કૉલકાતાઃ પશ્ચિમ બંગાળની કમાન હવે સુવેંદુ અધિકારી સંભાળવા માટે જઈ રહ્યા છે. આ સાથે અગ્નિમિત્રા પોલ અને નિસિથ પ્રમાણિકને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આ ત્રણેય વ્યક્તિના નામ પર મહોર મારવામાં આવી છે. આ ત્રણેય વ્યક્તિ આવતીકાલે શનિવારના રોજ શપથ લેશે. આ પહેલા સુવેંદુ અધિકારી રાજ્યપાલની મુલાકાત લેશે અને સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરશે.
વડા પ્રધાન મોદી પર ભરોસો વ્યક્ત કર્યો
શાહે કહ્યું હતું કે, બંગાળની જનતાએ વડા પ્રધાન મોદી પર ભરોસો વ્યક્ત કર્યો છે. હું બે હાથ જોડીને બંગાળના નાગરિકોનો આભાર વ્યક્ત કરૂ છું. હિંસાના માહોલ વચ્ચે રાજ્યની પ્રજાએ પ્રચંડ જનાદેશ આપ્યો છે. 321 દેવતુલ્ય કાર્યકર્તાઓનું આ બલિદાન છે. આજે ગંગાથી ગંગાસાગર સુધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે. હવે ભાજપે વિનમ્રતાથી જવાબદારી નિભાવવી પડશે.
રવિન્દ્ર જયંતિના પવિત્ર અવસર પર સવારે 10 વાગ્યે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ખાસ હાજરી આપશે. આ સાથે એનડીએ શાસિત 20 રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. રવિન્દ્ર જયંતિના અવસર પર શપથગ્રહણ સમારોહમાં બંગાળના અનેક એવા રંગોની ઝલક જોવા મળશે.
આ લોકો બની શકે છે મંત્રી
દીલિપ ઘોષ, શંકર ઘોષ, સ્વપન દાસગુપ્તા, નિસિથ પ્રમાણિક, જિતેન્દ્ર તિવારી, શરવત મુખર્જી મંત્રી બની શકે છે.જ્યારે નિલાદ્રી શેખર અને પ્રણત ટુડુને પણ મંત્રી પદની જવાબદારી મળી શકે છે. રૂદ્રનીલ ઘોષ, દુધકુમાર મંડલ અને બંકીન ઘોષ મંત્રી બની શકે છે. મુખ્યમંત્રી તરીકે અનેક એવા નામની ચર્ચા હતી પણ સુવેંદુ આ રેસમાં સૌથી આગળ રહ્યા હતા.
ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ એવું કહેવાઈ રહ્યું હતું કે, હવે સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. રાજ્યમાં પાર્ટીને જીત અપાવવામાં એમનું મોટુ યોગદાન છે. આ સિવાય તેઓ ઘણા વર્ષો સુધી બંગાળમાં ભાજપ માટે કામ કરતા રહ્યા છે.
આ કારણે પસંદગી કરાઈ
રાજ્યમાં કામ કરવાના અનુભવ અને પક્ષમાં એમના કદને ધ્યાન રાખીને એમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આસનસોલ દક્ષિણ વિસ્તારમાંથી જીતનારી અગ્નિમિત્રા પોલે ભવ્ય જીત મેળવી છે.જ્યારે નિસિથ પ્રમાણિકે માથાભાંગા વિધાનસભા સીટ પરથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. કુલ મળીને 207 બેઠક પર પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું હતું. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠક પર સમેટાઈ ગઈ હતી.
અગ્નિમિત્રા પોલને નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર બનાવવા માટે જઈ રહ્યો છે. નવી ઈનિગ્સને લઈને અનેક જવાબદારીઓ સાથે વિકાસ અને નાગરિકોની અપેક્ષા પર ખરા ઊતરવાની કસોટી હવે ચૂંટાયેલા નેતાઓની શરૂ થઈ રહી છે.