Sun Jul 26 2026

Logo

ભારતમાં કોરોનાનું વધતું જોખમ: આંધ્રપ્રદેશમાં 10 નવા કેસ; 4 લોકોના મોતથી વધી ચિંતા

2026-07-26 11:28:11
Author: Mumbai Samachar Team
Article Image

ભારતમાં COVID-19 નું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે. આંધ્રપ્રદેશના અમરાવતીમાં COVID-19 ના 10 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સક્રિય અને નોંધાયેલા કેસોની સંખ્યા 49 થઈ ગઈ છે. તેમાંથી 24 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 16 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કોરોના દર્દીઓમાંથી કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે.

પૂર્વ ગોદાવરી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસો પર નજર કરીએ તો, પૂર્વ ગોદાવરી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 11 કેસ સામે આવ્યા છે. ત્યાર પછી ગુંતુરમા 9, વાય.એસ.આર. કડપ્પામાં 8, વિશાખાપટ્ટનમમાં 5 અને NTR જિલ્લામાં 3 કેસ નોંધાય્યા છે. કાકીનાડા, એલુરુ અને બાપટલા જિલ્લાઓમાં બે-બે કેસ નોંધાયા છે, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં એક-એક સંક્રમિત દર્દીની પુષ્ટિ થઈ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 24 COVID-19 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જ્યારે 16 દર્દીઓ તબીબી દેખરેખ હેઠળ હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પાંચ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂક્યા છે. આમાં વાય.એસ.આર. કડપ્પા જિલ્લાના ત્રણ દર્દીઓ તથા ગુંતુર અને એલુરુ જિલ્લાના એક-એક દર્દી સામેલ છે.

અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

રાજ્યમાં COVID-19 થી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નોંધાય્યા છે. આમાંથી ત્રણ મોત વાય.એસ.આર. કડપ્પા જિલ્લામાં અને એક મોત કાકીનાડા જિલ્લામાં થયું છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સમગ્ર રાજ્યમાં સર્વેલન્સ વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે. જિલ્લા રેપિડ રિસ્પોન્સ ટીમોને સંક્રમિત દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ પર સતત નજર રાખવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરીને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.

વિભાગે જણાવ્યું કે શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે નિર્ધારિત પ્રયોગશાળાઓમાં આરટી-પીસીઆર (RT-PCR) ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ તમામ સેકન્ડરી અને ટર્શિયરી સ્તરની હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે વિશેષ બેડ (બિસ્તરો)ની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE), ટેસ્ટિંગ કિટ્સ અને અન્ય આવશ્યક તબીબી સામગ્રીનો પૂરતો જથ્થો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.