બેંગ્લૂરુઃ વિરાટ કોહલી (VIRAT KOHLI)ના શબ્દકોશમાં `વર્કલૉડ મૅનેજમેન્ટ' જેવું કંઈ છે જ નહીં અને આ વિશે તેનું એવું માનવું છે કે જો વર્કલૉડ મૅનેજમેન્ટ કરવામાં આવે તો ખેલાડી પોતાની પૂર્ણ ક્ષમતા હાંસલ જ ન કરી શકે.
થોડાં વર્ષોથી ટીમ ઇન્ડિયાની બાબતમાં વર્કલૉડ મૅનેજમેન્ટ શબ્દો ખૂબ પ્રચલિત છે. એમાં ખેલાડી વિશે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેના પર રમવાનો એટલો બધો બોજ ન આવી પડવો જોઈએ કે તેના પર્ફોર્મન્સ અને માનસિક-શારીરિક દેખાવ પર નકારાત્મક અસર પડે.
વર્કલૉડ મૅનેજમેન્ટનો સૌથી ચર્ચાસ્પદ મામલો જસપ્રીત બુમરાહનો છે. બીસીસીઆઇ તેના વર્કલૉડ મૅનેજમેન્ટની બાબતમાં ખૂબ કાળજી રાખે છે. વર્તમાન આઇપીએલમાં રવીન્દ્ર જાડેજા વિશે પણ આવું જ ચાલી રહ્યું છે. વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે જ રાજસ્થાન રૉયલ્સના ટીમ મૅનેજમેન્ટે તેને દિલ્હી કૅપિટલ્સ સામે નહોતો રમાડ્યો.

બેંગ્લૂરુમાં ગુરુવારે સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની એક ઇવેન્ટમાં કોહલીએ કહ્યું, `હું વર્કલૉડ મૅનેજમેન્ટમાં વિશ્વાસ કરતો જ નથી. વર્કલૉડને મૅનેજ કરવામાં હું નથી માનતો. વર્કલૉડ મૅનેજમેન્ટ (Workload Management) ક્યારે? ખેલાડી કરીઅરમાં આગળ વધી રહ્યો હોય ત્યારે? આવું હોય જ નહીં. તમારે સૌથી પહેલાં તો પોતાની શ્રેષ્ઠ ક્ષમતા કઈ અને કેટલી એ નક્કી કરી લેવું પડે. ત્યાર બાદ તમારે એ સંતુલન નક્કી કરી લેવું પડે કે તમે કેટલું કરી શકો છો અને ક્યારે તમારે પોતાને થોડા હળવા બનાવવાની જરૂર છે. જોકે ખેલાડી કરીઅરના શરૂઆતના સમયગાળામાં જ એને મૅનેજ કરવાનું શરૂ ન કરી શકે. એમાં તો ખેલાડી પોતાની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચી જ ન શકે. હું આ જ પદ્ધતિથી કામ કરું છું.'
કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે `એવું શું છે જે તમને સતત આગળ વધતા રહેવા માટે પ્રેરિત કરે છે?' તેણે જવાબમાં કહ્યું, `ભૂખ'. કોહલીનું કહેવું છે કે ખેલાડીમાં જો મિશન હાથ ધર્યા પછી એમાં આગળ વધવાની કે પૂરું કરવાની ભૂખ (હન્ગર) હોય તો એ તેને મંઝિલ સુધી પહોંચાડી શકે.'
કોહલીનું એવું પણ કહેવું છે કે `આજકાલ લોકો ભૂખને પૈસા સાથે જોડી દેતા હોય છે. હા, પૈસા એક મોટું પરિબળ છે, કારણકે જ્યારે એક ફૉર્મેટ (અહીં ટી-20નું ઉદાહરણ સમજવું) ખેલાડીને હાઇપ અને માન્યતા (ખ્યાતિ) અપાવે, 20 બૉલમાં 40-50 રન બનાવીને તમે વાહ-વાહ મેળવી લેતા થાઓ એટલે તમે પૈસા બનાવતા થઈ જાઓ છો જેમ કે હમણાં આઇપીએલમાં બની રહ્યું છે. આ ફૉર્મેટમાં કંઈ બહુ માનસિક દબાણ માથે લેવું પડે એવું નથી.
મારે તો બસ, બૉલ સુધી પહોંચીને ફટકો મારવાનો છે, ધુલાઈ કરવાની છે. ખેલાડી એમ પણ કહી શકે કે મારે 15-20 વર્ષ રમવું છે અને ખૂબ ખ્યાતિ મેળવી લેવી છે અને ક્રિકેટ જગતમાં (તેમ જ મારા પોતાના હીરો તરફથી) સન્માન મેળવવા માગું છું. હું એ તક ઝડપી લેવા માગું છું. ખેલાડીમાં એવી ભૂખ હોવી જોઈએ કે હું 15-20 વર્ષ સુધી આ બધુ જ કરી લેવા માગું છું. આ બધુ પૂર્ણ કરવું ખૂબ કઠિન જરૂર હશે, પરંતુ હું એ માટે તૈયાર છું.ર્'
કોહલીએ પોતાને (વર્ષ 2021થી 2023)ના મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં જેઓ ખૂબ મદદરૂપ થયા એનો શ્રેય તેણે ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડ અને ભૂતપૂર્વ બૅટિંગ-કોચ વિક્રમ રાઠોરને આપ્યો હતો.