Sat Aug 22 2026

Logo

હું, સોનલ ઝવેરી

2026-08-22 10:28:13
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

પ્રકરણ-41

મતલબ જે જોખમી હતું તે બધું મેં તમારી બેગમાં નાખી દીધું છે. ઈન્જિનિયરસાહેબ, તમારી બેગ જે અત્યારે ત્યાં લગેજના ઢગલામાં પડી હશે જેમાં કરોડોના હીરા છે...!

કાર દિલ્હીના રસ્તા ઉપર દોડી રહી હતી. કાર ચલાવી રહેલી સોનલના કપાળ ઉપર સળ પડતા હતા. સનતે સોનલ સામે જોયું. સોનલના કપડાં ધૂળથી ખરડાયા હતા. આછા પેન્ટ ઉપર માટીના ડાઘ દેખાતા હતા. સોનલે સનત સામે જોયા વગર જ કહ્યું, `મારી પર્સમાં એક સાદો ફોન છે. એમાંથી સીમ કાઢો અને જુઓ બીજો એક સીમ ક્યાંક અંદર જ છે એ નાખો. તમારો ફોન ઓન કરી એરપોર્ટ રૂટ સર્ચ કરો. વોઈસ ઓન રાખજો. કોઈ ફોન આવે તો ઉપાડતા નહીં. પ્લીઝ હરી અપ.' સનત સોનલ સામે જોઈ રહ્યો. તેણે જરા ઉતાવળે પૂછી નાખ્યું, `આપણે ક્યાં જઈ રહ્યા છીએ?'

`દિલ્હી એરપોર્ટ જઈએ છીએ. સાંભળ્યું નહીં?' કહ્યું એ જલદી કરો.

કાર એકધારી ભાગતી રહી. અચાનક સનતને ઘડિયાળ જોવાનું મન થયું. બરાબર સાડા ચાર વાગવા આવ્યા હતા. સનતે સોનલના પર્સમાં ખાંખાખોળા કરીને સીમ શોધીને બદલાવ્યું. કાર હવે ઉત્તર બાજુ જતી હતી. સનતે પોતાનો ફોન ઓન કરીને એરપોર્ટ રૂટ સર્ચ કર્યું. એરપોર્ટ હજુ એકસો ત્રીસ કિલોમીટર દૂર બતાવતું હતું. સોનલની ચૂપકિદીથી સનત અકળાતો હતો. તેણે જરા અકળાઈને કહ્યું, `પણ કહે તો ખરી તું કરવા શું માગે છે? એરપોર્ટ જઈને ક્યાં જવાનું છે?'  
`ચિંતા ન કરો. તમને કંઈ થવા નહીં દઉં. એકવાર મને એરપોર્ટ પહોંચવા દો. પ્લીઝ હમણાં કોઈ પ્રશ્ન ન કરો. તમને ખબર નથી કે મારા માટે કેટલી જાળ પાથરેલી હશે. આ કાર જેની છે એ માણસ કેવો ખતરનાક છે એનો અંદાજ તમને નહીં હોય. મારા સદ્ભાગ્ય કે આજે હું જીવતી છું અને સલામત છું. એરપોર્ટ ઉપર એમના માણસો નહીં હોય એની ખાતરી નથી. એકવાર આપણે એરપોર્ટ પહોંચી જઈએ પછી ચિંતા નથી.' 

`પણ આ કારનું શું કરશું ?' 

સોનલ હસી પડી. ઘણા સમય બાદ તે હસી હતી. સનતને ગમ્યું. સોનલે હસતા હસતાં જ કહ્યું, `કાર એરપોર્ટ ઉપર જ છોડી દઈશું બીજું શું કરવાનું હતું. તમારે કચ્છ લઈ જવાનો વિચાર છે? તો લઈ જજો.' લગભગ દોઢ કલાક પછી દિલ્હી નજીક આવતું જણાયું. હજુ ટ્રાફિક ન હતો. રસ્તામાં એરપોર્ટના માર્કેશન દેખાવા માંડ્યા. સનતને વિચારમાં પડી ગયેલો જોઈ સોનલે પૂછ્યું, `બીક લાગે છે? પલાળ્યું છે તો મૂંડાવજો હવે. કોણે કહ્યું હતું ફિલ્મી હીરોની જેમ કૂદી પડવાનું?'
સનત માંદલું હસ્યો. સોનલ શું કરવા માગે છે તે હજુ તેને સમજાતું ન હતું. તેમ છતાં તેને એમ લાગતું હતું કે સોનલ છે તો પોતે સલામત છે. વીસેક મિનિટ પછી દૂરથી દિલ્હીનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેખાવા માંડ્યું. સનત અહીં પહેલીવાર આવ્યો હતો. કાર એરપોર્ટની અંદર પ્રવેશી. સોનલે ધીમેથી કહ્યું, `સાંભળો બેય બેગ હાથમાં રાખો. ઝડપથી આપણે બુકિંગ ઑફિસ પાસે પહોંચી જવાનું છે. હું કાર પાર્ક કરી ચાવી અંદર જ છોડી દઈશ. તમે મને ફોલો કરજો.' 

આજુબાજુ અનેક કારનો જમેલો હતો. સોનલે કાર પાર્ક કરી ચારે તરફ જોઈ લીધું. ગભરાયા વગર ચાવી કાઢી અને સીટ ઉપર મૂકી દીધી અને દરવાજાને ધક્કો માર્યો. હજુ સાડા સાત વાગ્યા હતા તોય તડકો આકરો લાગતો હતો. સોનલે બુકિંગ કાઉન્ટર ઉપર પહોંચીને પૂછપરછ કરી તો સાડા નવ વાગે મુંબઈની ફ્લાઈટ હતી. તેણે તરત બે ટિકિટ લીધી અને પાછળ ઊભેલા સનતનો હાથ પકડી દોરતી હોય તેમ અંદર લઈ આવી. ઊંડા શ્વાસ લઈ તેણે સનત સામે જોયું અને અચાનક હાથ દબાવ્યો. સોનલે કહ્યું, `મારી બેગ લાવો. હું જરા ફ્રેશ થઈ આવું પછી તમે જઈ આવજો. મને હવે કોઈ શક્યતા નથી લાગતી પણ ઈન કેસ કશું થાય તો તમે દૂર રહેજો.' તેણે એક ખુરશી ઉપર બેસી પોતાની બેગ ખોલી કપડાં અને ટુવાલ કાઢ્યા. રીફ્રેશ રૂમ તરફ જઈ રહેલી સોનલના થરકતા નિતંબને જોઈ રહેતાં સનતને થયું બે દિવસમાં કેવું કેવું બનીગયું. બિલકુલ ફિલ્મોમાં બને એવું. ક્યાંની સોનલ, ક્યાંનો હું. કુદરતે કેવા સંજોગો ઊભા કરી દે છે. એક ખૂબસૂરત છોકરી, કરોડોની માલિક પોતાની સાથે રાત રોકાઈ. સપના જેવું લાગે છે. જો આગલા દિવસે મેં તેની બેગ મોકલાવી દીધી હોત તો અત્યારે સોનલનું શું થયું હોત? હજુ એ શું કરવા માગે છે તેની ખબર નથી. કાલે તો નોકરી ઉપર હાજર થવાનું છે. હાજર ન થાઉં તોય જાણ કરવી પડશે. સારું થયું સોનલ કાર લઈને મારી પાસે આવી. એ મને લેવા ન આવી હોત તો એકલો દિલ્હી કઈ રીતે અને ક્યારે પહોંચ્યો હોત? અચાનક સોનલના ફોનની રીંગ વાગી. તેણે બેગ ખોલીને જોયું. અજાણ્યા નંબર હતા. તેના હાથ ધ્રુજી ગયા. આસપાસથી પસાર થઈ જતા માણસોમાં તેને ભેરુજીના માણસો દેખાવા લાગ્યા. સોનલને ખાસ્સી પંદરેક મિનિટ લાગી. સનત સોનલના તાજા દેખાતા ચહેરા સામે જોઈ રહ્યો. સોનલની આંખોમાં ઉજાગરો અને થાક દેખાતા હતા. તેણે એજ પેન્ટ ઉપર ટી શર્ટ બદલાવ્યું હતું. સનતે કહ્યું, `તમારો ફોન આવ્યો હતો. અજાણ્યા નંબર હતા.' `ઓકે વાંધો નહીં. તમે જલદી ફ્રેશ થઇ જાવ. પછી બોર્ડિંગ પાસ લઈ લઈએ. અરે હા, તમે કહેતા હતા ને કે તમારી પાસે કોઈ હથિયાર છે. એ બેગમાં છે?' 

સનતે હસી પડતાં કહ્યું. `છે નહીં, હતું. આવીને વાત કરું. મારે નાહવું નથી. જરા મોં ધોઈને હમણાં આવું. આંખો બળે છે અને કશું ખાવું પડશે. બહુ ભૂખ લાગી છે.'  

મારી સ્થિતિ શું હશે? કાલથી કશું નથી ખાધું. મારું શરીર કયા બળ ઉપર ચાલે છે તે સમજાતું નથી. સનત તરત પાછો આવ્યો. સોનલે કહ્યું, `ચાલો પહેલા કોફી પીએ. ત્યાં ઊભા રહીને વાત કરશું. એકવાર બોર્ડિંગ પાસ મળી જાય તો વેઈટિંગ ઝોનમાં જતા રહીએ એટલે કોઈ ચિંતા નહીં.' સનતને કંઈ સમજાતું ન હોય તેમ સોનલને જોઈ રહ્યો. સોનલે બેગ ઉપાડી તો સનતે લઈ લીધી. સોનલ કંઈ બોલ્યા વગર માત્ર હસી. સોનલે કડક કોફી લીધી. ચુસ્કી ભરતા કહ્યું, `હવે કામની વાતો કરી લઈએ. પહેલા તો તમે ફોન કરીને જેટલા દિવસ તમને મજા આવે એટલા દિવસની રજાની જાણ કરી દો. આપણે બેય મુંબઈ જઈએ છીએ. તમે મુંબઈ નથી જોયું ને? ચાલો બતાવું. બાય ધ વે પ્લેનમાં બેઠા છો કે પહેલીવાર બેસવાના છો?' 

`મારી લાઈફમાં બધું પહેલીવાર થઈ રહ્યું છે. સપના જેવું લાગે છે. મને કદી કલ્પના પણ આવી ન હતી કે આવું કશું બને.'

`મારી જિંદગીના સૌથી ખરાબ દિવસો છે કદાચ. તમને અંદાજ નહીં આવે કે ગઈ કાલે કઈ રીતે મેં એમને ફેસ કર્યા છે. એક યુવાન છોકરી હોય એને જ સમજાય કે વરુઓ જેવા પુરુષો વચ્ચે ફસાઈ જવું એટલે શું? ઈશ્વર મારા ભેગો છે, સતત મારી રક્ષા કરે છે એનો વધુ એક પૂરાવો મળ્યો. નહીંતર ટિકિટના પૈસા પણ તમારી પાસેથી લેવા પડત. તમને ખબર છે મેં ટિકિટ લીધી એ પૈસા ભેરુજીના છે.' 

`એટલે?' 

`અરે યાર કાલે રાતે કારના અંદરના ડ્રોઅર ખોલ્યા તો બે કવર નીકળ્યા. એક કવરમાં પૈસા હતા. મારી પાસે પૈસા એટલા નહોતા. એટલે મેં રાખી લીધા. કેટલા છે ખબર છે? પૂરા પચાસ હજાર. મને એ સાત ભવ સુધી ગાળો દેશે.' 

`અરે ! વાહ, કાર એની, પૈસા પણ એના. કમાલ છે. અચ્છા બીજા કવરમાં શું હતું ?' 

`અરે એ તો જોયું જ નથી. ઠીક છે પ્લેન ટેકઓફ થશે પછી વાત. અચ્છા તમે પેલી હથિયારવાળી વાત કરો તો.' 
સનતની આંખોમાં ચમક આવી. તેણે કઈ રીતે ડ્રાઈવરને છંછેડ્યો, કઈ રીતે તે હઠ કરીને બહાર બેસી રહ્યો. કઈ રીતે ડ્રાઈવરની બેગમાંથી પિસ્ટલ કાઢી લીધી અને સવારે પેલી અવાવરુ જગ્યાએ મૂકી દીધી એ બધી જ વાત કરી. 

સોનલ આંખો પહોળી કરીને સનતને જોઈ રહી. તેને માન્યામાં આવતું ન હોય તેમ જોઈ રહી હતી. તેણે બૂટના ટોથી સનતના પગનો પંજો દબાવતા કહ્યું, `સારું કર્યું ત્યાં મૂકી દીધી. અહીં લઈ આવ્યા હોત તો મોટી ઉપાધિ થાત.  કહું છું ને કે ઈશ્વર આપણી સાથે છે. ચાલો હવે આપણો સમય થાય છે. બોર્ડિંગ પાસ લઈ લઈએ. પછી અંદર ચાલ્યા જઈએ. બાકીની વાતો ત્યાં કરશું.' સ્પીકર પરથી કોઈ વિમાનની જાહેરાત થઈ રહી હતી. બોર્ડિંગ પાસની લાઈનમાં બેય ઊભા રહ્યા. લગેજ વગેરેની વિધી પતાવી બંને પોલીસ ચેકિંગ પતાવી અંદર આવ્યા કે સોનલે સનતનો હાથ પકડીને એક ખુરશી ઉપર બેસાડી દેતાં કહ્યું. `ચાલો તમે તમારા અધિકારી કે જે કોઈ હોય એને તમે ચાર દિવસ હાજર નહીં થાવ એવું કહી દો. પછી હું મારું કામ કરું.' 

સનતે ફોન કાઢ્યો તે વખતે જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સોનલ અને સનતે ફોન સામે જોયા કર્યું. સોનલે કહ્યું, `આજે થોડા કલાક કોઈ અજાણ્યા નંબરનો ફોન ઉપાડતા નહીં. મુંબઈ પહોંચી જઈએ પછી લડી લેવાશે'. સોનલ પોતાના ફોનમાં સીમ બદલતી રહી. તેણે એક નાનો ફોન કાઢ્યો. સનતને બતાવતાં બોલી, `જુઓ કુદરત કેવો ખેલ કરે છે? પેલી કારમાંથી માત્ર મેં કવર નથી ઉપાડ્યા, આ ફોન પણ ઉપાડી લીધો છે. હવે કાલે આ ફોન બધા રાઝ ખોલશે. સમજ્યા મિસ્ટર ઈન્જિનિયર.' 

`બહુ ખતરનાક છો હો.' 

`પોતાના ઉપર ખતરો આવે ત્યારે કોઈ પણ ખતરનાક બની જાય. બાય ધ વે મને એ કહો કે કાલે તમે પેલાને શું કહીને સોદો કરવા તૈયાર થયા હતા.'

`અરે હા યાર, યાદ આવ્યું. મને એમ લાગ્યું કે તારી બેગમાં એવી કોઈ ચીજ છે જે એ લોકો માટે અગત્યની છે. પણ તારી બેગ મેં જોઈ. એમાં એવું કશું નહોતું. તો એ લોકોને જોઈતું શું હતું?' 

સોનલ સનતની આંખોમાં જોઈને જરા હસી. પછી ખુલ્લા મેદાનમાં કોઈ પક્ષીની જેમ ધીમે ધીમે સરતા વિમાન સામે જોઈ રહેતાં બોલી. `એમના માટે તો ઘણું બધું અગત્યનું હતું, પણ મારી ધારણા સાચી નીકળી. મને અંદાજ હતો કે તમે તમારી બેગ નહીં જુઓ.' 

`મતલબ?'

`મતલબ જે જોખમી હતું તે બધું મેં તમારી બેગમાં નાખી દીધું છે. ઈન્જિનિયરસાહેબ, તમારી બેગ જે અત્યારે ત્યાં લગેજના ઢગલામાં પડી હશે જેમાં કરોડોના હીરા છે. જોકે હું જ નહીં રત્નાકરજી પણ દુશ્મનોને સમજવામાં થાપ ખાઈ ગયા. દાદાજીના લોકરમાં જે કંઈ હતું તે પાલનપુરના લોકરમાં રાખવાનું હતું. મારી આળસ ગણો કે બેદરકારી એ મેં મૂક્યું ન હતું. વિચાર કરો એ લોકોએ ઝીણી ઝીણી કેટલી ખબર રાખી હશે? હું ક્યાં જાઉં છું, શું કરું છું એની રજેરજની માહિતી એ લોકો પાસે છે. કાલે જો સપડાઈ ગયા હોત તો એ હીરા તો જાત, આપણે બેય જીવતા ન હોત. તમે તો કારણ વગર મર્યા હોત.' 

સનત આંખો પહોળી કરીને જોઈ રહ્યો. સોનલ ફોન લઈને દૂર જઈને વાત કરવા લાગી. તેની વાત ખાસ્સી વીસેક મિનિટ ચાલી. તે પાછી સનત પાસે આવી એજ વખતે મુંબઈની ફ્લાઈટની જાહેરાત થઈ. સનતને રોમાંચ થતો હતો. તે સોનલનો હાથ પકડીને ચાલવા લાગ્યો. સોનલે હાથ ન છોડાવ્યો.