Sat Sep 12 2026

Logo

હાઇવે પર પૂરપાટ વેગે આવેલી લોરીએ અડફેટમાં લેતાં શિક્ષિકાનું મૃત્યુ

2026-04-12 17:20:51
Author: યોગેશ ડી. પટેલ
હાઇવે પર પૂરપાટ વેગે આવેલી લોરીએ અડફેટમાં લેતાં શિક્ષિકાનું મૃત્યુ

પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર પૂરપાટ વેગે આવેલી લોરીએ અડફેટમાં લેતાં 40 વર્ષની શિક્ષિકાનું મૃત્યુ થયું હતું.વિરાર વિસ્તારમાં શનિવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી શિક્ષિકાની ઓળખ સ્વીડલ ગોમ્સ તરીકે થઇ હતી, જે વસઇ વિસ્તારમાં રહેતી હતી.

સ્વીડલ ગોમ્સ શનિવારે સવારે તિલ્હેર ખાતેની જિલ્લા પરિષદની સ્કૂલ જવા માટે નીકળી હતી અને તે બસ સ્ટોપ પર જવા માટે શિરસાડ નાકા ખાતે માર્ગ ઓળંગી રહી હતી ત્યારે પાછળથી આવેલી લોરીએ તેને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી ગોમ્સનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ લોરીનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.દરમિયાન અકસ્માતની જાણ થતાં માંડવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગોમ્સના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયો હતો.

પોલીસે આ પ્રકરણે લોરીના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેની શોધખોળ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)