ચેન્નઈઃ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજયની પાર્ટી ટીવીકે એ ખૂબ જ સારૂ પ્રદર્શન રહ્યું હતું. વિજયની ટીવીકે પાર્ટીએ પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો પર વિજય મેળવ્યો છે. જોકે, સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર હોય છે. વિજય રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પાસે બે વખત જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી ચૂક્યો હતો, પરંતુ રાજ્યપાલે 118 ધારાસભ્યોનું સમર્થનની સહી સાથે આવવા માટે કહ્યું છે. હાલના તબક્કે સરકાર બનાવવા માટે માર્ગ મોકળી બની ગયો છે, પરંતુ 32 વર્ષ જૂનો એક કેસનો ચુકાદો ચર્ચામાં આવી ગયો છે.
બોમ્મઈનો કેસ ખરેખર એક ઐતિહાસિક ઉદાહરણ
ભારતીય બંધારણીય ઈતિહાસમાં એસ.આર. બોમ્મઈનો કેસ ખરેખર એક ઐતિહાસિક ઉદાહરણ છે. આ મામલો માત્ર કર્ણાટકના રાજકારણ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તેણે નક્કી કર્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ કોઈ ચૂંટાયેલી રાજ્ય સરકારને મનસ્વી રીતે ઉથલાવી શકે નહીં. આ મામલાની શરૂઆત 1980ના દાયકાના અંતમાં કર્ણાટકથી થઈ હતી.
વર્ષ 1985માં જનતા દળે રાજ્યમાં સરકાર બનાવી અને રામકૃષ્ણ હેગડે મુખ્ય પ્રધાન હતા. બાદમાં રાજકીય સંજોગો બદલાયા અને 1988માં એસ. આર. બોમ્મઈ મુખ્ય પ્રધાન બન્યા હતાં. પછી બન્યું એવું કે, જનતા દળના કેટલાક ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું એટલે રાજ્યપાલે માની લીધું કે બોમ્મઈ સરકાર પાસે બહુમતી નથી. જોકે, બોમ્મઈએ ફ્લોટ ટેસ્ટની માંગણી કરી પરંતુ રાજ્યપાલે ફગાવી દીધી અને અનુચ્છેદ 356નો ઉપયોગ કરીને સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું.
બોમ્મઈ સરકારને બરખાસ્ત કરી નાખી હતી
થોડા સમય પછી જનતા દળના કેટલાક ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી અને સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો દાવો કર્યો. તેના આધારે રાજ્યપાલે માની લીધું કે બોમ્મઈ સરકાર પાસે બહુમતી નથી. બોમ્મઈ દ્વારા વિધાનસભામાં 'ફ્લોર ટેસ્ટ' (બહુમતી સાબિત કરવાની પ્રક્રિયા) કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં, રાજ્યપાલે તે ફગાવી દીધી. તરત જ અનુચ્છેદ 356 નો ઉપયોગ કરીને સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
આર્ટિકલ 356 કલમનો દુરુપયોગ થયો હતો?
હવે મૂળ વાત એ છે કે, આર્ટિકલ 356 કલમનો દુરુપયોગ થયો હોવાનો કેસ થયો અને છેવટે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 1994માં ચુકાદો આપતા કહ્યું કે, કોઈ રાજ્ય સરકારની બહુમતીનો નિર્ણય રાજ્યપાલના વ્યક્તિગત અભિપ્રાયથી નહીં, પરંતુ વિધાનસભાના ફ્લોર પર થવો જોઈએ. એટલે કે, જો મુખ્ય પ્રધાનની બહુમતી પર શંકા હોય, તો તેનું પરીક્ષણ વિધાનસભામાં મતદાન દ્વારા જ કરવામાં આવશે.
સાથે સુપ્રીમ કોર્ટે એ પણ નક્કી કર્યું કે, આર્ટિકલ 356 હેઠળ રાષ્ટ્રપતિની સત્તા અમર્યાદિત નથી. જો રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય મનસ્વી જણાશે, તો અદાલત તેને રદ કરી શકે છે. આ ચુકાદાએ ભારતીય લોકશાહીમાં 'ફ્લોર ટેસ્ટ' ને બંધારણીય પરંપરાનો અનિવાર્ય હિસ્સો બનાવી દીધો હતો.