સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજા આપી, પણ હાઈ કોર્ટે તપાસ પક્ષની ત્રુટિઓને ધ્યાનમાં લઈ નિર્દોષ છોડ્યો
મુંબઈ: વિલેપાર્લેમાં ફિઝિયોથેરપિસ્ટની બળાત્કાર બાદ હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજા આપી હતી, પરંતુ બૉમ્બે હાઈ કોર્ટે તપાસ પક્ષની ત્રુટિઓને ધ્યાનમાં લઈ તેને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મજબૂત શંકા પણ પુરાવાનું સ્થાન ન લઈ શકે અને ફરિયાદ પક્ષ શંકાથી પર ગુનો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે.
ફરિયાદી પક્ષ દ્વારા આરોપી સામે રજૂ કરવામાં આવેલા પુરાવા અમારા મતે નબળા, અસંલગ્ન અને સાંયોગિક છે. માત્ર શંકાના આધાર પર આ કેસમાં રજૂ કરાયેલા પુરાવા, ભલે એ કેટલા પણ મજબૂત હોય, તેને નક્કર પુરાવા ગણી ન શકાય. આમ કહીને જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેએ મૃત્યુદંડની સજાને ફગાવીને દેબાશિષ ધારાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
વિલેપાર્લેની એક ચાલમાં 24 વર્ષની ફિઝિયોથેરપિસ્ટ પરિવાર સાથે રહેતી હતી. ઘટનાની રાતે તે સામેના ઘરના માળિયા પર સૂતી હતી. છઠ્ઠી ડિસેમ્બર, 2016ના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ યુવતી સૂતી હતી તે રૂમમાંથી ધુમાડો નીકળતો હોવાનું પડોશીના ધ્યાનમાં આવ્યું હતું. તેણે તરત જ યુવતીના વડીલોને આ અંગે જાણ કરી હતી. આગ ઓલવ્યા પછી યુવતી ગંભીર અવસ્થામાં મળી આવી હતી અને તેના ગળા ફરતે જીન્સ પૅન્ટ વીંટળાયેલી હતી. ચાદમાં વીંટાળીને યુવતીને માળિયા પરથી નીચે લાવવામાં આવી હતી.
હૉસ્પિટલમાં લઈ જવાયેલી યુવતીને તબીબે મૃત જાહેર કરી હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં યુવતી સાથે બળાત્કાર થયાની વાત સામે આવી હતી. ગળું દબાવીને તેની હત્યા કરાઈ હોવાનું તબીબે જણાવ્યું હતું. આ કેસમાં લગભગ દોઢેક મહિના બાદ 28 જાન્યુઆરી, 2017ના રોજ નજીકના જ્વેલરી સ્ટોરના કર્મચારી ધારાને કોલકતાથી પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ખટલો ચાલ્યો હતો. 10 ઑક્ટોબર, 2019ના એડિશનલ સેશન્સ જજ એ. ડી. દેવે ધારાને બળાત્કાર, હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સહિત અન્ય આરોપો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. ‘અત્યંત માનસિક વિકૃતિ’ દર્શાવતું આ ‘ભયંકર, ક્રૂર અને ઘૃણાસ્પદ કૃત્ય’ હોવાથી કોર્ટે આ કેસ રેરેસ્ટ ઑફ ધ રેરની કૅટેગરીમાં આવતો હોવાનું નોંધ્યું હતું.
સેશન્સ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી હતી કે સરકારી પક્ષ આરોપીને ગુના સાથે જોડનારી પરિસ્થિતિજન્ય પુરાવાની ચેઈન સિદ્ધ કરવામાં સફળ રહ્યો છે. સરકારી વકીલે આરોપીની જીન્સ પરના લોહીના ડાઘ અને એક કાંસકાના કેમિકલ એનાલિસીસ/ડીએનએ રિપોર્ટ તેમ જ સીસીટીવી ફૂટેજ પર આધાર રાખ્યો હતો. ડીએનએ પ્રોફાઈલિંગને કારણે આરોપી ધારા જ હોવાનું સિદ્ધ થયું હતું.
જોકે હાઈ કોર્ટે તપાસ પક્ષના કેસમાં અનેક ત્રુટિઓ હોવા તરફ ધ્યાન આપ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પરથી ધારા કોના ઘરમાં અને શા માટે ડોકિયું કરતો હતો, એ સિદ્ધ થતું નથી. આ મુદ્દો તેની વિરુદ્ધ પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં. હત્યાના બે મહિના પછી ધારાના ઘરમાંથી તેની જીન્સ તાબામાં લેવાઈ હતી. જીન્સ પર બહારના ભાગમાં લોહીના ડાઘ નહોતા, પણ જમણા ખીસાના અંદરના ભાગમાં હતા, જેને હાઈ કોર્ટે ‘એક ઈન્નોવેટિવ આઈડિયા’ ગણાવ્યો હતો.
પંચનામામાં જણાવ્યું હતું કે કાંસકાના હેન્ડલ પર લાલ ડિઝાઈન જેવું હતું, જે કેમિકલ એનલાઈઝરના કહેવા મુજબ લોહીના ડાઘ હતા. જજે એવું પણ નોંધ્યું હતું કે ભીની ચાદર પર ડીએનએ રહ્યા અને તે ધારા સાથે મૅચ થયા, એ બન્ને બાબત માન્યમાં ન આવે એવી છે.