Fri May 08 2026

Logo

અલવરમાં ચમત્કારઃ સ્મશાન જવાની તૈયારી હતી અને અચાનક જીવતા થયા વૃદ્ધા...

2026-05-08 18:15:38
Author: Vimal Prajapati
Article Image

અલવરઃ રાજસ્થાનના અલવરના રામજી કા ગ્વાડા ગામમાં એક એવી ઘટના બની છે, જેણે તબીબી વિજ્ઞાન અને ગ્રામીણ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. જે વૃદ્ધ મહિલાને પરિવારે મૃત માની લીધા હતા અને અંતિમસંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, તે મહિલા અચાનક જીવતી થઈ ઉઠતા આખું ગામ આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું. પરિવાર દ્વારા વૃદ્ધાની અંતિમ વિધિ શરુ કરી દેવામાં આવી હતું. પરંતુ વૃદ્ધામાં અચાનક જીવ આવી ગયો અને હલચલ કરવા લાગ્યાં જેથી મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

શું હતી સમગ્ર ઘટના?

વિગતે વાત કરવામાં આવે તો 65 વર્ષીય ચમેલી દેવીની તબિયત મંગળવાર રાત્રે અચાનક બગડી હતી. શ્વાસની ગતિ એટલી ધીમી પડી ગઈ અને શરીરમાં કોઈ હલચલ ના થતી હોવાથી ડૉક્ટરે તેમના મૃત જાહેર કર્યાં હતાં. શોકગ્રસ્ત પરિવાર દ્વારા અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરીને સંબંધીઓને જાણ કરી દેવામાં આવી. આખું ગામ શોકમાં ડૂબેલું હતું. બુધવારે સવારે જ્યારે અંતિમ યાત્રા કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી અને લોકો અંતિમ દર્શન માટે એકઠા થયા હતા, ત્યારે અચાનક ચમેલી દેવીના પગમાં હલચલ જોવા મળી. પહેલા તો લોકોને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે ફરીથી મૂવમેન્ટ થઈ ત્યારે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક દૌસા જિલ્લા હોસ્પિટલ લઈ દોડ્યા હતા. 

ડોક્ટરોએ શું કહ્યું?

દૌસા જિલ્લા હોસ્પિટલના PMO ડો. આર.કે. મીણાએ જણાવ્યું કે, વૃદ્ધાની શ્વાસ લેવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ હતી, જેથી તેમને મોત થયું તેવું સમજી લેવામાં આવ્યં હતું. હોસ્પિટલમાં સીટી સ્કેન નોર્મલ આવ્યું છે, પરંતુ બ્લડમાં ઈન્ફેક્શન જોવા મળ્યું છે. હાલમાં મહિલા આઈસીયુમાં છે અને તેમની હાલતમાં સુધારો છે. એટલું જ નહીં પરંતુ તેઓ હવે ચાલી-ફરી પણ શકે છે.

વેરિફિકેશન વિના ઉતાવળ નહીં કરવી

ચમેલી દેવીને અગાઉ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમને એક દિવસ રાખવામાં આવ્યા અને તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ ઘરે લાવ્યાં બાદ ફરી રાત્રે તબિયત બગડી હતી. વૃદ્ધા ફરી જીવતા થયા તેને પરિવાર ચમત્કાર માની રહ્યો છે. જ્યારે ડૉક્ટરોનું કહેવું છે કે, ઘણી વખત કોઈ ગંભીર બીમારીમાં શરીરની ગતિવિધિઓ ધીમી પડી હતી હોય છે, જેથી દર્દીનું મોત થઈ ગયું તેવું માની લેવામાં આવતું હોય છે. પરંતુ ડૉકટરોનું કહેવું છે કે, અમુક કેસમાં મેડિકલ તપાસ કર્યાં સિવાય કોઈ દિવસ દર્દીને મૃત માની લેવાય નહીં!