- વિરલ રાઠોડ
ટેક્નોલોજીએ માણસના જીવનનું કામ સરળ કરી આપ્યું છે. ટેક્નોલોજીની દુનિયામાં ટુલ્સ આવ્યા બાદ માનવશ્રમ ઓછો અને સ્માર્ટનેસ વધતી ગઈ. માણસ પણ જે તે સ્થિતિ સામે ટેક્નોલોજીથી અપડેટ થતો રહ્યો, શીખતો રહ્યો અને આગળ વધતો રહ્યો. પણ સમય એવો છે કે ડિજિટલની દુનિયાનો એટલો પ્રભાવ છે કે તે માનસિક અને શારીરિક બન્ને પાસાને સીધી અસરે છે. મર્યાદા કરતાં વધારે કેરીનો રસ પી જવામાં આવે તો પણ મુશ્કેલી થાય. આ તો ડિવાઇસ એક્સેસ અને સ્ક્રિનિંગનો મામલો છે એટલે કે શરીરના બે મુખ્ય અવયવને સતત સ્કેન કરે છે. હાથની આંગળીઓ અને આંખ. ડિજિટલ ક્રાંતિ આવ્યા બાદ અનેક એવા શબ્દો દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી અદૃશ્ય ડિક્શનરીમાં ઉમેરાયા છે. એમાંનો એક શબ્દ છે ‘ડિજિટલ વેલનેસ’.
સરળ શબ્દોમાં સમજીએ તો આનો સીધો અર્થ થાય છે ડિજિટલ સુખાકારી. ડિજિટલ વેલનેસ એટલે ડિજિટલની વિશાળ દુનિયા અને આપણા શરીરની સુખાકારી વચ્ચેનું બેસ્ટ સંતુલન. ટેક્નલોજી સાથે અપડેટ થવું સારું છે, પણ એના કારણે સમસ્યા અને તણાવમાં વધારો થાય એ ખોટું છે. આ પાછળ અનેક કારણ જવાબદાર છે. જેમ કે વધુ પડતો સ્ક્રીન ટાઇમ, ડિવાઈસનો વધારે પડતો ઉપયોગ, ડિવાઈસ સંબંધિત અન્ય ચીજવસ્તુઓનો બેફામ ઉપયોગ, સોશ્યલ મીડિયાથી થતી સર્જાતી ઇનસિક્યોરિટી - અસુરક્ષા... આ બધામાંથી એક બ્રેક લેવાનો સમય કાઢવો જોઈએ એવું દુનિયાના મેડિકલ જગતના માત્ર તબીબો નહીં- નિષ્ણાતો પણ કહે છે. વિરોધાભાસ એવો છે કે, આપણે ફરવા માટે જઈએ અને રસ્તામાં સરસ વોટરફોલ આવે તો પહેલા જોવાના બદલે ફોટો કે વીડિયો ક્લિક કરીએ છીએ અને પછી જે લાઇવ છે એને રેકોર્ડ કરીને જોઈએ છીએ. લાઈવની પણ એક અલગ મજા છે. જાણવાની દોડમાં માણવાનું ભૂલવાનું નથી એ જ ડિજિટલ વેલનેસ. હેલ્થને નુકસાન ન કરે એટલો ઉપયોગ એટલે ડિજિટલ વેલનેસ. દુનિયાભરના રિસર્ચ એવું કહી રહ્યા છે કે ડિજિટલ દુનિયામાં વધુ પડતા મથ્યા રહેનારા માનસિક રીતે ખોખલા થઈ રહ્યા છે.
સતત નીચું જોયા કરવાથી ડોક અને ગળાના દુખાવા થયેલા છે. પેરિસમાં તો એક નવી ટેક્નો પૉલિસી આકાર લઈ રહી છે. હાલમાં તો વેપારીઓ જે સ્ક્રેપવર્ક કરે છે તે સ્ક્રીન યુઝેજ જોઈને જ મોબાઈલ કે ડિવાઈસને રિપ્લેસ કરી આપે છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં પ્રભાવ વધારે છે.
મેસેજમાં રિપ્લાય ન આવે તો કેટલાય યુવાનો બેચેની અનુભવે છે, પણ થોડું એ પણ વિચારવું જોઈએ કે, કોઈ પણ વ્યક્તિને એનો પોતાનો પણ સમય હોય છે. પર્ફેક્ટ દેખાવવાની રેસમાં રિયાલિટીનું તત્ત્વ ઘટી રહ્યું છે. ટેક એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે, દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી એક કલાક સુધી કોઈ પણ પ્રકારની ડિવાઈસથી દૂર રહેવું જોઈએ. આના બદલે કોઈ ફિઝિકલ મેન્ટલ એક્ટિવિટી જરૂરી છે. ‘હુટસૂટ’ નામના પ્લેટફોર્મે એક સરસ સર્વે કર્યો હતો, એમાંથી જે પરિણામ મળ્યા એની કેટલીક ફેક્ટ ફાઈલ અહીં લખી છે, જેમકે આપણા જ દેશમાં 75 ટકા લોકો રાત્રીના સમયે સૌથી વધારે રીલ્સ જુએ છે. 80 ટકા લોકો મોડી રાત સુધી સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે. સૌથી વધારે દિલ્હી અને મુંબઈના લોકો રાત્રીના સમયે સૌથી વધારે સ્ક્રીનટાઈમ ધરાવે છે. દિલ્હી શહેરની ટકાવારી 95 ટકા છે જ્યારે મુંબઈ શહેરમાં 96 ટકા છે. જ્યાં એક રાત્રીનો સ્ક્રીનટાઈમ સતત સાત કલાક સુધીનો છે.
એક એરિયાના હિસાબથી જોઈએ તો દિલ્હીમાં કોઈપણ એરિયામાં રાત્રીના 12 વાગ્યા સુધીનો ટીવી ટાઈમ અને સાથે સાથે સ્ક્રીન ટાઈમ સામાન્ય થઈ રહ્યો છે. એટલે કે 12 વાગ્યા સુધી સ્ક્રીન જોવાય છે. એ પછીના તબક્કામાં દરેક એરિયામાંથી ઓછામાં ઓછા 20 લોકો સવારે 4 વાગ્યા સુધી જાગે છે. કારણ છે સોશ્યલ મીડિયા, વેબસિરીઝ અને મોબાઇલ પર જોવાતી ફિલ્મ. માત્ર 18 ટકા લોકો એવા હતા જે કામ હેતુ, નાઈટજોબ કે ઈન્ટરનેશલ પ્લેટફોર્મ પર કામ કરીને કમાતા હતા મુંબઈ પછી ક્રમ આવે છે આઈટી સિટી તરીકે જાણતા શહેર બેંગ્લુરુનો. જ્યાં નાઈટ સ્ક્રીન ટાઈમ સતત 6 કલાકનો છે. આ પાછળનું કારણ અનેક એવી મલ્ટિનેશનલ કંપનીઓના આઉટસોર્સ રાત્રી દરમિયાન થાય છે. આ પછી ક્રમ આવે છે ગુજરાતના શહેર સુરતનો. જ્યાં સતત સ્ક્રીનવૉચ ટાઈમ રાત્રીનો 5 કલાક છે. પણ જે કોન્ટેટ જોવામાં આવે છે એમાં સૌથી વધારે મનોરંજનની કેટેગરી ઉપર છે.
સુરત બાદ ક્રમ આવે છે પોંડિચેરીનો. મોટાભાગના ટુરિસ્ટ રાત્રીના સમયે પોતાના વીડિયો બ્લોગ એડિટ કરે છે અને સર્ફ કરે છે. મદ્રાસ ડાયાબિટીસ સેન્ટર ફોર રિસર્ચ ફાઉન્ડેશના રિપોર્ટ અનુસાર સૌથી ઓછો સ્ક્રીનટાઈમ તમિળનાડુ રાજ્યનો છે. માંડ માંડ 3 કલાક એ પણ રાત્રે. રાયપુર એઈમ્સની ટીમ જ્યારે અહીંયા રિસર્ચ કરવા માટે આવી ત્યારે એ પણ ચોંકી ગઈ હતી. આ પાછળનું કારણ વિલેજ ઈફેક્ટ છે. ઝડપથી સૂવાનું અને વહેલા ઊઠવાનું.
આઉટ ઓફ બોક્સ
કેરળની રાજ્ય સરકારે સ્ક્રીન ટાઈમ ઘટાડવા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પૉલિસી ઘડી છે. 9 વાગ્યા બાદ સ્ક્રીન યુઝ ન થાય એવી એક્ટિવિટી સ્કૂલમાંથી અપાય છે.