Sun Jul 26 2026

Logo

પદ કરતાં દેશ અને યુવા પેઢીનું હિત સર્વોપરી’, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે અમિત શાહનું નિવેદન

2026-07-26 10:14:19
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ વિદ્યાર્થીઓએ કરેલા વિરોધ પ્રદર્શનના કારણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપવું પડ્યું! આ મામલે કેન્દ્રિય ગૃહ પ્રધાને એક્સ પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. ધર્મન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી છેલ્લા કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી હતી. આખરે તેનો અંત આવ્યો અને તેમણે પીએમ મોદીને રાજીનામું આપી દીધું! અનેક નેતાઓએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, પરંતુ આમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનું નિવેદન છે.

અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી શું લખ્યું?

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે,  કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પોતાના પદ પરથી આપેલી નૈતિક નિવૃત્તિ દર્શાવે છે કે ભાજપના નેતાઓ માટે સત્તા કે પદ કરતાં દેશ, યુવા પેઢી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ મહત્વપૂર્ણ છે. મોદી સરકાર દેશના કરોડો યુવાનોની ભાવનાઓનું સન્માન કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વધુમાં કહ્યું કે, પરીક્ષા પ્રણાલીમાં ગડબડ અને પેપર લીકના દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના અને કઠોર દંડ ફટકારવાના સરકારના નિર્ણયો આવકારદાયક છે. આ પ્રકારના નિર્ણાયક પગલાંથી NEET પરીક્ષામાં મહેનત કરીને સફળ થયેલા વિદ્યાર્થીઓ સાથે પૂરો ન્યાય થશે અને તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.  

પોતાના સેવાકાળ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અનેક દૂરગામી અને ઐતિહાસિક સુધારા કર્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણથી લઈને પ્રાદેશિક માતૃભાષાઓમાં પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા ઊભી કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ સિવાય PM શ્રી શાળાઓનું નેટવર્ક વધારવું, ડિજિટલ શિક્ષણનો વ્યાપ વિસ્તારવો, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સમન્વયને મજબૂત બનાવવા માટે તેમણે સતત કામ કર્યું છે.  

શિક્ષણ મંત્રાલયનો એડિશનલ ચાર્જ કોણ સંભાળશે?

એક પ્રશ્ન એ છે કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલી પાર્ટી સીજેપીનું હવે શું? શું આગામી સમયમાં પણ ફરી કોઈ આંદોલનો થશે કે પછી વાત અહીં પૂરી થશે? મૂળ વાત એ છે કે, આ 25 થી 26 દિવસમાં સીજેપીના આંદોલનમાં અનેક એવી ઘટનાઓ બની છે, જે ચિંતાજનક રહી છે. પરંતુ હવે તેનો અંત આવ્યો, શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ હવે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.