Fri May 08 2026

Logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ આવશે ગુજરાત પ્રવાસે: સોમનાથમાં મહાપૂજા અને વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરશે

2026-05-08 17:28:08
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે.  સરદાર પટેલના સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નને સાકાર થયાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ વિરાસત કે 75 સાલ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન 10 મેના રોજ રાત્રે હૈદરાબાદથી સીધા જામનગર પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે સવારે સોમનાથ જવા રવાના થશે. 11 મેના રોજ સવારે વડાપ્રધાન સોમનાથ પહોંચશે અને  હેલીપેડથી મંદિર સુધી એક કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. 

સોમનાથ મંદિરમાં તેઓ કુંભ અભિષેક, ધ્વજા પૂજા, મહાપૂજા અને મૃત્યુંજય મંત્રના જાપ જેવા ધાર્મિક વિધિ-વિધાનમાં સહભાગી થશે. આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો એર શો રહેશે, જે પ્રભાસ ક્ષેત્રમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. સોમનાથના સદ્દભાવના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન એક જંગી જનસભાને પણ સંબોધિત કરવાના છે. જો કે આ દરમિયાન બંગાળી સમાજના લોકો તેમના સ્વાગતમાં સહભાગી થવાના છે.

સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન રાજકોટ થઈ સાંજે વડોદરા પહોંચશે. વડોદરામાં તેઓ સરદારધામ યુનિટનું ઉદ્ઘાટન કરવાના છે. વડોદરાના ગોલ્ડન સર્કલથી મોતીભાઈ સર્કલ સુધી દોઢેક કિલોમીટરનો રોડ શો યોજાશે, જે વડોદરા એરપોર્ટ પર પૂર્ણ થશે તેમજ ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.