Thu Aug 20 2026

Logo

ફાયરિંગ પ્રેક્ટિસ વખતે જેસીઓનું મોત: મેજરની કસ્ટડી માટે પોલીસના પ્રયાસ

2026-05-18 18:26:00
Author: Yogesh C. Patel
Article Image

વર્ધા: ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન જુનિયર કમિશન્ડ ઑફિસર (જેસીઓ)નું ગોળી વાગવાથી મોત નીપજવાના કેસમાં વર્ધા પોલીસે આરોપી મેજર મનન તિવારીને કસ્ટડીમાં સોંપવાની વિનંતી સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો (સીએડી)ને કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના પુલગાંવ ફાયરિંગ રૅન્જમાં 15 મેના બની હતી. ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ જુનિયર કમિશન્ડ ઑફિસર સુબેદાર મેજર ઓમ બહાદુર ખંદનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સીએડી પ્રશાસન દ્વારા મેજર તિવારીને કસ્ટડીમાં લેવાયા હતા.

ઘટના સમયે ફાયરિંગ બટ ખાતે હાજર લાન્સ નાયક બિરસિંહ ધામીની ફરિયાદને આધારે પુલગાંવ પોલીસે 15 મેના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ મેજર તિવારી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

એફઆઈઆર અનુસાર મેજર તિવારી અને સુબેદાર મેજર ખંદ ફાયરિંગ બટ ખાતે હાજર હતા, જ્યાં તાલીમ ચાલતી હતી. 

ફાયરિંગ પ્રેક્ટિસ વખતે સવારે 8થી 8.20 વાગ્યા દરમિયાન મેજર તિવારીએ પોતાની ઈન્સાસ 5.56 ગનથી મારેલી ગોળી સુબેદાર મેજર ખંદની ડાબી આંખમાં વાગી હતી, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું.

ફરિયાદીએ પોલીસને આપેલા નિવેદન અનુસાર મેજર તિવારીએ જેસીઓની હત્યા શા માટે કરી તેના કારણની ખરબર નથી.

આ અંગે વર્ધાના વરિષ્ઠ પોલીસ અધિકારીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અમે સીએડી પુલગાંવ પ્રશાસનને તેમની કાનૂની પ્રક્રિયા પછી વધુ તપાસ માટે આરોપીને પોલીસને સોંપવાની વિનંતી કરી છે.

(પીટીઆઈ)