યુવતીને ઠેકાણે લગાડી આશ્રમમાં પાછા આવ્યા બાદ યુવતીના મિત્રને પણ મોતને ઘાટ ઉતાર્યો
મુંબઈ: ધુળેના આશ્રમના કથિત ગૉડમૅને દુષ્કર્મના પ્રયાસમાં ભયાનક કાંડને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. વિધિ બાદ નજીકના જંગલમાં જાતીય હુમલાના પ્રયાસનો વિરોધ કરનારી યુવતીની ગળું દબાવીને હત્યા કરી હતી. પછી આશ્રમમાં પાછા ફરી બાબાએ યુવતીના મિત્રને પણ બેરહેમીથી પતાવી નાખ્યો હતો.
આરોપી બાબાની ઓળખ યોગેશ ઉર્ફે ભૈયા બાપુ ખૈરનાર (33) તરીકે થઈ હતી. સ્વઘોષિત ગૉડમૅન ખૈરનારે હત્યા બાદ બન્નેના મૃતદેહને અલગ અલગ ઠેકાણે ફેંક્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ખૈરનાર જૈતાને ગામમાં આશ્રમ ચલાવતો હતો. રાયપુર-ભડગાંવ રોડ પરના નિઝામપુર વિસ્તારમાંથી પચીસ વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યા પછી ખૈરનારનું કૃત્ય પ્રકાશમાં આવ્યું હતું.
યુવતીનો ચહેરો કપડાથી ઢંકાયેલો હતો અને એક મોટો પથ્થર તેના શબ પર મૂકવામાં આવ્યો હતો. યુવતીનો મોબાઈલ મૃતદેહ નજીકથી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે યુવતી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કામ કરતી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ પારિવારિક ક્લેશ અને નોકરી સંબંધી સમસ્યાથી પીડાતી યુવતી વિધિ માટે એક મિત્ર સાથે 16 મેના રોજ શનિ અમાવસ્યા હોવાથી ખૈરનારના આશ્રમમાં આવી હતી. પૂજાવિધિ પત્યા પછી રાતે બાબાએ પોતાની બાઈક પર યુવતીને ઘરે છોડી દેવાની તૈયારી દાખવી હતી.
મિત્ર આશ્રમમાં જ રોકાયો હતો, જ્યારે બાબા યુવતી સાથે બાઈક પર નીકળ્યો હતો. થોડે અંદરે પહોંચ્યા પછી જંગલ પરિસરમાં બાઈક રોકી બાબાએ યુવતી સાથે કથિત દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વિરોધ કરી મદદ માટે બૂમો પાડવાનો પ્રયત્ન કરતાં બાબાએ કાપડથી ગળું દબાવી તેની હત્યા કરી હતી.
યુવતીની હત્યા પછી બાબા પાછો આશ્રમ પહોંચ્યો હતો અને લોખંડના સળિયાથી ફટકારી યુવતીના મિત્રને પતાવી નાખ્યો હતો. પછી યુવાનનો મૃતદેહ બળદગાડામાં રાખી બે ટેકરી વચ્ચેના નિર્જન પરિસરમાં ફેંકી દીધો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે યુવાનના મૃતદેહ નજીકથી કેસરી રૂમાલ મળ્યો હતો, જે પોલીસને બાબા સુધી દોરી ગયો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવી હતી. બાબાએ ડબલ મર્ડરની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
(પીટીઆઈ)