Fri May 08 2026

Logo

ડૉલર સામે રૂપિયો વધુ 27 પૈસા મજબૂત

2026-05-07 19:45:32
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 100 ડૉલરની નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવામાં ઘટાડો થવાની શક્યતા તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 27 પૈસા મજબૂત થઈને 94.22ના મથાળે રહ્યો હતો. જોકે, હાજર બજારમાં ડૉલરમાં આયાતકારોની લેવાલી, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.49ના બંધ સામે સુધારાના અન્ડરટોને 94.77ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.90 અને ઉપરમાં 94.08 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 27 પૈસાના સુધારા સાથે 94.22ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 69 પૈસાનો ઊછાળો આવ્યો હતો. 

હાલના તબક્કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ હળવાં થવાનો આશાવાદ સપાટી પર આવવાની સાથે વૈશ્વિક સ્તરે જોખમો હળવા થવાથી ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહેતું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા છે. તેમ છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી સુધારો મર્યાદિત રાખી શકે છે અને ડૉલર સામે રૂપિયો 93.80થી 94.40 આસપાસની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.  

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.16 ટકા ઘટીને 97.86 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.23 ટકા ઘટીને બેરલદીઠ 99.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે 114 પૉઈન્ટના અને 4.30 પૉઈન્ટના ઘટાડા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5834.90 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.