(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલમાં કાળજું કંપાવતી ઘટના બહાર આવી હતી, જ્યાં ઘોઘાવદર રોડ પર સિમેન્ટનું કારખાનું ધરાવતા ૩૫ વર્ષીય વેપારી જયપાલભાઈ તોગડીયાએ પોતાના બે માસૂમ સંતાનોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો.
જયપાલભાઈ સવારે ૧૫ વર્ષીય પુત્ર અને ૧૦ વર્ષની પુત્રી કારખાને લાવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ બંને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ કરુણાંતિકાથી સમગ્ર ગોંડલ પંથકમાં ભારે અરેરાટી અને શોકની લહેર પ્રસરી ગઈ હતી.
આ ઘટનામાં ભોગ બનનાર બંને બાળકો અભ્યાસમાં અત્યંત તેજસ્વી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વેપારીના પુત્રએ તાજેતરમાં જ ધોરણ ૧૦માં ૭૦ ટકા ગુણ મેળવ્યા હતા, જ્યારે પુત્રી રિવા પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી.
૧૫ વર્ષથી સફળ વ્યવસાય કરતા અને આર્થિક રીતે સુખી ગણાતા વેપારીએ કયા માનસિક તણાવ કે સંજોગોમાં આવું પગલું ભર્યું તે હજુ રહસ્ય છે. ગોંડલ એ-ડિવિઝન પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ આત્મહત્યા અને હત્યા પાછળના સાચા કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી હતી.