Mon Aug 31 2026

Logo

અમરાવતી આશ્રમશાળા વિવાદ: 'ભૂત'ના ડરથી ગયેલા વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ તૈયાર

2026-08-19 20:28:37
Author: Mumbai Samachar Team
અમરાવતી આશ્રમશાળા વિવાદ: 'ભૂત'ના ડરથી ગયેલા વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ તૈયાર

AI Image


અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી ચિખલદારા આશ્રમશાળામાં અસામાન્ય વર્તન અને ભૂત-પ્રેતની અફવાઓને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. લગભગ 600 વિદ્યાર્થી શાળા છોડીને ઘરે જતા રહ્યા હતા. મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સમજાવટ બાદ હવે તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓને 1 સપ્ટેમ્બરથી કેમ્પસમાં બનેલી નવી સુસજ્જ હોસ્ટેલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ડોમા સ્થિત આશ્રમશાળામાં હાલની છોકરીઓની હોસ્ટેલ લાંબા સમયથી ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને સમાવી રહી હતી. એડિશનલ આદિવાસી કમિશનર સંદીપ ગોલાઈતે જણાવ્યું હતું કે શાળાના પરિસરમાં છોકરીઓ માટે અલગ નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે. પહેલી સપ્ટેમ્બરથી વિદ્યાર્થિનીઓને નવી હોસ્ટેલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ થશે.

નવી હોસ્ટેલમાં તમામ વિદ્યાર્થિનીઓને સમાવી શકાય તે માટે બંક બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ સત્તાવાળાઓ સામે એક અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટના 22 જુલાઈએ શરૂ થઈ હતી, જ્યારે ચાર વિદ્યાર્થિની વિચિત્ર રીતે વર્તવા લાગી હતી. તેઓ સતત રડતી અને હસતી હતી. 

અધિકારીઓને શંકા છે કે આ વર્તન માનસિક તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે. મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગમાં આવેલા મેલઘાટ વિસ્તારમાં આવેલી આ નિવાસી શાળામાં કુલ 810 છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે. આ શાળા મુંબઈથી 700 કિલોમીટરથી વધુ દૂર છે. કેટલીક વિદ્યાર્થિનીઓના અસામાન્ય વર્તન બાદ અનેક પ્રકારની માન્યતાઓ અને અફવાઓ ફેલાઈ હતી. 
સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મનોવૈજ્ઞાનિક અહેવાલમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર બાદ ગામની કેટલીક મહિલાઓમાં પણ આવા જ પ્રકારના માનસિક લક્ષણો જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આશ્રમ શાળાની જગ્યાએ એક મહુઆનું ઝાડ હતું, જેના પર આત્માઓ રહેતી હતી. શાળા વ્યવસ્થાપને આ ઝાડ કાપી નાખ્યું અને માનવામાં આવ્યું કે તેનાથી આત્માઓ નારાજ થઈ ગયા અને વિદ્યાર્થીઓને પરેશાન કરવા લાગ્યા. બીજી માન્યતા એવી હતી કે આશ્રમ શાળાની પાછળ આવેલા તેમના દેવતાના મંદિરને શાળાની ડ્રેનેજ લાઇનથી નુકસાન થયું હતું અથવા તેના પર અતિક્રમણ થયું હતું, જેના કારણે દેવતા નારાજ થયા હતા.

ત્રીજી માન્યતા મુજબ શાળાની નજીકના ખેતરમાં એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને તેની આત્મા ભૂત બની ગઈ હતી. અહેવાલમાં આ સમગ્ર અસામાન્ય પરિસ્થિતિ પાછળ અંધશ્રદ્ધા, ભય, માનસિક તણાવ અને આત્માઓ અંગેની સ્થાનિક માન્યતાઓને કારણભૂત ગણાવવામાં આવી છે. અંધશ્રદ્ધા દૂર કરવા માટે કાર્યરત મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના વરિષ્ઠ અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને તેમને માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપ્યું હતું.