Thu Jun 18 2026

Logo

વિરાટ-અનુષ્કા ફરી વૃંદાવનમાં, પુત્ર અકાયના જન્મદિન બાદ પ્રેમાનંદજી મહારાજની સત્સંગ સભામાં...

2026-02-17 18:43:41
Author: Ajay Motiwala
Article Image

વૃંદાવનઃ ભારતના બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્મામાં થોડા સમયથી ભક્તિભાવ ખૂબ વધી ગયો છે અને એટલે જ તેઓ વારંવાર વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજની સત્સંગ-સભામાં હાજરી આપવા આવી જાય છે. તેઓ ફરી એક વાર આ આશ્રમમાં આવ્યા હતા અને લગભગ એક કલાક સુધી ભક્તોની વચ્ચે બેઠાં હતાં અને સત્સંગમાં એકીટસે પ્રેમાનંદજીનું વ્યાખ્યાન સાંભળ્યું હતું.

વિરાટ-અનુષ્કાની આશ્રમ (Ashram)માં હાજરીવાળા ફોટા અને વીડિયો મંગળવાર બપોરથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. બન્નેએ પુત્ર અકાય (Akaay)ના જન્મદિન બાદ આ આશ્રમની મુલાકાત લીધી એવું એક અહેવાલમાં જણાવાયું હતું. સેલિબ્રિટી કપલ વહેલી સવારે 5.30 વાગ્યે આશ્રમમાં આવ્યા હતા. વિરાટ-અનુષ્કાનો પુત્ર અકાય બે વર્ષનો છે. રવિવાર, 15મી ફેબ્રુઆરીએ તેનો બીજો જન્મદિન હતો. તેમની પુત્રી વામિકા પાંચ વર્ષની છે.

વિરાટ અને અનુષ્કા દંપતી તરીકે વિરુષ્કા (Virushka)ના નામે ઓળખાય છે. તેમણે આશ્રમમાં તિલક લગાવડાવ્યા હતા અને તુલસીની માળા પણ પહેરી હતી. આ લુક બદલ પણ ઇન્ટરનેટ પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

વિરાટ અને અનુષ્કા માસ્ક પહેરીને આશ્રમમાં આવ્યાં હતાં. જોકે સત્સંગ દરમ્યાન તેમણે માસ્ક કાઢી નાખ્યા હતા. તેમના એક ચાહકે એક્સ પર લખ્યું હતું કે ` વિરાટ અને અનુષ્કાની સાદગી અને આસ્થાથી હું ખૂબ પ્રભાવિત છું.'