ગ્રેટ બ્રિટનની મહારાણીના ડાયનિંગ ટેબલ સુધી પહોંચતી કેસર આ વર્ષે સામાન્ય નાગરિકો માટે બનશે દુર્લભ; ખેડૂતોમાં ચિંતા
ભુજઃ પોતાની આગવી મીઠાશ અને સોડમ માટે વિશ્વભરમાં વિખ્યાત એવી 'કચ્છી કેસર' કેરીના રસીયાઓ માટે આ વર્ષે માઠા સમાચાર છે. ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદના એકધારા આક્રમણને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન તળિયે બેસી ગયું છે, જેના પરિણામે બજારમાં કેરીના ભાવ આસમાને પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સામાન્ય રીતે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન આંબાના વૃક્ષો પર મોર (ફૂલ) બેસવાની પ્રક્રિયા થતી હોય છે. પરંતુ આ વર્ષે શિયાળા દરમિયાન વારંવાર બદલાયેલું વિષમ વાતાવરણ, તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને કરા સાથેના કમોસમી વરસાદને કારણે આંબા પરથી મોટાભાગના ફૂલ ખરી પડ્યા હતા. જે ફળ બેઠા હતા, તે પણ ચૈત્ર માસના વાવાઝોડા જેવા પવનમાં ખરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિકૂળ હવામાનને કારણે માત્ર કેસર કેરી જ નહીં, પરંતુ દાડમ, રાયણ અને મીઠી આંબલી જેવા બાગાયતી પાકોમાં માંડ ૧૫ થી ૨૦ ટકા જેટલો જ ઉતારો આવવાની ધારણા છે. જે ઉત્તમ ક્વોલિટીનો માલ વિદેશ અને દેશના અન્ય રાજ્યોમાં નિકાસ થતો હતો, તેની અછત સર્જાતા ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડશે.
કચ્છમાં બાગાયતી પાકો ઉપરાંત પીલુ, લિયાર અને રાયણ જેવા વન્ય ફળોની ઉપજ પરથી સ્થાનિકો આગામી ચોમાસાના વર્તારાનું અનુમાન લગાવતા હોય છે. પરંતુ આ વર્ષે આવા તળપદા ફળોની પેદાશ પણ નહિવત હોવાથી પર્યાવરણ અને વરસાદી ચક્ર પર તેની કેવી અસર થશે તે ચિંતાનો વિષય બન્યો છે. જગતનો તાત અત્યારે સરકાર પાસે આ નુકસાની સામે રાહતની આશા રાખી રહ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)