Fri May 08 2026

Logo

વિશ્વ થેલેસેમિયા દિવસ 2026: થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાઈટેક પહેલ

2026-05-08 17:45:10
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: દર વર્ષે 8 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026 માટે આ દિવસની થીમ "Hidden No More: Finding the Undiagnosed. Supporting the Unseen" રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ દરેક અજાણ્યા દર્દી સુધી પહોંચી તેમને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવાનો છે.

થેલેસેમિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય

આરોગ્ય રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર 'થેલેસેમિયા મુક્ત ગુજરાત' બનાવવા માટે કટિબદ્ધ છે. આ મિશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ આધુનિક સારવાર અને જાગૃતિ દ્વારા આશાનું કિરણ બનીને ઉભરી છે.

સિવિલ હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં લ્યુકો-ડિપ્લિટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ચેલેશન થેરાપી જેવી અદ્યતન સેવાઓ શરૂ કરવામાં સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે.

બ્લડ ટ્રાન્સફ્યુઝનની વાત કરવામાં આવે તો, દર મંગળવાર અને ગુરુવારે અંદાજે 81 બાળકોને લોહી ચઢાવવામાં આવે છે. આડઅસરો રોકવા માટે અહીં 'લ્યુકો-ડિપ્લિટેડ પેક્ડ સેલ વોલ્યુમ'નો ઉપયોગ થાય છે. શરીરમાં આયર્નનું પ્રમાણ ઘટાડવા માટે Deferasirox અને Deferiprone જેવી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સાથે કાયમી સારવાર માટે નિષ્ણાતો દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT)અંગે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.

જાગૃતિ એ જ શ્રેષ્ઠ નિવારણ

પીડિયાટ્રીક વિભાગના વડા ડો. જોલી વૈષ્ણવે જણાવ્યું કે થેલેસેમિયા એ વારસાગત રક્તરોગ છે. તેનાથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં લગ્ન પહેલાં યુવક-યુવતીએ થેલેસેમિયા ટેસ્ટ (HPLC) કરાવવો, ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ તપાસ કરાવવી અને પરિવારના અન્ય સભ્યોનું સ્ક્રીનીંગ કરાવવું અને HPLC ટેસ્ટ દ્વારા કેરિયર સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. 

આ વર્ષે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આઇએચબીટી વિભાગના વડા ડો. નિધિ ભટનાગરના જણાવ્યા મુજબ, અંદાજે 5000 જેટલા આરોગ્ય કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે જેથી તેઓ સમાજમાં વધુ સારી રીતે જાગૃતિ લાવી શકે. થેલેસેમિયા કોઈ ચેપી રોગ નથી, પરંતુ તે પેઢી દર પેઢી ઉતરતો રોગ છે. જો લગ્ન પહેલાં માત્ર એક ટેસ્ટ કરાવવામાં આવે, તો આવનારી પેઢીને આ ગંભીર બીમારીથી બચાવી શકાય છે. 'જાગૃતિ એ જ બચાવ'ના મંત્ર સાથે સિવિલ હોસ્પિટલ આજે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.