નવી દિલ્હીઃ ભારતના પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય અને 2027 વન-ડે (ODI) વર્લ્ડ કપ રમવા અંગે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે જો રમત પ્રત્યેના તેમના સમર્પણ હોવા છતાં, તેમને પોતાની કાબિલિયત અને મહત્વ સાબિત કરવા માટે મજબૂર કરવામાં આવે, તો 'તે જગ્યા તેમના માટે નથી.' આ સાથે જ તેમણે ઉમેર્યું કે, પરિસ્થિતિ ગમે તેવી હોય, તેઓ કોઈપણ સિરીઝ માટે હંમેશા તૈયાર રહે છે. વિરાટ આરસીબી (RCB) પોડકાસ્ટ પર વાત કરી રહ્યા હતા, જેનો એક વીડિયો ફ્રેન્ચાઇઝીના સત્તાવાર 'X' (ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબરે ચાલી રહેલા વિરાટે 12 ઇનિંગ્સમાં 484 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અર્ધસદી સામેલ છે. તેઓ હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર વન-ડે (ODI) ખેલાડી તરીકે રમી રહ્યા છે.
2024 T20 વર્લ્ડ કપ જીત બાદ T20Iમાંથી સન્યાસ
2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, અને ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં, ખરાબ ફોર્મના લાંબા સમયગાળા બાદ તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ક્રિકેટ કેલેન્ડરમાં વન-ડે (ODI) એ હાલમાં સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. આવી પરિસ્થિતિમાં, 37 વર્ષના વિરાટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો બહુ વધારે સમય મળતો નથી, જેના કારણે 2027ના વર્લ્ડ કપની ટીમમાં તેમના સ્થાનને લઈને સતત ચર્ચાઓ થતી રહે છે.
પોતાના વર્લ્ડ કપ પ્લાન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના સ્થાન અંગેના વર્તમાન દ્રષ્ટિકોણ પર વાત કરતા વિરાટ કહે છે કે, જો તેમને પોતાના મહત્વનો અહેસાસ થાય અને તેમને લાગે કે તેઓ કોઈ ટીમ કે માહોલમાં પોતાનું યોગદાન આપી શકે તેમ છે, તો તેઓ રમવા માટે તૈયાર છે; નહીંતર, 'તેઓ તે જગ્યા પર રહેશે નહીં'."
મારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે- વિરાટ
વિરાટે કહ્યું કે મારો દ્રષ્ટિકોણ બહુ સ્પષ્ટ છે. જો હું એ ટીમ કે વાતાવરણમાં મારું યોગદાન આપી શકું જેનો હું ભાગ છું, અને જો એ ટીમને પણ એવું લાગતું હોય કે હું મારું યોગદાન આપી શકું તેમ છું, તો હું ચોક્કસ રમીશ. પરંતુ જો મને એવો અહેસાસ કરાવવામાં આવે કે મારે મારી કાબિલિયત અને મહત્વ સાબિત કરવાનું છે, તો હું એ જગ્યા પર રહીશ નહીં. કારણ કે હું મારી તૈયારીને લઈને સંપૂર્ણપણે પ્રમાણિક છું.
"હું રમત પ્રત્યેના મારા દ્રષ્ટિકોણને લઈને પણ સંપૂર્ણપણે પ્રમાણિક છું. હું પૂરી લગનથી મહેનત કરું છું. હું ભગવાનનો ખૂબ જ આભારી છું કે તેમણે મને મારી ક્રિકેટ કરિયરમાં એ બધું જ આપ્યું છે જે મને મળ્યું છે. અને હું આ તક માટે મારી જાતને ખૂબ જ નસીબદાર અને કૃતજ્ઞ અનુભવું છું. અને જ્યારે હું રમવા માટે મેદાન પર ઉતરૂં છું, ત્યારે હું પૂરી એકાગ્રતા અને સમર્પણથી રમું છું." "હું બીજા કોઈપણ ખેલાડી જેટલી જ મહેનત કરું છું, કદાચ તેનાથી પણ વધારે. અને હું આ રમત યોગ્ય રીતે રમું છું. શું તમે એવું ઈચ્છો છો કે હું એક વન-ડે (ODI) મેચમાં 40 ઓવર સુધી બાઉન્ડ્રીથી બાઉન્ડ્રી સુધી દોડતો રહું?"