ચેન્નઈ: તમિલનાડુમાં નવી સરકારની રચના અંગે ચાલી રહેલી મડાગાંઠ અંતે ઉકેલાઈ ગઈ છે. અહેવાલ મુજબ બે દિવસના રાજકીય વિવાદ બાદ CPM, CPI અને CVK એ થલાપતિ વિજયની આગેવાની હેઠળની TVK પાર્ટીને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. આ ત્રણેય પક્ષોના સમર્થનથી TVK બહુમતીના આંકડા સુધી પહોંચી શકે એમ છે.
અહેવાલ મુજબ વિજય રાજ્યમાં સરકાર બનાવવાના દાવા સાથે આજે સાંજે ત્રીજી વખત રાજ્યપાલને મળવા જશે.
તાજેતરમાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVKએ 108 બેઠકો પર જીત મેળવી, વિજયે બે બેઠકો પર જીત મેળવી હતી, તેથી એક ખાલી કરવી પડશે. આમ TVK પાસે કુલ 107 વિધાનસભ્યો છે. જ્યારે સરકાર માટે 118 વિધાનસભ્યોનું સમર્થન જરૂરી છે. કોંગ્રેસના પાસે પાંચ વિધાનસભ્યો છે, જેમણે પહેલાથી જ TVKને ટેકો આપવાની તૈયારી બતાવી હતી. હવે CPM, CPI અને CVK એ ત્રણેય પક્ષો પાસે બે-બે વિધાન સભ્યો છે. આ ત્રણેય વિધાન સભ્યોના સમર્થન બાદ વિજય પાસે 118 વિધાનસભ્યો થશે.
આ સંખ્યા સાથે TVK સરકાર રચવાનો દાવો કરી શકે છે, આ સાથે બે દિવસથી રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે TVKના મતભેદોનો અંત આવશે. આજે સાંજે વિજયે આજે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે, વિજય ફરી એકવાર સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
અહેવાલ મુજબ TVKને સમર્થન આપનારા તમામ પક્ષો એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરશે જેમાં તેઓ સત્તાવાર રીતે તેમના નિર્ણયની જાહેરાત કરશે.