Fri Jun 19 2026

Logo

ડેટિંગ એપ પર JAN આઈડી પરથી મેસેજ આવ્યો અને યુવક ફસાયો; વાંચો અમરેલીનો કિસ્સો

2026-05-27 12:12:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ અમરેલીના બાયપાસ રોડ નજીક એક ચોંકાવનારી લૂંટ અને બળજબરીથી પૈસા પડાવવાની ઘટના સામે આવી હતી. જેમાં એક ૨૬ વર્ષીય યુવકને ડેટિંગ એપ્લિકેશનની જાળમાં ફસાવી, છરીની અણીએ બંધક બનાવીને માર મારવામાં આવ્યો હતો અને ઓનલાઈન ટ્રાન્સફર સહિત હજારો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે અમરેલીમાં જ રહેતા 6 શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બાબરા તાલુકાના વાંડળિયા ગામનો યુવક તેમના શેઠનું વાહન લઈને ફતેપુર ખાતે બાયોકોલ ભરવા માટે ગયા હતા. ત્યાંથી બાયોકોલ ભરીને તેઓ બાબરા આવવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે તેઓ નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. આ દરમિયાન તેમના મોબાઈલમાં ભૂલથી ગે ડેટિંગ એપ 'Grindr' ઓપન થઈ ગઈ હતી, જેમાં તેમને 'JAN' નામના આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો.

રસ્તો રોકીને રેલવે પુલ નીચે લઈ ગયા, ૬ શખ્સોએ કર્યો હુમલો

નાસ્તો કર્યા બાદ તેઓ જ્યારે પોતાના વાહન સાથે બાબરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે નવા બાયપાસ પર આરોપી પરિત ભીમાણી અને હરકિશને પોતાનું એક્ટિવા અને મોટરસાયકલ આડા ધરીને તેમનું વાહન રોક્યું હતું. આ શખ્સો તેમને જબરદસ્તીથી નીચે ઉતારીને રેલવેના નવા પુલિયા નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ અન્ય ચાર આરોપીઓ અરમાન, તોફિક, રોનક તથા પરવેજ હાજર હતા.

છરીની અણીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, ઓનલાઈન પૈસા પડાવ્યા

પુલ નીચે ભેગા થયેલા તમામ 6આરોપીઓએ એકસંપ થઈને અજયભાઇને ગેરકાયદેસર રીતે બંધક બનાવી લીધા હતા અને તેમની સાથે બેરહેમીથી મારપીટ શરૂ કરી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી  રૂ. 800 થી 1000 ની રોકડ ભરેલું પાકીટ ઝૂંટવી લીધું હતું.

તેમજ વધુ પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે વધુ રકમ ન હોવાનું કહેતા, આરોપીઓએ તેને ડરાવી-ધમકાવીને તેના શેઠના મોબાઈલમાંથી ગૂગલ પે દ્વારા આરોપીઓએ આપેલા QR કોડમાં રૂ. 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આટલું જ નહીં, આરોપીઓમાંથી એક શખ્સે તેની ગરદન પર ધારદાર છરી મૂકી દીધી હતી અને ધમકી આપી હતી કે, જો બીજા દિવસે વધુ રૂ.45000 નહીં મોકલે તો તને જાનથી મારી નાખીશું અને તારો વીડિયો વાયરલ કરી દઈશું.