Thu Jul 23 2026

Logo

હાર્દિક પટેલે જન્મદિને અંબાલાલનું કર્યું સન્માન, ભાજપના ક્યા દિગ્ગજ નેતા રહ્યા હાજર ?

2026-07-22 13:09:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે 20 જુલાઈના રોજ તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે તેણે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું સન્માન કર્યું હતું. હાર્દિક પટેલના જન્મ દિવસ પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

અંબાલાલ પટેલ થોડા દિવસ પહેલા ચર્ચામાં આવ્યા હતા. વિજ્ઞાન જાથાએ તેમની આગાહી ખોટી પડવા બદલ પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જે બાદ અંબાલાલે આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જાથાના ત્રાસથી કંટાળી અંબાલાલે આગાહી નહીં કરવાનો નિર્ણય લીધા બાદ ભાજપના ઘણા નેતાએ તેમને ટેકો આપીને આગાહી ચાલુ રાખવા જણાવ્યું હતું. કાયદા નિષ્ણાતોના અભિપ્રાય અને ભાજપના નેતાઓના સમર્થન બાદ તેમણે આગાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક પટેલના જન્મ દિવસના કાર્યક્રમમાં જીતુ વાઘાણી સાથે ઉપસ્થિત રહીને તેઓ ભાજપને સમર્થન આપતા હોવાનો આડકતરી રીતે સંદેશ આપ્યો હતો.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને અંબાલાલ વિશે શું કહ્યું

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું, દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામના નિવાસી અંબાલાલ પટેલ માત્ર વિરમગામ વિધાનસભા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. હવામાન વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે તેમનો દીર્ઘ અનુભવ, સચોટ વિશ્લેષમ અને જનહિત માટે આપેલા માર્ગદર્શન તેમને સમાજમાં એક વિશિષ્ટ ઓળખ અપાવી છે. એમનું સન્માન કરીને અમે તેમના જ્ઞાન, સમર્પણ અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને નમન કર્યું છે. ઈશ્વર પાસે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને નિરંતર જનસેવાની કામના કરું છું.

કોણ છે અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ખેતીવાડી સાથે નાનપણથી જ જોડાયેલા હોવાને કારણે તેમને ધરતી અને આકાશના બદલાતા મિજાજમાં હંમેશા રસ રહ્યો હતો. તેમણે આણંદની પ્રતિષ્ઠિત 'બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર' માંથી કૃષિ વિષય સાથે B.Sc. (Agriculture) ની પદવી મેળવી છે. નોકરીની વાત કરવામાં આવે તો, વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં 'બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર' તરીકે જોડાયા હતા. પોતાની મહેનત અને ક્ષમતાના જોરે તેઓ પ્રગતિ કરીને મદદનીશ ખેતી નિયામક જેવા ઉચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેમણે ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં સેવાઓ આપી અને સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતાં.

કૃષિ વૈજ્ઞાનિકથી હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા?

અંબાલાલ પટેલ સત્તાવાર રીતે કોઈ હવામાન વિભાગના વૈજ્ઞાનિક નથી, પરંતુ તેમની પાસે કૃષિ જ્ઞાનની સાથે જ્યોતિષ શાસ્ત્રનો બહોળો અનુભવ છે. સરકારી નોકરી દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરતી વખતે તેમને સમજાયું કે જો વરસાદની આગોતરી માહિતી મળી જાય, તો ખેડૂતો પાકના નુકસાનથી બચી શકે છે. આ વિચાર સાથે તેમણે પ્રાચીન ભારતીય ગ્રંથો જેવા કે, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા, વરસાદનો વરતારો અને નક્ષત્રોની ચાલનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો હતો. આ ગ્રંથો અને ખગોળીય સ્થિતિના આધારે તેમણે વર્ષ 1980માં પોતાની પ્રથમ હવામાન આગાહી કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી તેઓ ઠંડી, ગરમી, વાવાઝોડું અને વરસાદની નિયમિત આગાહીઓ કરતા આવ્યા છે. અંબાલાલ પટેલને નિઃસ્વાર્થ સેવા માટે આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંસ્થા દ્વારા સન્માન, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા પુરસ્કાર અને ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા ઘણા સન્માન મળ્યા છે.