ભુજ: ગુજરાતમાં ચાલી રહેલી મેઘમહેરના કારણે રેલવે વ્યવહાર પર ભારે વિપરીત અસર પડી છે. દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાટા પર પાણી ભરાઈ જતાં કચ્છથી મુંબઈ અને ઉત્તર ભારત તરફ જતો ટ્રેન વ્યવહાર સતત ચોથા દિવસે પણ બાધિત રહ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, વિરમગામ સેક્શનમાં પાણી ભરાઈ જવાના કારણે બરેલી-ભુજ ‘આલા હઝરત એક્સપ્રેસ’ 12 કલાક જેટલી મોડી ભુજ પહોંચી હતી અને ભુજથી પણ 12 કલાકના વિલંબથી રવાના થઈ હતી. આ ઉપરાંત, વિરમગામ સ્ટેશને કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ 4થી 5 કલાક અટવાઈ પડી હતી. પાટા પર ભરાયેલા પાણી વચ્ચે રેલવે તંત્ર દ્વારા અત્યંત ધીમી ગતિએ ટ્રેનોને આગળ વધારવામાં આવતાં આ બંને ટ્રેનો 8 કલાક જેટલી મોડી મુંબઈ (બાન્દ્રા/દાદર) પહોંચી હતી.
લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યું
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં આલા હઝરત એક્સપ્રેસને વાયા પાલનપુર-ભીલડી-રાધનપુર-સામખિયાળી તેમજ ગાંધીધામ-કામાખ્યા અને ગાંધીધામ-હાવડા એક્સપ્રેસને સામખિયાળી-ભીલડી-પાટણના પરિવર્તિત માર્ગે દોડાવવામાં આવી હતી. જ્યારે ભુજ-બાન્દ્રા કચ્છ એક્સપ્રેસ (22956)ને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ, ભુજ-બાન્દ્રા એસી એક્સપ્રેસને તેના નિયમિત સમયપત્રક મુજબ રવાના કરાઈ હતી.
છેલ્લા ચાર દિવસથી મુસાફરો સતત પરેશાન થઈ રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, અગાઉ બોમ્બે સેન્ટ્રલ ડિવિઝન, ત્યારબાદ નવસારી અને હવે વિરમગામ પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં તથા ધોવાણ થતાં છેલ્લા ચાર દિવસથી મુસાફરો ભારે રઝળપાટ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે સત્તાધીશોના જણાવ્યા અનુસાર, ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ જ ટ્રેન વ્યવહાર પૂર્ણપણે પૂર્વવત થઈ શકશે તેમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)