Tue Oct 06 2026

Logo

અમેરિકાએ હોર્મુઝમાં 78 જહાજને અધવચ્ચેથી પાછા મોકલ્યા, 4 ને ઓપરેશન લાયક ન રાખ્યા... CENTCOMનો દાવો

2026-05-17 00:28:00
Author: Mumbai Samachar Team
અમેરિકાએ હોર્મુઝમાં 78 જહાજને અધવચ્ચેથી પાછા મોકલ્યા, 4 ને ઓપરેશન લાયક ન રાખ્યા... CENTCOMનો દાવો

નવી દિલ્હીઃ અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાન વિરુદ્ધ પોતાની દરિયાઇ કાર્યવાહીને લઇને મોટો દાવો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) શનિવારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 78 કોમર્શિયલ (વેપારી) જહાજોને રસ્તામાંથી જ પાછા વાળી દેવામાં આવ્યા છે, જ્યારે 4 જહાજોને "ડિસેબલ" (નકામા અથવા આગળ વધવા માટે અસમર્થ) કરી દેવામાં આવ્યા છે, જેથી તેઓ ઈરાનના બંદરો સુધી ન પહોંચી શકે.

CENTCOM એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, "16 મે સુધીમાં 78 કોમર્શિયલ (વેપારી) જહાજોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે અને 4 જહાજોને ડિસેબલ (અસમર્થ) કરવામાં આવ્યા છે, જેથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાકેબંધી (બ્લોકેડ) નીતિનું પાલન સુનિશ્ચિત કરી શકાય."

હકીકતમાં, અમેરિકાએ ઈરાન સામે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં કડક દરિયાઈ દેખરેખ અને નાકેબંધી લાગુ કરી રાખી છે. આ એ જ મહત્વનો દરિયાઈ રસ્તો છે, જ્યાંથી દુનિયાના મોટા ભાગમાં તેલ અને ગેસની સપ્લાય થાય છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાન આ રસ્તાનો ઉપયોગ પોતાના આર્થિક અને સૈન્ય ફાયદા માટે કરી રહ્યું છે.

ઇરાન ડીલ નહીં કરે તો કિંમત ચુકવશે

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન પાસે સમજૂતી કરવા સિવાય વધુ વિકલ્પો નથી. ફ્રેન્ચ ચેનલ BFMTV ને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, "જો ઈરાન ડીલ નહીં કરે, તો તેણે ખૂબ મુશ્કેલ સમય જોવો પડશે." જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે, હજુ એ સ્પષ્ટ નથી કે કોઈ કરાર જલ્દી થશે કે નહીં.

શી જિનપિંગ ઇચ્છે છે હોર્મુઝ જલદી ખુલે, ટ્રમ્પે કર્યો દાવો

ટ્રમ્પે પહેલા એવો પણ દાવો કર્યો હતો કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વાત પર સહમત છે કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલી દેવી જોઈએ. જોકે, ચીન તરફથી આ દાવાને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવ્યું નથી. ચીને માત્ર એટલું જ કહ્યું કે, આ વિવાદ "થવો જ જોઈતો નહોતો" અને તેને જલ્દીથી સમાપ્ત કરવો જોઈએ.

વધુ જુઓ...