- હેન્રી શાસ્ત્રી
એક જ ભાષામાં સ્થળને કારણે અલગ શબ્દો જોવા મળતા હોય છે. એક જ ભાષાના શબ્દોનો ઉચ્ચાર પણ ભિન્ન હોય છે. ઘણી જગ્યાએ ભીંત કહેવાય તો ક્યાંક ભેંત એવો ઉચ્ચાર સાંભળવા પણ મળે. કોઈ વીંટી કહે તો કોઈ વેંટી બોલે. આવા બીજા પણ કેટલાક ઉદાહરણો છે. સિવાય કેટલીક વાર એક જ વસ્તુ કે પદાર્થ અલગ અલગ નામથી ઓળખાતા હોય. જેમ કે લોટો કળશો અથવા કળશ્યો તરીકે પણ જાણીતો છે.
મુંબઈમાં ઢોકળા કહેવાય પણ સુરત પહોંચતા જ એ ઈદડા બની જાય છે. પૂરણપોળી - વેડમી અને ગોળપાપડી - સુખડીનું પણ એવું જ છે. ગોદડી પાગરણ બની જાય તો દંતાળી (દાંતાવાળું ખેડૂતનું એક ઓજાર) પંજેટી બની જાય છે. આને કારણે ક્યારેક એવું બને કે એક જ ભાષા બોલતી બે વ્યક્તિ એકબીજાને સમજી ન શકે. ટૂંકમાં કેટલાક સામાજિક, વ્યાવસાયિક કે અન્ય કોઈ કારણસર એક જ ભાષા વિવિધ રૂપે સાંભળવા મળે છે.
ડહાપણ - શાણપણ કે ચતુરાઈ મનુષ્યને જીવનમાં ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે. એનો મોભો વધારવામાં પણ મદદરૂપ થાય છે. ‘અતિ સર્વત્ર વર્જયેત’ એ એક અતિપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત છે, જેનો અર્થ થાય છે કે ‘કોઈ પણ બાબતમાં અતિરેક (વધારે પડતી કોઈ પણ વસ્તુ કે ક્રિયા) હંમેશાં હાનિકારક હોય છે અને તેનો ત્યાગ કરવો જોઈએ.’ એ અનુસાર અતિ ડહાપણ જે દોઢ ડહાપણ સુધ્ધાં કહેવાય છે, મનુષ્ય માટે આફત કે મુસીબતને નોતરું આપનારું સાબિત થાય છે.
દોઢડાહ્યો ત્રણ ઠેકાણે ખરડાય અથવા વધુ ડાહ્યો વધુ ખરડાય કહેવતમાં અતિ ડહાપણની જ વાત છે. જે વ્યક્તિ પોતાની જાતને બહુ હોશિયાર (દોઢડાહી) માનતી હોય અને બિનજરૂરી દખલગીરી કે અતિશય ચીકણાશ કરે, તે આખરે મુશ્કેલીમાં મુકાય છે અથવા પોતાનું જ નુકસાન કરે છે એ એનો ભાવાર્થ છે. આ કહેવત પાછળની એક નાનકડી કથા બહુ જ મજેદાર છે. થોડામાં ઘણું કહી જાય છે. એક નગરમાં એક અત્યંત ચતુર વ્યક્તિ રહેતી હતી. પોતાની હોશિયારીનો, મુત્સદ્દીગીરીનો એને ઘમંડ હતો. એ વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવનું ઉગ્ર તપ કર્યું. એનો ભાવ અને કઠોર તપસ્યા જોઈ ઈષ્ટદેવ પ્રસન્ન થયા. દેવ પ્રગટ થયા અને ભક્તને સંબોધી બોલ્યા, ‘હે વત્સ, હું તારી ભક્તિથી વિસ્મય પામ્યો છું અને મને સંતોષ પણ થયો છે. માગ, માગવું હોય એ માગ. હું આપવા બંધાયેલો છું.’
ડહાપણ છલકાતું હોવાથી એ વ્યક્તિએ વિચાર કર્યો કે સીધે સીધું કેમ માગી લેવાય? મુત્સદ્દીગીરી કામે લગાડી. ઈષ્ટદેવને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યો, ‘ભગવંત, પ્રથમ એક પ્રશ્ન કરું છું. શાસ્ત્રોમાં લખ્યું છે કે આપના દેવલોકની એક મિનિટ અમારા મર્ત્ય લોકના એક કરોડ વર્ષ બરાબર હોય?’ પ્રભુએ ડોકું ધુણાવી હા પાડી. શ્રીમાન શાણપણ કુમારે મુત્સદ્દીગીરી આગળ ચલાવી અને બીજો સવાલ કર્યો કે ‘તો એ પણ વાત સાચી કે આપની એક પાઈ એટલે અમારા લોકના કરોડ રૂપિયા?’ ભગવાને ઉત્તર આપ્યો ‘હા, એ વાત પણ સાચી.’
ઈષ્ટદેવનો આ જવાબ સાંભળી ભક્તના ચહેરા પર સ્મિત આવી ગયું. મુત્સદ્દીથી ફેંકેલા પાસા પોબાર પડશે એવી લાગણી એ અનુભવવા લાગ્યો. મલકાતા મોઢે એણે પ્રભુને કહ્યું, ‘હે ઈષ્ટદેવ, મારી એટલી જ અરજ છે કે મને આપની એક પાઈ આપી દો. મને બસ બીજું કશું જ નથી જોઈતું.’ એટલું બોલી આંખો બંધ કરી સપનાંના મહેલ ચણવા લાગ્યો.
એટલામાં પ્રભુનો જવાબ આવ્યો કે ‘હે વત્સ, તેં માગ્યું છે એ તને મળી જશે, બસ એક મિનિટ થોભી જા.’ પ્રભુના વરદાનનો અર્થ (એક કરોડ રૂપિયા મેળવવા એક કરોડ વર્ષ રાહ જોવી પડશે) સમજાય અને આંખ ઉઘાડે ત્યાં તો દેવ અલોપ થઈ ગયા. આ કથા પછી કહેવત પડી કે દોઢડાહ્યો ત્રણ ઠેકાણે ખરડાય.
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
ગયા સપ્તાહમાં બોલીને ફરી જનારા અને વચનફોક કરતી વ્યક્તિ વિશેની અબી બોલ્યા અબી ફોક સહિત કેટલીક કહેવતો વિશે જાણ્યું. જોકે, વચનપાલન - વચનબદ્ધ એ ગુણીજનોના સ્વભાવમાં વણાયેલું હોય છે. એ સંદર્ભની કેટલીક કહેવતો પણ જાણવા - સમજવા જેવી છે. અલબત્ત આજે જે વખત ચાલી રહ્યો છે એ જોઈ એને અમલમાં મૂકવા જેવી પણ છે એવું કહેતા બે વાર વિચાર કરવો પડે એવું છે. થોડો ક્ષોભ પણ થાય. આ સંદર્ભની પહેલી કહેવત છે બોલીને અબોલ્યા નહીં કરનાર. આ જ કહેવત સહેજ ફેરફાર સાથે બોલ્યા અબોલ્યા થાય નહીં સ્વરૂપે સુધ્ધાં હાજર છે. વચનપાલનની શિસ્ત અને આગ્રહ આ બંને કહેવતમાં ડોકિયાં કરે છે. અબોલ્યા એટલે હું નહોતો બોલ્યો એવું કહેવું. આને મળતો અન્ય શબ્દ છે અબોલા જેનો અર્થ બે વ્યક્તિ વચ્ચે બોલવાનો વ્યવહાર નથી. જબાન શબ્દ ફારસી શબ્દ ઝબાનનું જ સ્વરૂપ છે.
જબાન એટલે બોલી અથવા ભાષા અથવા જીભ એ અર્થ સાથે મોઢામાંથી નીકળેલો શબ્દ એ અર્થ પણ ધરાવે છે. જબાન હાર્યો તે જન્મ હાર્યો કહેવતમાં ખમીરની વાત છે. બોલેલું ફરી જાય કે પાળે નહીં એનું જીવન એળે ગયું એવો ભાવાર્થ છે. એને મળતો ભાવાર્થ મરદનો બોલ પ્રાણ જતાં ફરે નહીં કહેવતમાં જોવા મળે છે. કોઈપણ ભોગે વચનપાલન કરવું એ આમાં નજરે ફરે છે. જીવ જાય પણ વચન ન ફરે એ આજના કાળમાં તો અતિશયોક્તિ અથવા મૂર્ખાઈ લાગે. બોલ્યા અબોલ્યા કરે, તેનું દૂધ ઠીકરે. દૂધ ઠીકરે એટલે દૂધ જેવી પવિત્ર અને મૂલ્યવાન વસ્તુ પણ ઠીકરામાં એટલે કે માટીના મામૂલી વાસણમાં રાખવી પડે. ટૂંકમાં વસ્તુની યોગ્ય કદર ન થવી, એની કિંમત ઘટી જવી. વચનનું મૂલ્ય સમજાવતી કહેવત છે જે બોલનો સાચો તેનો જ તોલ. તોલ એટલે વજન.
આપેલું વચન પાળે એ જ વ્યક્તિનું વજન પડે એ આ કહેવતનો ભાવાર્થ છે. મેરા વચન ગીતા કી કસમ જેવો ભાવાર્થ ધરાવતી કહેવત છે હાથીના દંતુશળ નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં. હાથીને મદનિયું જન્મે ત્યારે બાળકોને જેમ દુધિયા દાંત હોય એમ એને દુધિયા દંતુશળ હોય. મદનિયું ત્રણેક વર્ષનું થાય એટલે કાયમી દંતુશળ નીકળવાની શરૂઆત થાય. એ આજીવન એની સાથે રહે. વળી એ અત્યંત મૂલ્યવાન પણ હોય છે. એટલે વચનબદ્ધતાને હાથીના દંતુશળ સાથે સરખાવી છે. જે મોઢે પાન ચાવ્યાં તે મોઢે લાળા ચવાય નહીં.
પાન ચાવવા એ શાલીનતાની નિશાની છે. લાળાં ચાવવા એટલે જવાબ આપતા ગોટા વાળવા કે ખોટો બચાવ કરવો. સારે મોઢે ખરાબ વાત શોભે નહીં એ એનો ભાવાર્થ છે. જે બોલ્યા તે ધ્રુવના અક્ષર કહેવતમાં જબાનની સરખામણી ધ્રુવના તારા સાથે કરી છે. સ્થિર, ડગે નહીં એવો તારો એ ધ્રુવની ઓળખ છે. પોતાના વચનમાં ડગે નહીં, સ્થિર રહે એ એનો ભાવાર્થ છે. આ બધી કહેવતોના સાર જેવો એક દોહરો છે: દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર; ઉત્તમ બોલ્યા ના ફરે, પશ્રિમ ઉગે સૂર. દળ એટલે લશ્કર. સૈન્ય હોય કે વાદળ કે નદીનાં પૂર હોય એ એક વાર પાછા ફરી જાય, પશ્ચિમમાં સૂર્ય પણ ઊગે તોય શ્રેષ્ઠ વ્યક્તિ એ છે. કે જે વચનમાંથી ફરી નથી જતી.