Tue Aug 25 2026

Logo

રાત્રે કોઈ અજાણ્યો અવાજ આવે તો...

2026-08-22 10:40:26
Author: Deval Shashtri
રાત્રે કોઈ અજાણ્યો અવાજ આવે તો...

આપણે ગભરાઈ કેમ જઈએ છીએ? 

ઓર એ મોસમ હસીં - દેવલ શાસ્ત્રી

મધરાતનો ગાઢ સન્નાટો હોય. ઘરમાં બધું શાંત હોય. અચાનક ઉપરના રૂમમાં કંઈક ખસ્યાનો કે બારી બહાર પાંદડાં ખખડવાનો ધીમો અવાજ આવે. આપણે પથારીમાં બેઠા થઈ જઈએ. શ્વાસ સહેજ થંભી જાય. હૃદયના ધબકારા પ્લેટફોર્મ છોડતી ટે્રનની જેમ વધી જાય. એક સેક્નડમાં મન દસ દિશામાં દોડી જાય, `કોઈ ઘરમાં ઘૂસ્યું તો નથી ને?', `પવન હશે કે ખરેખર કંઈક છે?'

આવું કેમ થતું હશે? આ ભય આજનો નથી, આ તો હજારો-કરોડો વર્ષ જૂનો આપણો પોતીકો વારસો છે. માનવ વસવાટના ઈતિહાસ પર નજર કરીએ તો, લાખો વર્ષો સુધી આપણો આદિમાનવ પૂર્વજ પાકા મકાનો કે સુરક્ષિત સોસાયટીઓમાં નહોતો રહેતો. એનું ઘર એટલે કાં તો ખુલ્લું આકાશ હતું, કાં તો હિંસક પશુઓથી ઘેરાયેલી અંધારી ગુફાઓ. એ જમાનામાં રાત્રિના ઘનઘોર અંધારામાં સંભળાતા દરેક અજાણ્યા અવાજનો અર્થ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત હતો. ઝાડીમાં પાંદડાં ખખડે તો તે ફક્ત પવનથી પણ હોઈ શકે અને તરાપ મારવા તૈયાર બેઠેલો વાઘ પણ હોઈ શકે.

જે પૂર્વજોએ અવાજ સાંભળતાની સાથે જ ખતરો ધારી લીધો અને સાવધાન થઈને હથિયાર પકડી લીધા તે બચી ગયા. જે આશાવાદી બનીને એવું વિચારતા રહ્યા કે `કંઈ નહીં હોય, પવન હશે...', તેઓ ઘણીવાર બીજી સવાર જોઈ ન શક્યા.

 આપણી ઉત્ક્રાંતિએ એટલે જ આપણા મગજના ડીએનએમાં અદૃશ્ય નિયમ કંડારી દીધો, પહેલાં પૂરેપૂરો ડરી જા, તપાસ પછી નિરાંતે કરજે!

નવજાત શિશુઓ પર થયેલા અભ્યાસ મુજબ જન્મથી જ બાળકને બે જ વસ્તુ ચોંકાવે છે. અચાનક થતો મોટો અવાજ અને પડવાનો અહેસાસ. ન્યુરોસાયન્સની ભાષામાં અજાણ્યો અવાજ કાન પર અથડાય છે ત્યારે મગજનો એક ભાગ મિલિસેક્નડમાં સક્રિય થઈ જાય છે. આપણી બુદ્ધિ વિચારે એ પહેલાં તો આખા શરીરમાં કટોકટીનું એલાર્મ વાગે છે! આપણને શાંતિથી સમજાય છે કે એ તો પવનના હિસાબે બારીનો ખડખડવાનો અવાજ હતો....

માનવ મગજને ક્યારેય ખાલી જગ્યા ગમતી નથી. જ્યાં માહિતી અધૂરી હોય, ત્યાં એ પોતાની રીતે વાર્તા બનાવી દે છે. રાત્રે ઓસરીના ખૂણે લટકતાં કપડાંનું સ્ટેન્ડ કે ખુરશી પર મૂકેલો ટુવાલ પણ આપણને અજાણ્યા માણસનો પડછાયો લાગે છે. અવાજ સાંભળીએ તો પહેલાં ચોર યાદ આવે છે, બિલાડી નહિ! ભય ડિજિટલ યુગમાં પણ સાવ એ જ માટીનો રહ્યો છે, એણે પોતાનું મહોં બદલ્યું છે.

રાત્રે બે વાગ્યે મોબાઈલની સ્ક્રીન પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે, ત્યારે આપણું મન પહેલો વિચાર કોઈ ખરાબ સમાચારનો જ કેમ કરે છે? સોશ્યલ મીડિયા પર અચાનક કોઈ અફવા ફેલાય, ત્યારે લાખો લોકો તેની ચકાસણી કર્યા વગર તેને સાચી કેમ માની લે છે? કારણ કે આપણું મગજ હજુ પણ અજાણ્યાને સંભવિત આફત જ માને છે.
આ વાતમાં સૌથી સુંદર ભાગ કયો છે, ખબર છે?

 આ જ ડરના ગુણને કારણે આપણી માણસજાત હજારો-કરોડો વર્ષોનાં વાવાઝોડા સામે ટકી શકી છે! જો આપણું મગજ જંગલમાં દરેક અવાજને સાવ સામાન્ય ગણીને બેસી રહ્યું હોત તો કદાચ આજે આપણે આ પૃથ્વી પર હોત જ નહીં. આ દૃષ્ટિએ જુઓ તો, આપણો આ ભય એ આપણો કોઈ દુશ્મન નથી; એ તો આપણી ભીતરમાં સદીઓથી જીવતો સૌથી વફાદાર અંગરક્ષક છે! હા, એ વાત જુદી છે કે ક્યારેક-ક્યારેક એ જરૂર કરતાં વધુ ઉત્સાહી થઈ જાય છે.
ક્યારેક રાત્રે કોઈ અજાણ્યો અવાજ સંભળાય અને તમે એક ક્ષણ માટે ધ્રૂજી જાઓ ને ત્યારે પથારીમાં બેઠાં-બેઠાં વિચારજો કે ડરનારા તમે પોતે નથી. તમરા શરીરના કોષોની અંદર હજારો વર્ષ જૂનો, ગુફામાં રહેતો પ્રાચીન શિકારી અચાનક જાગીને ઊભો થઈ ગયો હતો. રાત્રિના અવાજની નાનકડી ઘટના આપણી અંદર છુપાયેલા કરોડો વર્ષ જૂના ઈતિહાસનાં મૂળિયાં સાથે આપણને લાવીને જોડી દે છે.

હોરર ફિલ્મ હોય કે જંગલમાં થયેલા ફિલ્માંકનમાં પ્રેક્ષકોને જકડી રાખવા અંધારામાં થતો નાનકડો અવાજ કાફી હોય છે. કશું ડરામણું આવશે એવી કલ્પના દર્શકોને આવવા લાગે છે. સિનેમામાં રાતનું અંધાં અને મ્યુઝિક એટલા માટે ડરાવી જાય છે કારણ કે એ ડર દૃશ્યનો નથી પણ ડીએનએમાં રહેલો છે.

કોવિડના કપરા દિવસોમાં થયેલા સંશોધનોનો ડેટા પણ એ જ કહે છે કે જ્યારે વાયરસ વિશે માહિતી ઓછી અને અનિશ્ચિતતા વધારે હતી, ત્યારે વિશ્વની 80 ટકા વસ્તી અફવાઓ અને જાતજાતના ષડ્યંત્રોની કાલ્પનિક વાર્તાઓ પાછળ દોડવા લાગી હતી. અજાણ્યાનો આ ડર માણસને પુરાવા નહિ, પણ મનને શાંત રાખવા માટેની કોઈ તાકીદની આભાસી `ખાતરી' શોધવા મજબૂર કરે છે. એ ભય પાછળ છુપાયેલા કુદરતના નિયમને જોવો અને આ જિંદગીના રોમાંચને કોઈ પણ પૂર્વગ્રહ વગર માણી લેવો...                                                          

ધ એન્ડ 

  તમે ડરથી ડરશો નહીં. એ તમને ડરાવવા માટે નથી. ડર એક જ વાત શીખવે છે કે દુનિયામાં દરેક વસ્તુઓની કિમત હોય છે. 

-સી જોયબોલ