Sat Jun 27 2026

Logo

એક નજર ઈધર ભી...: ધર્મસ્થાનોમાં મહેરામણ, પણ કલાસ્થાનોમાં પાંખી હાજરી

2026-06-27 09:18:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ

વિદેશના લોકો અને વિશેષ કરી દેશાવર રહેતા ભારતવાસીઓમાં આપણો દેશ મેડિકલ ટૂરિઝમ માટે જાણીતો અને માનીતો છે. વિદેશમાં રોજગાર અર્થે વસતા ભારતવાસીને મેડિકલ અંગેની સારવાર માટે ભારત `સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા' જેવું લાગે છે. મેડિકલ ટૂરિઝમ'ની જેમ હવે ભારતમાં 'રિલિજિયસ-સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ' છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ્સું વિકસ્યું છે. આજની તારીખમાં ભારતની કુલ વસતિના 60 ટકા લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને એમનામાં ઈશ્વર આસ્થાનું પ્રમાણ ખાસ્સું હોવાથી રિલિજિયસ ટૂરિઝમ 2034 સુધીમાં અધધ 134 બિલિયન અમેરિકન ડૉલરને આંબી જવાની સંભાવના છે. 

જોકે, ધર્મસ્થળોની સરખામણીએ સાંસ્કૃતિક સ્થળો માટે ઓછું આકર્ષણ છે. ધાર્મિક પ્રવાસન એટલે મંદિર, દેરાસર કે મઠની મુલાકાત જેમાં શ્રદ્ધા અને ભક્તિનો સરવાળો હોય. સાંસ્કૃતિક પ્રવાસન (કલ્ચરલ ટૂરિઝમ) એટલે જે તે સ્થળનો ઈતિહાસ, કલા અને જીવનશૈલી જાણવાનો-સમજવાનો પ્રયાસ. 10 જૂનથી 20 જૂન દરમિયાન મહેસાણાથી રાણકપુર-ફાલના સુધીના પ્રવાસમાં આ વાત ઊડીને આંખે વળગી તો આજે આપણે ધાર્મિક સ્થળ વિશે જાણીએ.

નાથદ્વારાનું શ્રીનાથજીનું મંદિર, અંબાજીની શક્તિપીઠ-ગબ્બરના ગોખની અખંડ જ્યોત, માઉન્ટ આબુમાં દેલવાડાના દેરાસર કે પછી રાણકપુરનું પ્રખ્યાત દેરાસર હોય, આ સર્વ ઠેકાણે અંદર ફોટોગ્રાફી પર કડક અને સખત પ્રતિબંધ છે. હા, ધર્મસ્થાનકની બહારથી ફોટોગ્રાફ લેવા દે અને વ્યવસ્થાતંત્ર સાથે સંકળાયેલા લોકો જ મદદ કરે. 

પચીસેક વર્ષ પહેલા વિવિધ ધર્મસ્થાનની મુલાકાત લીધી ત્યારે પ્રતિબંધ નહોતો. તો હવે કેમ એ જાણવાની જિજ્ઞાસા થઈ. કેટલાંક વર્ષ પહેલાં અમુક યુવાનોએ ધર્મ સ્થાનકની અંદર પ્રતિમા પાસે કન્યા પાસે નર્તન કરાવતો વીડિયો ઉતારી એ વાયરલ કર્યો હતો. વાત ફરતી ફરતી ધર્મસ્થાનના વહીવટકર્તાઓ સુધી પહોંચી. આ પ્રયાસ હીણો અને દેવસ્થાનનું અપમાન કરનારો લાગતા તાત્કાલિક અસરથી કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. 

(આજે તો અમુક ધર્મસ્થળોની અંદર જ પ્રિ-વેડિંગ શૂટ કરવાનું ગાંડપણ વધી રહ્યું છે!!) 

સલામતીના કારણોસર તેમ જ પૂજા-ભક્તિ કરતી વખતે કોઈ ખલેલ ન પહોંચે એ પ્રતિબંધના મુખ્ય કારણો છે. જો કારણ ધાર્મિક હોત તો અનેક ધર્મસ્થાનકના યુટ્યૂબ પર લાઈવ દર્શન ઉપલબ્ધ ન હોત.

દેલવાડાના દેરાસર: ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવતા સોલંકી કાળ દરમિયાન ઉત્તમ સ્થાપત્યના ધર્મસ્થાનોનું નિર્માણ થયું એમાં માઉન્ટ આબુના દેલવાડાના દેરાસરની વિશિષ્ટ ખ્યાતિ છે. એમાં સ્તંભો અને છતોમાં કોતરણી નયનરમ્ય છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર મૂર્તિઓ અને અભિલેખો જોવા મળે છે. અંદર સુંદર કોતરણીવાળા બે મોટા ગવાક્ષ છે જે `દેરાણી-જેઠાણીના ગોખલા' તરીકે ઓળખાય છે. દેરાસરમાં તીર્થંકરો અને મહાપુષોના જીવનપ્રસંગો બારીકાઈથી કોતરેલા છે. દીવાલો તથા છતમાં જૈન ધર્મ સંબંધિત ભાવ દૃશ્યો કોતરેલા છે. અનેક લોકો માને છે કે સ્થાપત્યની દૃષ્ટિએ દેલવાડાના દેરાસર તેમ જ રાણકપુરનું દેરાસર તાજમહાલ કરતાં ચડિયાતા છે.

નાથદ્વારા-શ્રીનાથજી: વલ્લભ સંપ્રદાયના ભક્તો માટેનું આ વિશિષ્ટ સ્થાન છે. ભારતના અગ્રણી અને પવિત્ર તીર્થસ્થાનોમાં એની ગણના થાય છે. શ્રીનાથજી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. 17મી સદીમાં સ્થપાયેલા અહીંના ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીનાથજીની મનોહારી, શ્યામરંગી મૂર્તિ છે. આ મૂર્તિ ઈ. સ. પૂર્વે બારમી સદીની હોવાનું કહેવાય છે. પુષ્ટિમાર્ગના નિયમો અનુસાર સમય સમય પર દર્શનાર્થે મંદિર ઊઘડે છે. આ પ્રકારના દર્શનને `ઝાંખી' કહે છે. 

શ્રીનાથજીની આ મૂર્તિ શ્રી વલ્લભાચાર્યને ગોવર્ધન પર્વત પરથી મળી હોવાની નોંધ છે. અહીં દરરોજ ભગવાનના આઠ દર્શન થાય છે. મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન. નાથદ્વારા મંદિર પરિસરની બહાર ચિત્રકારો ભગવાનના જુદાં જુદાં દર્શનોનાં ચિત્રો દોરે છે જે `પિછવાઈ' તરીકે ઓળખાય છે. સિનિયર સિટીઝન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ મુશ્કેલી વિના સન્મુખ દર્શન કરવાનો લ્હાવો મળે છે.

રાણકપુર-મૂછાળા મહાવીર: ફાલનાથી સડકમાર્ગે માત્ર એક કલાકના અંતરે આવેલું રાણકપુર સંભવત: એકમાત્ર પ્રખ્યાત ધર્મતીર્થ છે જ્યાં રહેવા માટે એરકન્ડિશન્ડ રૂમ નથી. અને હા, અહીં ફોન તેમજ ઈન્ટરનેટ સર્વિસ લગભગ કામ નથી કરતી. અલબત્ત, અહીં આવનારા (ધાર્મિક વૃત્તિવાળા તેમજ સ્થાનકની ભવ્યતામાં રુચિ ધરાવતા) લોકો માટે એ ફરિયાદનું કારણ નથી. અરવલ્લી પર્વતની ઘાટીના મધ્યમાં આવેલા આ દેરાસરનું બાંધકામ પંદરમી સદીમાં થયું હતું. 

અનેક લાક્ષણિકતા ધરાવતા આ દેરાસરની મુખ્ય વિશેષતા એ છે કે એમાં 1,444 સ્તંભોની અનુપમ રચના છે.આ સ્તંભો આડી અને ઊભી એવી જુદી જુદી હારમાં એવા યોજનાબદ્ધ ગોઠવવામાં આવ્યા છે કે જેથી આ આખાય મંદિરમાં કોઇ પણ સ્થળે ઊભેલા દર્શનાર્થીને વિના અવરોધે તીર્થંકર ભગવાનના અચૂક દર્શન થયા વગર રહે નહીં. આ સ્તંભો એક બાજુ સ્થાપત્ય-સૌંદર્યનો અનુભવ કરાવે છે, બીજી બાજુ દર્શનમાં અંતરાય નથી બનતાં. એના સ્થપત્યની ખ્યાતિ દેશાવર પ્રસરી હોવાથી આવતા વિદેશીઓ માટે બપોરના બારથી સાંજના પાંચનો સમય ખાસ ફાળવવામાં આવ્યો છે. 

રાણકપુરના દેરાસરથી વીસેક કિલોમીટર દૂર મૂછાળા મહાવીરની પ્રતિમા સાથેનું આલીશાન દેરાસર છે. મહાવીર સ્વામીના ચહેરા પર મૂછનો આકાર દેખાતો હોવાથી એ મૂછાળા મહાવીર તરીકે ઓળખાય છે. એની અલગ કથા છે. તીર્થંકરનું આવું સ્વરૂપ ભારતમાં બીજે ક્યાંય નથી. આ દેરાસર પ્રાચીન છે પણ એનો જિર્ણોદ્ધાર વિક્રમ સંવત 2010 (ઈ.સ. 1954)માં શરૂ થયો અને વિક્રમ સંવત 2022 (ઈ.સ. 1965-66)માં આ તીર્થની પ્રતિષ્ઠા થઈ.

પંચમુખી હનુમાન: આપણા દેશમાં ચૌમુખી ધર્મસ્થાન ઘણા છે. ચાર મુખવાળા સ્થાનક ભારતીય સ્થાપત્યકલાની ખાસિયત છે જેમાં મુખ્ય મૂર્તિ અથવા શિવલિંગની ચારેય દિશામાં ચાર મુખ (પ્રતિમા) હોય છે. આ મંદિરોમાં ચારેય દિશામાંથી પ્રભુના દર્શન થઈ શકે છે. રાણકપુરથી થોડે દૂર આવેલા સાદડી ગામમાં પંચમુખી હનુમાનની પ્રતિમા છે. ગામવાસીઓએ જ તૈયાર કરેલા આ સ્થાનકમાં છે એવી પંચમુખી હનુમાનદાદાની પ્રતિમા બીજે ક્યાંય નથી એવું જાણકારો કહે છે.

પૌરાણિક કથા અનુસાર રાવણના માયાવી ભાઈ અહિરાવણ ભગવાન રામ અને લક્ષ્મણજીનું અપહરણ કરીને તેમને પાતાળ લોકમાં લઈ ગયા. અહિરાવણને વરદાન મળ્યું હતું કે તેને મારવા માટે, પાંચેય દિશામાં સળગતા દીવાઓ એક સાથે બુઝાવવા પડશે. ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું અને પાંચેય દીવા એક સાથે બુઝાવીને અહિરાવણનો વધ કર્યો. આવતા હપ્તે આ ધર્મસ્થાનકના વિસ્તારમાં આવેલા કલાસ્થાનો વિશે જાણીશું...