Sun Aug 23 2026

Logo

ગોવિંદા-સુનિતાના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ! કોર્ટ કેસ પાછો ખેંચાયો, અભિનેતાની ટીમે આપ્યું મોટું નિવેદન

2026-08-19 17:13:12
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા (Govinda) અને તેમની પત્ની સુનિતા આહુજા (Sunita Ahuja)ના લગ્નજીવનમાં ભંગાણ અને છૂટાછેડાના સમાચારો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તાજેતરમાં સુનિતા આહુજા પોતાના પુત્ર યશવર્ધન સાથે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા બાદ અલગ થવાની અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ હવે સામે આવેલી સત્તાવાર માહિતી મુજબ, બંને વચ્ચે તમામ મતભેદો ઉકેલાઈ ગયા છે અને છૂટાછેડાની અરજી ઔપચારિક રીતે પરત ખેંચી લેવામાં આવી છે.

એક્ટરની ટીમ અને નજીકના સૂત્રો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કપલ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ બાકી નથી રહ્યો અને તેઓ પોતાના 39 વર્ષ જૂના સંબંધને એકસાથે આગળ વધારી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ સુનિતા આહુજા અગાઉ દાખલ કરાયેલી અરજીને કાયદાકીય રીતે પરત ખેંચવા અને જરૂરી ઔપચારિક કાગળિયાં પૂર્ણ કરવા માટે પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા. જોકે, કોર્ટ પરિસરમાં તેમની હાજરીને લઈને મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે તેઓ છૂટાછેડા માટે આવ્યા છે, પરંતુ વાસ્તવમાં આ મુલાકાત કેસને કાયમ માટે બંધ કરવાની પ્રક્રિયાનો ભાગ હતી.

ગોવિંદાની ટીમ અને ફેમિલી ફ્રેન્ડ્સ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગોવિંદા અને સુનિતા વચ્ચે ભૂતકાળમાં જે નાની-મોટી ગેરસમજો ઊભી થઈ હતી, તે પરિવારના વડીલો અને પરસ્પર વાતચીત દ્વારા સંપૂર્ણપણે થાળે પડી ગઈ છે. બંને વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ અકબંધ છે અને બંને પોતાના પરિવાર સાથે સુખરૂપ સમય પસાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી છૂટાછેડાની અફવાઓ માત્ર પાયાવિહોણી છે.

39 વર્ષ જૂનો અતૂટ સાથ

અહીંયા તમારી જાણકારી માટે કે ગોવિંદા અને સુનિતાના લગ્ન વર્ષ 1987માં થયા હતા. બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સમાં સ્થાન ધરાવતી આ જોડીએ પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. તાજેતરના વિવાદો અને અફવાઓ છતાં બંનેએ પરિપક્વતા દાખવીને પોતાના પરિવાર અને સંબંધને પ્રાથમિકતા આપી છે, જેનાથી તેમના લાખો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.