકામાં ન્યુજર્સીમાં રામભાઈ સોયા (ગઢવી) - ભાનુબહેનના કંઠે સાંભળેલ નાદ હજુ સ્મરણમાં ગુંજે છે.