ભુજઃ વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા અલગ-અલગ અપમૃત્યુના બનાવોમાં ચાર લોકોના અકાળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારના શેખટીંબોના મૂળ વતની અને હાલ મમુઆરા સીમની ફેક્ટરીમાં કામ કરતા 39 વર્ષીય ભરત રાયમલ કોલીનો અઠવાડિયા પૂર્વે પત્ની સાથે ઝઘડો થયો હતો. પત્ની બાળકો સાથે માવતરે જતી રહેતાં, મનમાં લાગી આવવાથી યુવકે પોતાની ઓરડીમાં લોખંડની આડી પર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જી.કે. જનરલ હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, નખત્રાણાના આમારા ગામની સીમમાં વાડીના શેઢે લીમડાની ડાળી કાપી રહેલા 48 વર્ષીય રમદાન જુમા સોલંકીને નજીકમાંથી પસાર થતી પવનચક્કીની વીજલાઈનમાંથી જોરદાર વીજશોક લાગતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
અન્ય અકાળ મોતનો બનાવ ભુજ આર્મી કેમ્પમાં બનવા પામ્યો હતો જેમાં મૂળ ઝાલાવાડ વિસ્તારના 39 વર્ષીય પુરાલાલ ગંગારામ ચંદ્રવંશી રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે વીજકરંટ લાગતાં તેઓ ઢળી પડ્યા હતા. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન, વરસાણા ચોકડી નજીક ખાનગી કંપનીના રૂમમાં રહેતા દુર્ગાલાલ ગોવિંદ નામના યુવાને કોઈ કારણોસર વિષપાન કરી લીધું હતું. ગાંધીધામ રામબાગ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ચાલુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)