પટનાઃ દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારાયા બાદ વિરોધ પ્રદર્શન ભલે શાંત થઈ ગયું હોય, પરંતુ બિહારમાં તેની અસર વધારે તીવ્ર બની રહી છે. પટનામાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ડાબેરી સંગઠનો દ્વારા આપવામાં આવેલા બિહાર બંધ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં ભારે તોફાન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રદર્શન દરમિયાન સૌથી વધુ વણસેલી પરિસ્થિતિ સિવાનમાં જોવા મળી હતી.
વિરોધ પ્રદર્શન જોતજોતામાં હિંસક બની ગયું
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, સિવાનના ગાંધી મેદાનથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન જોતજોતામાં હિંસક બની ગયું હતું. આક્રોશિત ભીડે પોલીસ ટીમો પર આડેધડ પથરાવ શરૂ કરી દીધો હતો અને બેરિકેડ્સ તોડીને મોટો હોબાળો મચાવ્યો હતો. આ હિંસક અથડામણમાં સિવાનના એસપી, બે ડીએસપી સહિત કુલ 30 થી વધુ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સ્થિતિ કાબૂ બહાર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યાં
નોંધનીય છે કે, સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે પહેલા ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બનતા પોલીસે સ્વબચાવ અને શાંતિ જાળવવા માટે 6 થી 8 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર ગોળીબારમાં મોતના અફવાઓ ફેલાતાં પોલીસ તંત્રે સ્પષ્ટતા કરી છે કે કોઈનું મોત થયું નથી, માત્ર કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી
હાલ સમગ્ર સિવાનમાં વાતાવરણ તંગ છે. ઉપદ્રવીઓની ઓળખ સીસીટીવી અને વાયરલ વિડીયોના આધારે કરવામાં આવી રહી છે અને અનેક લોકોની અટકાયત કરાઈ છે. કોઈ પણ જાતની અફવા ન ફેલાય તે માટે તંત્રે જિલ્લામાં સાંજના 5:30 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સિવાન ઉપરાંત છપરા, સાસારામ, ભાગલપુર અને પૂર્ણિયા જેવા જિલ્લાઓમાં પણ પ્રદર્શનકારીઓએ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરી હતી. જેથી આ સ્થિતિને જોતા બિહાર પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.