ભુજ: કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં વહેલી સવારે માનવ વસાહત નજીક એક મહાકાય મગર આવી ચડતાં ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તુરંત આ અંગે પશ્ચિમ વન વિભાગને જાણ કરતા, વન અધિકારી અરુણ સરવૈયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વન વિભાગના પ્રશિક્ષિત સ્ટાફ અને અનુભવી રેસ્ક્યુઅર્સ દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યુઅર જગદીશ પરમાર, મહેશ સોની તથા પશ્ચિમ વન વિભાગના રિશી ગોસ્વામી સહિતની ટીમે જરૂરી સાધનોની મદદથી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પર એકત્ર થયેલા ઉત્સુક ગ્રામજનોને વન વિભાગે સુરક્ષિત અંતરે રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી.
સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને માનવ વસતીથી દૂર તેના કુદરતી રહેણાંકને અનુરૂપ સુરક્ષિત જળાશયમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસરની આ કાર્યવાહીથી ભડલી ગામમાં સંભવિત દુર્ઘટના ટળતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન નદી-નાળાં અને તળાવોમાં પાણીની આવક વધવાને કારણે મગરો અવારનવાર ખોરાક કે આશ્રયની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ વળી જતા હોય છે. આથી, વરસાદી ઋતુમાં જળાશયો કે નીચાણવાળા વિસ્તારો નજીક અવરજવર કરતી વખતે વિશેષ સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. વધુમાં, કોઈ પણ જંગલી પ્રાણી દેખાય ત્યારે તેને ઉશ્કેરવા કે જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે તુરંત જ જવાબદાર તંત્ર કે વન વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
ઉત્સવ વૈદ્ય