Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં સ્પામાં કામ કરતાં યુવકની ઘાતકી હત્યા, 5 શખસોએ ફટકારીને ચોથા માળેથી નીચે ફેંક્યો

2026-08-06 13:30:00
Author: Mayur Patel
અમદાવાદમાં સ્પામાં કામ કરતાં યુવકની ઘાતકી હત્યા, 5 શખસોએ ફટકારીને ચોથા માળેથી નીચે ફેંક્યો

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઓઢવ વિસ્તારમાં ચાલતા સ્પામાં પોલીસની રેડને લઈ યુવકે બાતમી આપ્યાની અદાવતમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર એક બિલ્ડિંગના સ્પામાં ચોથા માળેથી યુવકને ફેંકી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.ઃ 

જાણો શું છે સમગ્ર મામલો

નરોડાના હંસપુરામાં એક સ્પામાં યુવકને પોલીસની રેડ અંગે બાતમી આપ્યાની આશંકામાં 5 શખસોએ સ્પામાં તોડફોડ કરીને યુવકને ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ પહેલા યુવકને સ્પામાં જ કામ કરતી મહિલાની નજર સામે જ બેફામ મારવામાં આવ્યો હતો. ચોથા માળેથી ફેંકવામાં આવતા યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.  5 ઓગસ્ટે ઓઢવ વિસ્તારના એક સ્પામાં પોલીસે પાડેલી રેડની બાતમી આ સ્પામાં કામ કરતાં યુવકે આપી હોવાની શંકા આરોપીઓને હતી.

રાત્રે 8 વાગ્યા આસપાસ આરોપીઓ આવ્યા ત્યારે દશરથે પોતે બાતમી ન આપી હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે, મોડી રાત્રે 12:30 વાગ્યા આસપાસ 4થી 5 શખસો ફરી સ્પામાં ઘૂસ્યા હતા. ઝનૂની બનેલા આરોપીઓએ સ્પામાં તોડફોડ કરી દશરથને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને ચોથા માળે બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર ઈજાઓને કારણે દશરથનું સ્થળ પર જ મોત થયું હતું.

ઘટના CCTVમાં કેદ

બનાવની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મારામારી અને તોડફોડના સમગ્ર દ્રશ્યો સ્પાના CCTV કેમેરામાં કેદ થયા હતા, પોલીસ CCTV ફૂટેજ, કોલ ડિટેલ્સ અને ટેક્નિકલ પુરાવાની મદદથી હુમલાખોરોની ઓળખ કરી રહી છે. તમામ આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ ઝડપી બનાવાઈ છે. પોલીસના મતે, આ મામલો માત્ર એક હત્યા પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી સ્પાની આડમાં ચાલતા ગેરકાયદે ગોરખધંધાના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિસ્તારમાં સ્પાના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અંદરોઅંદરની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.