Sat Sep 05 2026

Logo

હર્ષ સંઘવીના સુરતમાં 5 મહિનામાં 50 હત્યા, દર ત્રીજા દિવસે ખૂની ખેલ

2026-06-09 10:38:00
Author: Mayur Patel
હર્ષ સંઘવીના સુરતમાં 5 મહિનામાં 50 હત્યા, દર ત્રીજા દિવસે ખૂની ખેલ

સુરતઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં જ કાયદા કાનૂનની સ્થિતિ કથળી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. 2026ના પ્રથમ પાંચ મહિનામાં જ શહેરમાં 50 લોકોની હત્યા થઈ હતી, એટલે કે દર ત્રણ દિવસે સરેરાશ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હત્યાનો તાજો બનાવ અલથાણ વિસ્તારમાંથી સામે આવ્યો હતો. એક મહિલા સાથે જાહેરમાં છેડતી કરનારા ઑટો રિક્ષાચાલકની મહિલાના પતિએ હત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી રાજીવકુમાર સતીષસિંહ ઠાકુર (ઉ.વ.35) ઉધના વિસ્તારમાં સિલાઈ મશીન ચલવાતો હતો. તેની પત્ની ઘરકામ માટે વેસુથી પાંડેસરા સુધી આવ-જા કરતી હતી. આ દરમિયાન તેનો પરિચય પાંડેસરાના રહેવાસી ઑટો ચાલક રાહુલ રાજપૂત (ઉ.વ.27) સાથે થયો હતો. રાહુલ દોઢ વર્ષથી મહિલા પર ખરાબ નજર રાખતો હતો. તે સતત છેડતી કરતો, પીછો કરતો અને વાત ન માનવા પર જાનથી મારવાની ધમકી આપતો હતો.

બે દિવસ પહેલાં સાંજે પરિણાતા મગદલ્લા હાઈવે પર રાજહંસ સિંફાનિયોમાં કામ પૂરું કરીને બહાર નીકળી ત્યારે રાહુલે તેનો રસ્તો રોક્યો હતો. તેણે જાહેરમાં હાથ પકડીને તેની સાથે આવવા મજબૂર કરવા લાગ્યો હતો.  રાહુલની હરકતથી તંગ આવીને મહિલાએ પતિને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યો હતો. પત્નીની વાત સાંભળીને તે સમસમી ઉઠ્યો હતો. જે બાદ તે રાહુલ જ્યાં ઉભો હતો ત્યાં પહોંચી ગયો હતો. 

અહીં બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને વાત વણસતાં રાજીવકુમારે ઉશ્કેરાઈને નજીકમાં પડેલા પથ્થરથી રાહુલના માથામાં માર્યો હતો. જેના કારણે રાહુલ લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ઼્યો અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

સુરતમાં ગુનાખોરીના આંકડા છે ચોંકાવનારા

સુરત પોલીસ કમિશનરના આંકડા મુજબ, સુરત હવે ડાયમંડ સિટી કે ટેક્સટાઈલ સિટી નથી રહ્યું પરંતુ ગંભીર ગુનાઓનું કેન્દ્ર બની રહ્યું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે હત્યા અને સડક દુર્ઘટનાની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. દર મહિને સરેરાશ 10 મર્ડર થઈ રહ્યા છે.

સુરતમાં સામાન્ય વાતમાં હત્યાની અનેક ઘટનાઓ પહેલા પણ સામે આવી ચુકી છે. જેમાં ભાજપના નેતા સહિત અનેક લોકો સામેલ છે. તાજેતરમાં 6-7 જૂને રાતે સિંગણપોર વિસ્તારમાં બે યુવકો વચ્ચે ગુટખા ખાવા મોડી રાતે દુકાન ખોલાવવાની જિદમાં એક યુવકની હત્યા થઈ હતી. સતત થઈ રહેલી હત્યાથી સુરત પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠ્યા છે.