વિરાટ કોહલીએ સંજુ સૅમસનની સિદ્ધિને બિરદાવી: 'તું આ એવોર્ડનો સાચો હકદાર છે'
નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપમાં ભારત વતી (ખાસ કરીને છેલ્લી ત્રણ મૅચમાં ચમકીને) સૌથી વધુ 321 રન કરનાર ઓપનર અને વિકેટકીપર સંજુ સૅમસનને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ અપાયો, સમગ્ર ક્રિકેટની દુનિયામાં તેની વાહ-વાહ થઈ રહી છે એ અવસર પર ટીમ ઇન્ડિયાના આ સુવર્ણકાળ દરમ્યાન ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી (Kohli)એ પણ સૅમસનની ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ભરપૂર પ્રશંસા કરી છે.
ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં કુલ નવ મૅચ રમી જેની તુલનામાં સૅમસન (Samson)ને માત્ર પાંચ મૅચ રમવા મળી જેમાં તેના સ્કોર્સ આ મુજબ હતાઃ નામિબિયા સામે બાવીસ રન, ઝિમ્બાબ્વે સામે 24 રન, વેસ્ટ ઇન્ડિઝ સામે અણનમ 97, ઇંગ્લૅન્ડ સામે 89 રન અને ન્યૂ ઝીલૅન્ડ સામે 89 રન. સૅમસને આ પાંચ મૅચ રમીને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ જીતી લીધો હતો. તેણે 321 રન 199.37ના સ્ટ્રાઇક-રેટ અને 80.25ની સરેરાશ સાથે બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ આ અસાધારણ પર્ફોર્મન્સ બદલ સૅમસનના ભરપૂર વખાણ કરતા લખ્યું છે કે `તું પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટના અવૉર્ડનો હકદાર હતો અને તને જ એ મળ્યો. યુ ડિઝર્વ ધિસ.'
વિરાટે એવું પણ લખ્યું કે `સૅમસન માટે આ ટૂર્નામેન્ટ શાનદાર રહી. ટીમને તેના સારા પર્ફોર્મન્સની ખાસ જરૂર હતી ત્યારે જ તેણે સારું પ્રદર્શન કર્યું. તારા આ પ્રદર્શનથી હું ખૂબ ખુશ છું.' વિરાટની આ સ્ટોરી ખૂબ વાઇરલ થઈ છે. અભિષેક શર્મા ઑફ સ્પિનર સામે રમવામાં સંઘર્ષ કરી રહ્યો હોવાથી ટીમ મૅનેજમેન્ટે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પડતો નહોતો મૂક્યો, પરંતુ તેની સાથે સૅમસનને ઓપનિંગમાં મૂકીને બહુ સારી વ્યૂહરચના અપનાવી હતી અને હરીફ ટીમના પ્લાન ખોટા પાડી નાખ્યા હતા.